એક સમયે પંચરનું કામ કરનાર હવે બન્યા બનાસકાંઠાના કલેક્ટર..બાળપણમાં પિતા ગુમાવ્યા તો કોઈએ રૂ.10 હજાર ડોનેશન ભર્યું ત્યારે…જુઓ તેમની સંઘર્ષ ભરી કહાની..

એક સમયે પંચરનું  કામ કરનાર હવે બન્યા બનાસકાંઠાના કલેક્ટર..બાળપણમાં પિતા ગુમાવ્યા તો કોઈએ રૂ.10 હજાર ડોનેશન ભર્યું ત્યારે…જુઓ તેમની સંઘર્ષ ભરી કહાની..

તાજેતરમાં IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં PGVCLના MD વરુણ બરનવાલની બનાસકાંઠાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. દરેક માણસ જીવતી વાર્તા છે, પરંતુ ઘણાની વાર્તા તમને કંઈક શીખવી તો જાય છે પણ નિરાશ થયેલી વ્યક્તિને પ્રેરણા આપી સફળતાના શિખર સુધી પહોંચાડી દે છે. બનાસકાંઠાના કલેક્ટરની જિંદગી કંઈક આવી જ રહી છે.

દિવ્ય ભાસ્કરે બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે સાઇકલ પંચર કરવાથી લઈ કલેક્ટર બનવા સુધીની સંઘર્ષમય ગાથા વર્ણવી હતી. તેમના પરિવારમાં પત્ની નૂપુર, માતા અમરાવતીબેન, 1 ભાઈ 3 બહેન છે. જ્યારે પિતા જગદીશભાઈનું અવસાન થઈ ચૂક્યું છે. તો વાંચો વરુણ બરનવાલની કહાની તેમના જ શબ્દોમાં…

પિતાને હાર્ટની તકલીફ થતા પંક્ચર સાંધવાનું કામ શરૂ કર્યું
‘વર્ષ 1997માં પિતાજીને હાર્ટની તકલીફ થઈ, એટલે બાળપણથી જ દુકાનમાં રહી પંક્ચર બનાવવાનું કામ કરવું પડતું હતું. હું જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે પંક્ચર બનાવતા શીખી ગયો હતો, પછી એવું થયું કે સ્કૂલનું દફતર પણ દુકાનમાં જ રહેતું હતું. સ્કૂલથી આવી સીધા દુકાનમાં જ રહેતા, જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ભણી લેતો હતો. પિતાજી જ્યારે યુપીથી માઇગ્રેટ થઈને મહારાષ્ટ્ર પાલઘર સ્થિત બોઇસર આવ્યા ત્યારે કાયદાની ખબર નહોતી. જેમની પાસેથી દુકાન લીધી એ સરકારી જમીન પર હતી.

એની પર ઘર દુકાન બનાવી 25–30 વરસ ત્યાં રહ્યા, હું 11મા ધોરણમાં હતો, એક દિવસ દબાણ ઝુંબેશ આવી, માતાએ ફોન કરીને કહ્યું દબાણ તોડવાવાળા આવ્યા છે. હું બધા મિત્રો સાથે દોડીને ગયો, ખૂબ વિનંતી કરી, આજુબાજુ વિસ્તારના લોકોએ પણ વિનંતી કરી. અધિકારીએ અમારી પર થોડી માનવતા દાખવી.’

’21 માર્ચે ધો.10ની પરીક્ષા પૂરી થઈ ને 24 માર્ચે પિતાનું અવસાન થયું’
‘તે સમયે મારા પાપા સાઇકલ રિપેરિંગનું કામ કરતા હતા. તે સમયે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. 2006માં મેં ધો.10 પૂરું કર્યું. 21 માર્ચે મારી પરીક્ષા પૂરી થઈ અને 24 માર્ચે મારા પિતાનું અવસાન થઈ ગયું. પિતાજીનું જ્યારે અવસાન થયું ત્યારે દેના બેંકની લોન હતી, લોન માટે અમે એક મિલકત ગીરવે મૂકી હતી, લોન ન ભરાતા બેંકે અમારી મિલકતને સીલ કરવાની તૈયારી કરી કારણ કે લોન દુકાન ચલાવવા લીધી હતી. સ્ટોક પણ ઝીરો હતો. મહિલા બેંક મેનેજરે કે કોઈએ અમારી વાત ન સાંભળી અને પ્રોપર્ટી સીલ કરી અને દુકાન પણ સીલ કરવા આવવાના હતા.’

