દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર છે ખૂબ જ ધાર્મિક, આ ભગવાનમાં છે અતૂટ અને અખૂટ શ્રદ્ધા
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર વિશે, તેમની લાઇફ સ્ટાઇલ અને તેમના જીવન અંગે તો સૌ કોઇ જાણે છે. પરતું શું તમે જાણો છો કે દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની જેમ સમગ્ર અંબાણી પરિવારને ભગવાન દ્વારકાધીશમાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા છે. સંતાનોના લગ્ન હોય કે પછી નવા વર્ષની શરૂઆત હોય અંબાણી પરિવાર અચૂકપણે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવે છે.
દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલ જેટલી અનોખી છે. એટલી જ અનોખી અંબાણી પરિવારની ઇશ્વર પ્રત્યેની આસ્થા છે. અંબાણી પરિવાર ભગવાન શ્રીકૃષ્ણના અવતાર શ્રીનાથજીને કુળદેવતા માને છે. આથી સમગ્ર અંબાણી પરિવાર રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજીમાં અવારનવાર શિશ ઝૂકાવે છે. કોઈ પણ શુભ કાર્ય માટે તેઓ પહેલું આમંત્રણ ભગવાનને આપે છે.
મુકેશ અંબાણીના પુત્રી ઇશા અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી પણ ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી. તો ઇશાની સંગીત સંધ્યામાં પણ શ્રીનાથજી પર સ્ટેજ થીમ હતી. તેમના વિશાળ ઘર એન્ટિલિયામાં પણ ભગવાન શ્રીનાથજીનું મંદિર છે.
સમગ્ર અંબાણી પરિવાર શ્રીનાથજીની જેમ જ ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્ત છે. મુકેશ અંબાણી તેમના ગમે તેટલા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ વર્ષમાં એક વખત તો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા અચૂકપણે આવે છે. આ ઉપરાંત તેમના માતા કોકિલાબેન તેમજ પત્ની નીતા અંબાણી અને સંતાનો પણ વારંવાર દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે.
નીતા અંબાણી આઇપીએલ શરૂ થાય તે પહેલા તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સફળતાની મનોકામના સાથે દ્વારકાધીશના દર્શને આવે છે અને તેમની પ્રાર્થના ફળતી હોય તેમ મુંબઇની ટીમ અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પિયન પણ બની ચૂકી છે.
નીતા આંબાણી તેમના સાસુ કોકિલાબેનની જેમ ખૂબ ધાર્મિક છે. નીતા અંબાણી અવાર-નવાર રાજસ્થાન, દ્વારકા, સોમનાથ, સિદ્ધિવિનાયક મંદિર જવાનું ભૂલતા નથી. નીતા અંબાણી આટલા ફેશનેબલ અને હાઇ સોસાયટીમાં રહેતા હોવા છતાં જ્યારે પણ કોઇને મળે છે તો સૌ પહેલા જય શ્રી કૃષ્ણ બોલે છે. આમ ભારતના સૌથી ધનાઢ્ય પરિવારના તમામ સભ્યો વારંવાર શ્રીનાથજી અને દ્વારકાધીશના શરણે આવી ધન્યતા અનુભવે છે.