કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતાતૂર: આ તારીખે રાજ્યના આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની એન્ટ્રી
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે.
હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
ખેડૂતો માટે માઠા સમાચાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીના વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન ભિતી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. રાજકોટ પોરબંદર જુનાગઢમાં કોલ્ડ વેવની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં C અને ઠંડા પવનો ફૂંકાશે.
કમોસમી વરસાદ/ માવઠાની શક્યતાને લઇ ખેડુતો આટલી કાળજી રાખવી
જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.
બટાટા વાવતા ખેડૂતો આ કાળજી રાખવી
બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75% વે.પા. 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5% ઇસી 5 મિલિ 10 લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/ પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.