‘જાતે જ મજૂરી કામ કરી દુકાન બનાવી’
‘જેથી મેં દેના બેંકની હેડ ઓફિસમાં રજૂઆત કરવા જવાનું મન બનાવી ટ્રેનમાં મુંબઈ જવા નીકળી ગયો, ફોર્ટ વિસ્તારમાં ત્યાં હું એકલો હેડ કવાર્ટરમાં હિંગળ સાહેબને મળવા ઓફિસ બહાર બેઠો. પટાવાળાને મળવા જવા કહ્યું પણ તેણે અંદર જવા દીધો નહીં. સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગી ગયા પણ પટાવાળા એ ચિઠ્ઠી અંદર ના આપી. સાંજે એને ચિઠ્ઠી મોકલી અને હું હિંગળે સાહેબને મળી બધી વાત કરી.

દુકાન એકમાત્ર આશરો હોવાનો અને રસ્તા પર આવી જઈશું એવી રજૂઆત કરતા એમણે મેનેજરને ફોન કરીને ખખડાવ્યા અને આખરે દુકાન સીલ થતા બચી ગઈ, પણ દુકાન વેચી લોન ચૂકવી દેવાનું નક્કી થયું. જ્યારે લોન ચૂકવી દીધા પછી 10 હજારની રકમ બચી ત્યારે એ વખતે 10 હજાર બહુ જ વધારે લાગ્યા હતા. એ વખતે અમારી પતરાની કાચી દુકાન પડી ગઈ.

નજીકમાં રહેતા વકીલે મદદ કરી. પોતાનો રૂમ અમને આપ્યો અને ત્યાં સામાન મૂક્યો. નવી દુકાન બાંધવાનું શરૂ કર્યું, બાંધકામ કરતા હતા ત્યારે સ્થાનિક અધિકારીએ આવીને કામ અટકાવી ડિમાન્ડ પણ કરી જે આપવા અમે સક્ષમ નહોતા એટલે સ્થાનિક અગ્રણીને રજૂઆત કરતા થોડી રાહત થઈ, એ ખરાબ દિવસોમાં વધુ કફોડી હાલત તો ત્યારે થઈ કે એક સસ્તો સિમેન્ટ લેવાની લાલચમાં અમે કામ શરૂ કર્યું ત્યારે ખબર પડી કે નકલી સિમેન્ટ નીકળ્યો, જેથી કરકસર કરીને જાતે અમે બે ભાઈઓએ મજૂરી કરીને 1 વર્ષે દુકાન બનાવી દીધી..!’

‘ભણવાનું છોડી દુકાન સંભાળવાની પરિસ્થિતિ આવી ગઈ’
‘પિતાના મૃત્યુ બાદ ઘરમાં પરિસ્થિતિ એવી આવી કે, ભણવાનું છોડી દુકાન સંભાળવાની સાથે ભણવું પણ જરૂરી હતું. પરંતુ ઘર ચાલે અને ઘરમાં પૈસા આવે એ પણ ખૂબ જરૂરી છે. મેં પણ નક્કી કરી લીધું હતું કે, હવે દુકાન પર જ કામ કરવું છે. મારી મમ્મી વધુ ભણેલી ગણેલી નથી અને દુકાનનો તેને વધુ કોઈ અનુભવ નહોતો.

પરંતુ તેમણે મારો અભ્યાસ અટકે નહીં તે માટે જવાબદારી ઉઠાવી. અમે પાંચ ભાઈ-બહેન છીએ. મોટી બહેનનાં તો લગ્ન થઈ ગયાં હતાં. બીજી મોટી બહેને સ્કૂલમાં જઈને ભણાવવાનું શરૂ કર્યું અને બીજાં ભાઈ-બહેન તો નાનાં હતાં. આમ છતાં તેમણે જવાબદારી લીધી અને મને કોઈ તકલીફ ન પડે એ સુનિશ્ચિત કર્યું. મારા પિતાના ગયા બાદ જે 26-27 મહિના મારી જિંદગીના સૌથી મુશ્કેલ અને સંઘર્ષ ભરેલા મહિના હતા.’

