6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શીલા માંથી બનશે ભગવાન શ્રીરામની મૂર્તિ, આ શીલા નેપાળ થી અયોધ્યા લાવવામાં આવી
373 કિલોમીટર અને 7 દિવસની યાત્રા બાદ બે વિશાળ શાલિગ્રામ શિલાઓ અયોધ્યા પહોંચી ગઈ છે. ગુરુવારે સવારે રામસેવક પુરમ ખાતે 51 વૈદિક બ્રાહ્મણોએ શાલિગ્રામ શિલાની પૂજા કરી હતી. તે પછી નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન વિમલેન્દ્ર નિધિ અને જાનકી મંદિરના મહંત તપેશ્વર દાસે ચંપત રાયને શાલિગ્રામની શિલાઓ સોંપી હતી.આ 6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલાઓમાંથી ભગવાન રામ અને સીતાની મૂર્તિ બનાવવામાં આવશે, જેને રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે. સરયુ નદીના પુલ પર 2-3 હજાર લોકોએ શિલાઓ પર ફૂલ વરસાવીને ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું હતું. ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભક્તોના અનેરા ઉત્સાહથી ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો.
વિમલેન્દ્ર નિધિએ જણાવ્યું હતું કે જનકપુરમાં રામ અને જાનકીની જન્મજયંતીની સાથે જ સીતારામ લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહંત તપેશ્વરદાસના આશીર્વાદથી આ કાર્ય થઈ રહ્યું છે. કોર્ટના નિર્ણય બાદ મનમાં વિચાર આવ્યો કે શાલિગ્રામ શિલાની મૂર્તિ રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવે.
આ માટે 40 શિલાઓની ઓળખ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક રીતે ઓળખ કરાયા બાદ ટ્રસ્ટને પત્ર લખી વાત કરવામાં આવી હતી. વિમલેન્દ્ર નિધિએ જણાવ્યું કે તેઓ નૃપેન્દ્ર મિશ્રાને પણ મળ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. મને અને મહંત રામ તપેશ્વર દાસને શિલાને ભારત લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ
મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી પડી હતી કે શિલાઓને રામસેવકપુરમ પહોંચતા એક કલાકનો સમય લાગ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ડો.અનિલ મિશ્રા, મેયર ઋષિકેશ ઉપાધ્યાયે રામસેવકપુરમ ખાતે શિલાઓને મુકાવી હતી. સુરક્ષા માટે બહાર PAC-પોલીસ તહોનાત કરવામાં આવી છે.
ગુરુવારે સવારે શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પછી તેને રામમંદિરના મહંતને સોંપવામાં આવી હતી. રામજન્મભૂમિ સંકુલમાં શિલાઓ રાખવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 100 મહંતોને પૂજામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ અયોધ્યા આવશે. શિલ્પકાર આ બધાનો તુલનાત્મક અભ્યાસ કરશે. ત્યારબાદ ટ્રસ્ટીઓ તેમની સલાહ પર વિચાર કરશે.
Uttar Pradesh | Shaligram stones brought from Nepal reached Ayodhya.
They are expected to be used for the construction of idols of Ram and Janaki. pic.twitter.com/76L3IzNdAF
— ANI (@ANI) February 2, 2023
મૂર્તિ બનાવવા માટે શિલ્પકારોને બોલાવવામાં આવ્યા હતા
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું, ‘ભગવાન શ્રી રામના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિ બનાવવી જોઈએ અને કયા પથ્થરોમાંથી આ મૂર્તિ બનાવવી જોઈએ, તે બાબતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિચારી રહ્યું છે. આ માટે દેશભરમાંથી શિલ્પકારોને બોલાવીને તેમનાં મંતવ્યો જાણવામાં આવશે. ભગવાનની મૂર્તિમાં દર્શાવાતા ભાવ કેવા હોવા જોઈએ, તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ મંગાવવામાં આવી છે, પરંતુ તેના આવવાનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. તમામ શિલાઓ એકત્રિત કર્યા પછી નિષ્ણાતોની સલાહ બાદ જ ગર્ભગૃહની મૂર્તિ કયા પથ્થરમાંથી બનાવવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે.
