આપણા ગુજરાતનાં એવા વેપારી જેના માથે 500 કરોડનું દેવું હતું છતાં વિદેશ ભાગ્યા નહીં અને પોતાની બધી સંપતિ વેચીને પણ ચૂકવી બેંકોની લોન…
વિજય માલિયા, નીરવ મોદી… આ નામ એવા છે જે ભારતમાં કરોડોનું કૌભાંડ કરી વિદેશમાં ભાગી ગયા છે. આવા ભાગેડૂ લોકોનો હાલ રાફડો ફાટ્યો છે. રોજ સવારે તમને આ પ્રકારના નાણાકીય ફ્રોડ કરનાર લોકોના નામ સાંભળવા મળતા રહેશે. કરોડોની લોન કે રોકાણના નામે રુપિયા લઈ લોકો વિદેશ ફરાર થઈ જતા હોય છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આજના આ સમયમાં એવા લોકો પણ છે જે પોતાના પર કરોડોનું દેવુ થઈ જાય તો પણ ભાગી જવાને બદલે તેને ચુકવે છે. આજે તમને આવા જ એક પ્રામાણિક વ્યક્તિ વિશે જણાવીએ.
મનજીભાઈ ધોળકિયા જેઓ મુળ અમરેલી પાસેના લાઠી ગામના ખેડૂત પુત્ર હતા. 13 વર્ષની ઉંમરે તેઓ સુરત પહોંચ્યા હતા અને હીરા ઘસવાથી શરુઆત કરી હતી. કામ ધંધા માટે સુરત આવેલા મનજીભાઈ નક્કી કર્યું હતું કે તે મહેનત કરી આગળ વધવાના છે. ત્યારે સાત વર્ષ હીરા ઘસીને તેણે 7 વર્ષમાં એટલે કે 20 વર્ષની ઉંમરે હીરા ઘસવાની ઘંટી લઈ પોતાનો નાનકડો વ્યવસાય શરુ કર્યો. તેઓ માત્ર 4 ધોરણ પાસ હતા પરંતુ તેમની કોઠાસૂઝ જબરી હતી.
તેમણે 1988માં ભવાની જેમ્સ નામની કંપનીની શરુઆત કરી. તેમણે 25 વર્ષની ઉંમરે પોતાની કંપની ધમધમતી કરી લીધી હતી. ભવાની જેમ્સ કંપનીનું પહેલું વાર્ષિક ટર્ન ઓવર 28 કરોડ રૂપિયા હતું. ત્યારપછી ધંધો વધતો ગયો, તો સુરત સહિત મુંબઈમાં પણ ભવાની જેમ્સની બ્રાંચ શરુ થઈ હતી.
બિઝનેસ વધતો ગયો તો તેમણે બિઝનેસ વધારવા માટે બેન્કો પાસેથી લોન લીધી હતી. તેમનું વાર્ષિક ટર્ન ઓવર 1200 કરોડ સુધી થયું હતું. જો કે લોન લીધા પછી અચાનક જ દોઢ વર્ષમાં પેઢી ઉઠી ગઈ અને બેન્કના નાણા ડુબી ગયાની વાતો વહેતી થઈ.
આવા સમયમાં ભાગી જવાને બદલે મનજીભાઈને વિચાર આવ્યો કે આ લોન ચુકવાશે નહીં ત્યાં સુધી મને શાંતિ અને સુખ મળશે નહીં. ત્યારે 1200 કરોડની કંપનીના માલિક 60 વર્ષના થઈ ચુક્યા હતા. તેમણે નક્કી કર્યું કે ધંધો ઓછો કરશું પણ લોન પુરી થઈ જવી જોઈએ. તેમણએ પોતાના બધા ખાતા સંભાળતા લોકોને સુચના આપી કે બન્કોમાંથી લીધેલી લોનની રકમ 500 કરોડ છે તેને ચુકવી દેવાની છે.
તેમણે એક સમય પણ વિચાર કર્યા વિના સુરત અને અમદાવાદમાં ખરીદેલી મિલકતો વેંચી નાખવા સુચના આપી. આ માટે પોતાની 70 ટકા મિલકતો વહેંચી તેણે 500 કરોડ ચુકતે કરી દીધા. લોન ભરવા માટે મિલકત વેંચી દીધા પછી તેમનું ટર્નઓવર ઘટી ગયું. પરંતુ હવે તેઓ કહે છે કે તેનાથી તે નિરાંતે સુઈ શકે છે.
મનજીભાઈ ધોળકીયા મનજી રુડા નામથી ઓળખાય છે. તેમની કંપનીના નામે વિશ્વનો સૌથી નાનો હીરો બનાવવાનો રેકોર્ડ પણ છે. આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. તેમને પીએમ મોદીના હસ્તે એવોર્ડ પણ મળ્યો છે. તેઓ પરોપકારના કામ પણ કરે છે. તેમનું ટ્રસ્ટ છે જે ગામડાઓમાં શિક્ષણ સહિતની બાબતોમાં કામ કરે છે.