ધો.10નું પરિણામ આવ્યું ત્યારે પરિવારના સભ્યો રડી પડ્યા
‘USPC ક્લિયર(2014) કર્યા બાદ એક કાર્યક્રમમાં તેમણે પોતાની સંઘર્ષ ગાથા વિસ્તારપૂર્વક વર્ણવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાપાના ગયા બાદ ઘરના સભ્યો પ્રેશર કરવા લાગ્યા કે ઘરમાં કોઈએ તો ધ્યાન આપવું પડશે એટલે મેં નિર્ણય લઈ લીધો કે ભણવાનું છોડી દઈશું. ધોરણ 10 સુધીનો તો અભ્યાસ કરી લીધો જ છે. અભ્યાસ છોડવાનો નિર્ણય લઈ જ લીધો હતો અને નક્કી કર્યું કે પપ્પાના ધંધાને રિવાઇવ કરીશું.

ત્યાર બાદ ધો.10નું પરિણામ આવ્યું તે સમયે હું સ્કૂલમાં ટોપર હતો. ઘરે આવ્યો તો સૌ રડી રહ્યા હતા (ગળગળા સ્વરે બોલ્યા). હું ઘરે આવ્યો અને તે સમયે જ મમ્મીએ કહી દીધું કે તું અભ્યાસ કર અને અમે બધા કામ કરવાના છીએ. ધોરણ 11 અને 12 મારી જિંદગીનો સૌથી મુશ્કેલ સમય રહ્યો. હું સવારે 6 વાગ્યે ઊઠીને 7 વાગ્યે કોલેજ અને પછી 1 વાગ્યે ત્યાંથી આવીને બપોરના 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્યુશન કરાવતો અને મારી મોટી બહેન પણ ટ્યુશન કરાવતી હતી. રાત્રે 10 વાગ્યે દુકાને જતો અને હિસાબ-કિતાબ કરતો અને ઘરે આવીને અભ્યાસ કરતો. રાતના 12 વાગી જતા હતા. આ સમયે મમ્મી દુકાન ચલાવતી હતી.’

જ્યારે ડોનેશન માટે પિતાના ડોક્ટરે ખિસ્સામાંથી કાઢીને 10 હજાર આપ્યા
‘હું એક પ્રસંગ જણાવવા માગું છું. ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું હતું અને મારે એડમિશન માટે 10,000 રૂ. ડોનેશનની જરૂર હતી. પૈસા તો હતા નહીં, મમ્મી સાથે દુકાને આ વાત કરી રહ્યો હતો અને મેં મમ્મીને કહ્યું કે જવા દો, ભણીને શું કરીશું. મેં દુકાન કરવાનું નક્કી કરી જ લીધું હતું અને હું એક વર્ષ જાળવી જાઉ છું અને આગામી વર્ષે જોઇ લેશું. મમ્મી નિરાશ થઈને બેઠી હતી. આ દરમિયાન મારા પપ્પાની જે ટ્રીટમેન્ટ કરતા એ ડોક્ટર મને જોઇને ત્યાં રોકાયા અને પૂછ્યું શું ચાલે છે? મેં કહ્યું કે હવે હું ભણીશ નહીં, તો તેમણે પોતાના ખિસ્સામાંથી કાઢીને 10,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે જાવ એડમિશન લઈને આવો. સેકન્ડ લિસ્ટ લાગવા આડે અડધો કલાક બાકી હતો ને હું ત્યાં પહોંચ્યો, લિસ્ટ બની ગયું હતું. જેથી મેં ખૂબ રિક્વેસ્ટ કરી અને એડમિશન લીધું. આ રીતે મારું ધો.11-12માં એડમિશન થઈ ગયું.’

