અહીં પૌરાણિક અઘોરેશ્વર મહાદેવ છે બિરાજમાન, મંદિરનો ઇતિહાસ છે રોચક.

અહીં પૌરાણિક અઘોરેશ્વર મહાદેવ છે બિરાજમાન, મંદિરનો ઇતિહાસ છે રોચક.

ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાના લુણા ગામ પાદર ઉપરથી વહેતી પૂર્વવાહીની લોકમાતા કીમાવતી નદીના કાંઠે આવેલુ સ્વયંભૂ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર સમગ્ર વાલીયા તાલુકા અને ભરૂચ જિલ્લાનું પરમ શ્રધ્ધા અને ભકિતનું સ્થાનક છે. આ અત્યંત રમણીય અને પાવન ધામમાં શ્રી અઘોરેશ્વર મહાદેવનાં ચમત્કારિક લિંગ સાથે અહીંયા ગણેશજી, દત્તાત્રેય ભગવાન અને બળીયાદેવ બાપજીની મૂર્તિઓ બિરાજમાન છે.

મંદિરની સામે યજ્ઞશાળા અને પાછળનાં ભાગમાં ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પવિત્ર મંદિરમાં બિરાજમાન પ્રાતઃસ્મરણીય અઘોરેશ્વરદાદાનાં દર્શન માટે શ્રાવણ માસમાં તથા દર સોમવારે અગિયારસ અને મહાશિવરાત્રી, અન્ય ધાર્મિક તહેવારોના દિવસે માનવ મહેરામણ ઉમટે છે.પૂ. દાદાનાં દર્શન કરી દર્શનાર્થીઓ જીવનની ધન્યતા અનુભવે છે.

અઘોરેશ્વર દાદાના દર્શન કરી એમની સમક્ષ સેવેલી મનોકામના-માનતાઓ જો સાચા દિલથી કરવામાં આવે તો તે પૂ.દાદા પૂર્ણ કરે જ છે અને તેમાં પણ ખાસ કરીને પુત્રપ્રાપ્તિ તથા અન્ય મનોકામના પૂર્ણ થાય છે. દર્શનાર્થીને સુખ શાંતી અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.પરમ દિવ્યતાનો અનુભવ કરે છે જેના અનેક દાખલાઓ મોજુદ છે. મંદિરની બાજુમાં આવેલા બાલ કિડાંગણ મંદિરની શોભામાં વધારો કરે છે. જેમાં ભૂલકાઓને રમતા નિહાળવાએ જીવનનો લહાવો છે. 1952થી શરૂ થયેલી પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે સમગ્ર વિસ્તારનાં બ્રહ્મસમાજ દ્વારા લઘુરુદ્ર કરવામાં આવે છે. લોકમેળાનું આયોજન થાય છે. દર સોમવારે સાંજે શિવમહિમા સ્ત્રોત્રનો પાઠ થાય છે.

દરરોજ સવાર સાંજ પૂજા-આરતી થાય છે. તેમજ અનેક ધાર્મિક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ગામે ગામથી ભાવિક ભકતજનો મહાદેવનાં દર્શન કરવા પોતાની માનતા પૂરી કરવા તથા શ્રધ્ધા પૂર્વક પૂજન માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. કેટલાક વર્ષો પહેલા અઘોરેશ્વરની પાવન નિશ્રામાં વિશાળ યજ્ઞનું આયોજન થયું હતું જેમાં અનેક સંત મહંતોએ ભાગ લીધો હતો.

આ મંદિરના વિકાસ માટે, દર્શનાર્થે આવતા ભાવિક ભકતો માટે સગવડો ઉભી કરવા માટે ધર્મશાળાનું નિર્માણ કરવા, પીવાના પાણીની વ્યવસ્થા માટે મંદિરના રંગ રોગાન માટે બગીચાની સાર સંભાળ માટે ધાર્મિક ઉત્સવોના આયોજન માટે અને આ મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે શ્રી અઘોરેશ્વર ટ્રસ્ટનાં સભ્યઓ તથા દેશ પરદેશ વસેલા ગામના તથા આજુબાજુનાં ગામનાં શ્રધ્ધાળું ભાઈઓ દ્વારા અનેક વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે. જે દ્વારા મંદિરનો વિકાસ દિન પ્રતિદિન ખૂબ જ સરસ રીતે થઇ રહ્યો છે.

આ પૌરાણિક સ્થળ સાથે એની ઉત્પત્તિ અંગેની દંતકથા મુજબ મોતિયા ડુંગરમાંથી પ્રગટેલી કીમલી નદીનાં સાત ભાઈઓ જે કિમ નદીના જુદા જુદા સ્થળે બેઠા તે પૈકીના ગોરેશ ભાઈ જે તુણા ગામે બેસી ગયો. આજે અઘોરેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. એવી દંતકથા પ્રચલિત છે. અઘોર વનનાં વિસ્તારમાં માનવ વસાહતનું આગમન થયું અને ગામડાઓ અસ્તિત્વમાં આવ્યા. તે પહેલાથી ભગવાન અઘોરેશ્વર મહાદેવ તુણા પાસે પૂર્વવાહિની કિમાવતીનાં કિનારે સ્વયંભુ સ્થાપિત થયા છે. શ્રદ્ધા અને વિશ્વાસથી મહાદેવની પૂજા કરનારાનાં તમામ મનોરથો આજે પણ અચૂક પૂરા થાય છે. અહી લોકો સુરત, વડોદરા, વલસાડ સહિત એમરિકાથી માન્યતાઓ લઈને આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *