પિતાએ દિવસ રાત ચા વેચીને દીકરાને આગળ વધાર્યો તો દીકરાએ કિક બોક્સિંગની રમતમાં ગોલ્ડ મેડલ જીતીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.
આપણે ઘણા યુવક અને યુવતીઓને જોતા હોઈએ છીએ જે તેમનું જીવન ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જીવતા હોય છે, આજે આપણે એક તેવા જ યુવક વિષે વાત કરીશું, આ યુવકના પિતા છેલ્લા ઘણા વર્ષોથી રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની સામે દિવસ રાત ચાની લારી ચલાવીને પરિવારના ગુજરાનની સાથે સાથે દીકરાને ભણાવતા હતા.
તો દીકરાએ પણ પિતાની મહેનતને સાચી સાર્થક કરવા માટે ચેન્નાઈમાં યોજાયેલી કિકબોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને આખા પરિવારનું નામ ગુજરાતમાં ગર્વથી રોશન કર્યું હતું, આ જીત મેળવીને દીકરો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશમાં પણ પરિવારનું નામ રોશન કરવા ઈચ્છતો હતો, આ દીકરો વડોદરાના સામાન્ય પરિવારમાં રહેતો હતો.
આ દીકરાનું નામ ઓમકાર ભાલઘરે હતું, ઓમકાર ભાલઘરેએ માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં તમિલનાડુના ચેન્નૈઇમાં ૧૮ ઓગષ્ટથી ૨૨ ઓગષ્ટના સમય દરમિયાન યોજવામાં આવેલી વાકો ઈન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈને સિનિયર્સ અને માસ્ટર્સ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીતીને પિતાની મહેનતને સાચી સાર્થક કરી હતી.
આ રમતમાં ગુજરાતના કિક બોક્સિંગ એસોસિએશનના અગિયાર ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ઓમકારે હરિયાણાના ખેલાડીને હરાવીને લાઇટ કોન્ટેક્ટ માઈનસ ૬૩ કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓમકાર ભાલઘરેએ જણાવતા કહ્યું હતું કે આ મારો પહેલો રાષ્ટ્રીય ચંદ્રક છે એટલે હું હજુ પણ જીવનમાં આગળ વધીને મોટી સફળતા મેળવું તે માટે પ્રયાસ કરીશ.
ઓમકાર ભાલઘરેના પિતાએ જણાવતા કહ્યું હતું કે અમારા પરિવાર માટે આ ગર્વની વાત છે કે મારો દીકરો ગોલ્ડ મેડલ જીત્યો, રમતગમતની શરૂઆતથી જ પિતા તેમના બંને દીકરાઓને ટેકો આપતા હતા અને આજે મોટા દીકરા ઓમકારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આખા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.