‘મેં નક્કી કરી લીધું હતું કે, હું ફી તો ભરવાનો જ નથી’
‘ધો. 11-12માં એડમિશન તો થઈ ગયું પણ મહિને 600 રૂપિયા ફી હતી. મેં નક્કી કરી લીધું હતું કે, હું ફી તો ભરવાનો જ નથી. હું ખૂબ મહેનત કરી અભ્યાસ કરીશ અને પ્રિન્સિપાલને રિક્વેસ્ટ કરીશ કે મારી ફી માફ કરી દો. પહેલા મહિને જ ક્લાસમાં તમામ ટીચર ઇમ્પ્રેસ થઈ ગયા અને સૌને ખબર પડી ગઈ હતી કે મારા ઘરની સ્થિતિ આવી છે. મારા બન્ને વર્ષની ફી તમામ શિક્ષકોએ ભરી છે.

મેં એક રૂપિયો ફી ભરી નથી. મેં આજ સુધી ભણવામાં 1 રૂપિયાનો ખર્ચ નથી કર્યો મારી મમ્મીએ કર્યો છે. જો કે તેમણે પણ ઘણો ઓછો કર્યો છે. ફોર્મ અને બુકના પૈસા કોઈપણ ભરી દેતા હતા. મેં CET(કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ) આપી અને 200માંથી 180 માર્ક્સ આવ્યા. હવે એડમિશન લેવાનું હતું પણ એન્જિનિયરિંગમાં ખૂબ પૈસા જોઇએ. મમ્મીએ બે વર્ષ સુધી પૈસા ભેગા કરી રાખ્યા હતા. બહેન કમાતી હતી અને મારો પણ પગાર હતો. પહેલા વર્ષ માટે 70 હજાર ફી અને રહેવા જમવાનું મળીને 1 લાખ બજેટ હતું એ થઈ ગયું.

એડમિશન લઈ લીધું મેં ફરી નક્કી કર્યું કે, પહેલા વર્ષની ફી ભરી દીધી અને બીજા વર્ષની ફી ભરવી નથી. પહેલા વર્ષમાં સૌ ડરાવવા લાગ્યા કે, ‘એન્જિનિયરિંગમાં બેકલોગ તો લાગે જ છે, બેકલોગ વિના પાસ થઈ ગયો તો તે એન્જિનિયરિંગ કર્યું જ નથી, ટોપર હોય છે એ તો અલગ જ દુનિયાના હોય છે’ એટલે હું થોડો ડરી ગયો. મેં નક્કી કર્યું કે આમને હટાવ મારે જે કરવું એ કરીશ. પહેલા સેમેસ્ટરમાં મારે 86 ટકા આવ્યા, હું યુનિવર્સિટી ટોપર હતો. તમામ શિક્ષકોએ નોટિસ કર્યું કે, અરે 86 ટકા તો MITનો રેકોર્ડ છે, બાદમાં તૂટી ગયો.’

‘એન્જિનિયરિંગની ફી મારા ફ્રેન્ડ્સ અને તેમના પપ્પાએ ભરી’
‘મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં માધવી લતા નામના પ્રોફેસર હતાં. તેઓ મારા રાખી સિસ્ટર છે. તેમણે બોલાવ્યો અને કહ્યું કે, ‘અરે વરુણ શું ચાલે છે?’ તેમણે પ્રોફેસરથી લઈ ડીન અને ડાયરેક્ટર સુધી મારી સ્થિતિ પહોંચાડી દીધી અને એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ. પરંતુ બીજા વર્ષ સુધી પ્રોસેસ થઈ નહોતી એટલે બીજા વર્ષની ફી મારા ફ્રેન્ડ્સ અને તેમના પેરેન્ટ્સે ભરી દીધી (બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે).

મારો એક મિત્ર કદાચ અહીં જ બેઠો છે. હવે ત્રીજું વર્ષ આવ્યું અને મને ફ્રીશિપ મળી ગઈ. આમ મારું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયું. હું યુનિવર્સિટી ટોપર હતો. મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એન્જિનિયરિંગ પછી જોબ પણ લાગી ગઈ. પ્લેસમેન્ટ સારું થઈ ગયું હતું. પરંતુ ત્યાં સુધીમાં મારા પર સિવિલ સર્વિસનું ભૂત ચડી ગયું હતું. મેં નક્કી કર્યું કે કોર્પોરેટમાં નથી જવું પબ્લિક સેક્ટરમાં જવું છે. ગેટ આપી દીધી અને પછી લાગ્યું કે હવે બધું સેટ છે. IIT મળી રહ્યું છે હવે તો ગમે તે કંપનીમાં નોકરી મળી જશે.’