મૂર્તિઓ બનાવીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે
માહિતી અનુસાર, તમામ શિલાઓની તપાસ કર્યા પછી, તેમાંથી એકનો ઉપયોગ ગર્ભગૃહની ઉપર પહેલા માળે બનાવવામાં આવનાર દરબારમાં શ્રી રામની મૂર્તિના નિર્માણ માટે કરવામાં આવશે. સાથે જ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ આ શિલાઓમાંથી બનાવવામાં આવશે. ગર્ભગૃહમાં હાલમાં શ્રી રામ સહિત ચારેય ભાઈ બાળ સ્વરૂપમાં બિરાજમાન છે.
આ મૂર્તિઓ નાની હોવાને કારણે ભક્તો તેમના ઈષ્ટદેવનાં દર્શન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિઓનું એક મોટું સ્વરૂપ બનાવવામાં આવશે. જો કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
બંને શિલાઓ 600 વર્ષ જૂની છે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ એક વર્ષથી આ શિલાઓને લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેપાળના જનકપુરની કાલી નદીમાંથી આ શિલાઓને બહાર કાઢવામાં આવી હતી. 26મી જાન્યુઆરીએ વિધિ-વિધાન બાદ શિલાને અયોધ્યા મોકલવામાં આવી હતી. આ દરમિયાન તે બિહારના રસ્તે થઈને યુપીના કુશીનગર અને ગોરખપુર થઈને બુધવારે રાત્રે અયોધ્યા પહોંચી છે. એક શિલાનું વજન 26 ટન છે જ્યારે બીજી શિલાનું વજન 14 ટન છે. માનવામાં આવે છે કે આ શિલાઓ 600 વર્ષ જૂની છે.
વિક્રમાદિત્ય મહોત્સવ સમિતિના પ્રમુખે કહ્યું- રામભક્તો ખુશ થશે
શાલિગ્રામ શિલા અયોધ્યા પહોંચતા સાધુ-સંતો, મહંતો અને ભક્તો ખુશ છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, શાલિગ્રામની શિલાઓની તમામ મંદિરોમાં પૂજા થાય છે. જો શાલિગ્રામની શિલાઓમાંથી મૂર્તિ બનાવવામાં આવે તો તે સારી વાત છે.
જ્યારે, શ્રીરામવલ્લભાકુંજના પ્રમુખ અને વિક્રમાદિત્ય મહોત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી રાજકુમાર દાસે કહ્યું કે, રામલલાના મંદિરમાં શાલિગ્રામની મૂર્તિની સ્થાપના કરવાથી અયોધ્યાના સંતો અને દેશભરના રામભક્તોમાં ખુશી થશે.
2023માં બનીને તૈયાર થઈ જશે રામમંદિર
મંદિર પ્રશાસનનું માનીએ તો ભગવાન રામના મંદિરનું ઝડપી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એવામાં કાર્યશાળામાં રામમંદિર નિર્માણકાર્ય માટે પથ્થરોની કોતરણી કામ કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ઓગસ્ટ 2023 સુધી ભગવાન શ્રી રામના મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ જશે.
એવામાં કાર્યશાળાની અંદર પથ્થરોની કોતરણી માટે મોટી સંખ્યામાં કારીગરો કામ કરી રહ્યા છે. જે બંસી પહેડપુરથી આવેલા પથ્થરો જે પિન્ક સેન્ડ સ્ટોન તરીકે પણ ઓળખાય છે. તેમને શોધવામાં આવી રહ્યો છે. આ પથ્થરો 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. ટ્રસ્ટે પણ એક દાવો કર્યો છે કે રામલલાનું મંદિર 1000 વર્ષ સુધી પ્રતિકૂળ વાતાવરણમાં પણ સુરક્ષિત રહેશે.
મકરસંક્રાંતિ 2024ના રોજ સૂર્યનું ઉત્તરાયણ થતાંની સાથે જ શ્રી રામલલા તેમના મૂળ ગર્ભગૃહમાં બેસીને ભક્તોને દર્શન આપશે. રામલલાના ગર્ભગૃહમાં પહેલેથી જ એક પ્રતિમા 1949થી સ્થાપિત છે. જ્યારે, નેપાળના શાલિગ્રામ શિલામાંથી બીજી મૂર્તિ તરીકે નવી મૂર્તિનું નિર્માણ લગભગ નિશ્ચિત થઈ ગયું છે.