વાત્રક નદીના કિનારે આવેલું છે ગણપતિનું સૌથી મોટું મંદિર, ગણપતિ સાક્ષાત અહિયાં છે બિરાજમાન…
તમને ખબર છે કે ભગવાન ગણેશનું સૌથી મોટું મંદિર ક્યાં આવેલું છે, અને તેની કુલ ઊંચાઈ કેટલી છે? ચાલો આજે અમે તમને જણાવીએ. બાપ્પાનું સૌથી મોટું મંદિર ગુજરાતમાં જ આવેલુ છે.
ગણપતિનું આ મંદિર અમદાવાદથી લગભગ 25 કિમી દૂર મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીના કિનારે આવેલું છે. આ મંદિરનું નામ પણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પરથી રાખવામાં આવ્યું છે. એટલે આ મંદિરને સિદ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે.
આ નામ રાખવાનું એક મોટું કારણ એવું છે કે આ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી લાવવામાં આવેલ જ્યોત સ્થાપિત કરવામાં આવી છે. આથી જ અગાઉ કીધું એમ આ મંદિર ને સિદ્ધિ વિનાયક મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ગણપતિજીના આકારનું આ વિશાળ અને ભવ્ય મંદિર દેશનું સૌથી મોટું ગણેશ મંદિર કહેવાય છે. મંદિરની ઊંચાઈ લગભગ 71 ફૂટ છે. મંદિરના છેક ચોથા માળે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં સ્થાપિત ગણેશની મૂર્તિ જેવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
આ ઉપરાંત વિશ્વના દસ દેશોમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિઓની પ્રતિકૃતિઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. જમીનથી 56 ફૂટની ઊંચાઈ પર ગણેશજીની પ્રતિમા રાખવામા આવી છે.
મંદિરમાં ભજન કીર્તન કરવા માટે બીજા માળે એક ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ મંદિર જમીનથી 20 ફૂટની ઊંચાઈ પર બનેલું છે. ગણેશ ચતુર્થીના દિવસે તેમજ દર મંગળવાર અને સંકટ ચોથ ભરવા માટે દૂર-દૂરથી ભક્તો મંદિરમાં દર્શન અને પૂજા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીથી બનેલી ખાસ ડિઝાઇન અને ખાસ રિવેટ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં મંદિરનું નિર્માણ લગભગ છ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિના રૂપમાં કરવામાં આવ્યું છે. આ સાથે આ ભવ્ય મંદિરમાં અદ્ભુત હસ્તકલા અને વાસ્તુકલા પ્રદર્શિત કરવામાં આવી છે.