‘તે હશે તીસમાર ખાં, હું પણ તીસમાર ખાં છું’
‘PSUમાં જોબ મળી તો હું અમુક લોકોને મળવા ગયો ત્યારે કોઈએ કહ્યું કે, ‘તું ટેક્નિકલી આટલો સારો છે તો એન્જિનિયરિંગ સર્વિસિસ કેમ દેતો નથી’? તો મેં નક્કી કર્યું કે એન્જિનિયરિંગ સર્વિસની તૈયારી શરૂ કરી. ત્રણ-ચાર મહિના તૈયારીઓ કરી તો કોઈએ મને સજેસ્ટ કર્યું કે તું આટલો બ્રાઇટ છે તો સિવિલ સર્વિસ કરને એ તો મોટી પોઝિશિન છે. પહેલા તો ઇતિહાસ અને ભૂગોળ ઉઠાવ્યા પણ મને લાગ્યું કે, આ તો માથાનો દુખાવો છે. ત્યાર બાદ હું બોલ્યો કે કરીશું.

હું એક વ્યક્તિને મળવા ગયો તો તેમણે કહ્યું કે, ‘UPSCમાં જે પાસ થતા હોય છે ને એ તો તીસમાર ખાં હોય છે’. જ્યારે પણ તમે પોતાને સાવ સામાન્ય માની લો તો અસાધારણ વ્યક્તિ સાથે સ્પર્ધા જ ન કરી શકો. તે હશે તીસમાર ખાં, હું પણ તીસમાર ખાં છું. મમ્મીને મળવા ગયો ત્યારે તેઓ મારાથી નારાજ હતાં. ત્યાં સુધીમાં તો મારી જોઇનિંગ ડેઇટ પણ ચાલી ગઈ હતી. પરંતુ પછી મમ્મીએ પણ ખૂબ સપોર્ટ કર્યો.’

UPSCની પ્રિલિમ્સ આડે ચાર મહિના હતા ને તૈયારી શરૂ કરી
‘જાન્યુઆરી 2013માં તૈયારીઓ શરૂ કરી અને મે મહિનામાં નક્કી કર્યું મારે પ્રિલિમ્સ આપવી છે. 4 મહિનામાં તૈયારી કરવાની હતી. સબ્જેક્ટ સિલેક્ટ કર્યા, ન્યૂઝ પેપર્સ ખૂબ વાંચ્યા. મેં આજ સુધી એશિયન અને મેડિકલ હિસ્ટ્રી વાંચી નથી. મેં સિલેક્ટેડ અને ફોકસ સ્ટડી કર્યું અને પ્રિલિમ્સ આપી. હું એક્ઝામ હોલ બહાર નીકળ્યો ત્યારે ફીલિંગ આવી કે પ્રિલિમ્સ ક્લીયર થઈ રહી છે, હવે ઓપ્શન લેવાના હતા.

લોકોએ કહ્યું કે જીયોગ્રાફી અને પબેડ સારા તો મેં જીયોગ્રાફી વાંચવાનું શરૂ કર્યું તો બે ચેપ્ટર્સ એટલા ઝાઝા થઈ ગયા કે કંઈ સમજાતું નહોતું. પબેડ ઉઠાવ્યું તો થીંકર્સનું લિસ્ટ જોઇ માથું દુખવા લાગ્યું, એન્થ્રો ઉઠાવ્યું તે હટાવ્યું, સાયકોલોજી ઉઠાવ્યો તે હટાવ્યો. આ દરમિયાન પ્રિલિમ્સનું પરિણામ આવી ગયું હતું. પરંતુ ઓપ્શન ફાઇનલ થયા નહોતા.

જેથી હું ચિન્મયભાઈ પાસે ગયો અને કહ્યું અરે ચિન્મય ભૈયા આ શું થઈ ગયું છે મને સમજાતું નથી શું કરવું. તો તેમણે કહ્યું કે તું પોલ સાયન્સ (પોલિટિકલ સાયન્સ) વાંચ જેથી મેં પોલ સાયન્સની શિભરાંજનની બુક ઉઠાવી અને સિમ્પલ લેંગ્વેજમાં લખેલી હતી. તો મને લાગ્યું કે હા જામે છે, ત્યાં સુધીમાં તો મેઇન્સનો ફોર્મ ભરવાનો સમય થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી ઓપ્શનલ નક્કી નહોતા થયા અને અંતે મેં પોલ સાયન્સ ભર્યું અને તેની તૈયારીઓ શરૂ કરી.’

‘મને જ વિશ્વાસ ન આવ્યો કે મારો રેન્ક 32મો આવ્યો છે’
‘ડિસેમ્બરમાં મેઈન્સ હતી. મેઇન્સમાં મારા GS-1, GS-2ના પેપર ખૂબ ખરાબ ગયાં હતાં. હું ડિપ્રેસ હતો. GS-1 પેપર બાદ બે કલાક બ્રેકમાં હું જમ્યો નહોતો. મારા 250માંથી 125 હતા, તે વધારે હતા પણ તે સમયે મેં મિસકેલ્ક્યુલેટ કર્યા હતા. મારા એટેમ્પ્ટ ખૂબ ઓછા છે. મેં મારા જવાબો હંમેશાં ઓરિજિનલ જ રાખ્યા છે. હું મારા જવાબો ખુદ બનાવું છું.

રિઝલ્ટ આવવાનું હતું તે દિવસે ચિન્મયભાઈનો મેસેજ આવ્યો કે, કોંગ્રેચ્યુલેશન્સ. પછી મેં તેમને ફોન કર્યો અને પૂછ્યું કે તમે રેન્ક જોયો તો કહ્યું હા, 32 એટલે મેં સામે પૂછ્યું કે 32 તો સમજી ગયો પણ 132 કે 232? તો તેમણે કહ્યું કે, માત્ર 32 રેન્ક છે. મને વિશ્વાસ ન થયો કારણ કે મને ખબર નહોતી કે UPSC કેવી રીતે આન્સર્સ ઇવેલ્યુટ કરે છે. મને એમ હતું કે એટેમ્પ્ટ કેટલા છે તેના પર આધાર રાખે છે. મને એવું લાગે છે કે જો તમારા આન્સર્સ ઓરિજિનલ હશે તો એટેમ્પ્ટ ઓછા હશે તો પણ સિલેક્ટ થઈ જશે.’

આટલું નક્કી કરી લો તો UPSC પણ ક્લીયર કરી શકો
‘તમારાથી જે ભૂલો થઈ ગઈ છે તે અંગે વધુ વિચારવાથી તે ભૂલો વધુ વિચારવાથી સુધરવાની નથી. તમારે એ વિચારવાનું છે કે જે ભૂલો થઈ છે એનું સાટું કેવી રીતે વાળવું? બેકલોગ્સ કેવી રીતે ક્લીયર કરતો એ જણાવું છું. આપણે ન્યૂઝ પેપર વાંચીએ ત્યારે 10 ટર્મ્સ નવા જોવા મળે છે, મેં નોટબુક બનાવી હતી જેમાં લખતો હતો કે આર્ટિકલ 72 વાંચવો છે, પ્રેસિડન્ટના પાવર વાંચવા છે.

પછી ઇન્ટરનેટ પર 2 કલાક એ ટોપિક્સ સર્ચ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પાંચ ટોપિક્સ જ સર્ચ થાય ક્યારેક આળસ થાય તો બેકલોગ વધતા જાય છે અને એક દિવસ ટેન્શન આવી જાય છે. આવું થતું ત્યારે લાઇન ડ્રો કરતો અને લખતો કે આજથી નવું લિસ્ટ બનાવીશ. ભૂલો થઈ છે તેને કરેક્ટ કરવી જોઇએ. ન્યૂઝ પેપરમાં ઘણી બાબતો રિપીટ થતી હોય છે, તમે એક મહિના પહેલાં જે વાંચ્યું હોય તે જો ઇમ્પોર્ટન્ટ હશે તો કોઈ ને કોઈ તેને ફોલો કરશે એટલે તે ફ્યુચરમાં ઇન્ટરનેટ પર રિફર કરી શકો.

આ રીતે મેં UPSCની મેઇન્સ ક્લિયર કરી, હવે ઇન્ટરવ્યૂનો સમય આવ્યો પણ મને ખબર નહોતી કે શું કરવાનું છે. UPSC ઇન્ટરવ્યૂ બહાર લોકો ડરાવે છે એવા હોતા જ નથી, જેમણે આપ્યા નથી તે વધુ ડરાવે છે. જેણે ઇન્ટરવ્યૂ આપ્યા છે તે કહે છે કે, મસ્ત છે, ચીલ કરો. આજે હું તમારી સામે ઊભો છું.’

’27 મહિનાના એ દિવસો અત્યંત સંઘર્ષના રહ્યા’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વરુણ બરનવાલે કહ્યું કે, 2006 માર્ચથી 2008 જુલાઈ સુધીના 27 મહિનાના એ દિવસો અત્યંત સંઘર્ષના રહ્યા, મારા મધરે 27 મહિના અત્યંત સંઘર્ષ કરીને દેવા મુક્ત કર્યાં હતાં. પિતાજીના ગયા બાદ આવકના સોર્સ બંધ થયા, બહેને ટ્યુશન શરૂ કર્યા, મેં પણ કોલેજની સાથે ટ્યુશન શરૂ કર્યા, રાત્રે દુકાન પર હિસાબ સહિતની કામગીરી, ઉપરાંત શની રવિમાં અઘરા પેપર સેટરનાં કામો કરી શકતો. 2014માં જ્યારે UPSC પાસ કરી ત્યારે આખા પરિવારના ચહેરા પર ખુશીનાં આંસુ હતાં.

‘તે સમયે કરેલો સંઘર્ષ આજે શબ્દોમાં વર્ણવી શકું નહીં’
વરુણ બરનવાલે વધુમાં ઉમેર્યું કે, પરંતુ ઉપરવાળાએ મને ઘણું આપ્યું છે. આજે હું આ પદ પર બેસી શક્યો તે તે સમયે કરેલી તપસ્યા કરી તેનું પરિણામ છે. હવે તે સમયે પસાર થઈ ગયો છે, તે આજે શબ્દોમાં વર્ણવી શકું નહીં. તમે ગમે એટલી મુશ્કેલીમાં હોય ત્યારે હંમેશાં બે પ્રકારની બાબત બને છે

જેમાં તમે અમુક બાબતો પર નિયંત્રણ રાખી શકો છો, પરંતુ ઘણી બાબતો પર નિયંત્રણ રાખી શકતા નથી. જેના પર તમે કંઈ કરી શકતા નથી. જે આપણા નિયંત્રણમાં નથી તેની ચિંતા કરતા રહો તો જે નિયંત્રણમાં હોય તે બાબતો પણ નિયંત્રણ બહાર જતી રહે છે. મારી જિંદગીનો એક સિદ્ધાંત રહ્યો છે કે, જ્યારે પણ મુશ્કેલ સ્થિતિમાં હોવ ત્યારે આપણે શું કરી શકીએ છીએ તેના પર જ ધ્યાન આપવાના મારામાં સંસ્કાર ભરેલા છે અને આજે જે ક્યાંય પહોંચ્યું છું તે આ જ સંસ્કારોનું પરિણામ છે.

પ્રોબ્લેમ હંમેશથી ચાલતો જ આવ્યો છે, તેની સામે પ્રયાસ કરો
આજના યુવાઓને મેસેજ આપતા બનાસકાંઠાના કલેક્ટર કહે છે કે, થોડી તકલીફોમાં જ નાસીપાસ થતા આજકાલના યુવાઓ અંગે કહ્યું કે, પ્રોબ્લેમ હંમેશાંથી ચાલતો જ આવ્યો છે. હું સૌને અપીલ કરવા માગું છું કે, કોઈપણ પ્રોબ્લેમ આવે છે ત્યારે જ્યાં સુધી તેને હરાવવા પ્રયાસ ન કરો, બની શકે કે જીતી ન શકો, બની શકે તમને નિષ્ફળતા મળે.

પરંતુ તમે પ્રયાસો જ ન કરો તો ક્યાંય પહોંચી પણ નહીં શકો. જો ક્યાંય પહોંચવું હોય તો સંઘર્ષ તો કરવો જ પડશે. જો સંઘર્ષથી ભાગશો તો ક્યાંય નહીં જઈ શકો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *