કેદારનાથ સુધીની સાયકલ યાત્રા પર નીકળ્યો સુરતનો રોહિત, બોર્ડની પરીક્ષા બાદ સંકલ્પ લીધો હતો
સુરત શહેરના ધોરણ 12નો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક અનોખા સંકલ્પ સાથે સુરતથી કેદારનાથ જવા નીકળી પડ્યો છે. અંદાજે 1500 કિલોમીટર દૂર સુરતનો વિદ્યાર્થી યુવક સાયકલ પર કેદારનાથ યાત્રાએ નીકળ્યો છે. યુવકે નાની ઉંમરમાં આ અનોખું સાહસ ખેડ્યું છે. જેમાંથી રોજના 100 કિલોમીટર જેટલું અંતર કાપીને 15 થી 16 દિવસમાં કેદારનાથ ખાતે પહોંચવાનો લક્ષ્યાંક સીવ્યો છે, ત્યારે 5 દિવસમાં સાયકલ પર યાત્રા કાપી તે રાજસ્થાન ખાતે પહોંચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને છેલ્લા ઘણાં સમયથી સુરતના ભેસ્તાન ખાતે આવેલ શાંતિવન રેસીડન્સીમાં રહેતો 17 વર્ષીય રોહિત અજીબ સંકલ્પ સાથે બાબા કેદારનાથના દર્શન માટે સાયકલ પર નીકળી પડ્યો છે. સુરતથી રોહિત ગત સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ સાયકલ લઈને યાત્રા શરૂ કરી હતી, ત્યારે 5 દિવસની યાત્રાના સફરમાં તે રાજસ્થાન પહોંચી ગયો છે.
સુરતથી ઉતરાખંડ ખાતે આવેલા કેદારનાથ ધામનું અંતર અંદાજે 1500થી 1600 કિલોમીટર જેટલું આવેલું છે, આ અંતર સુરતનો 17 વર્ષીય રોહિત સાયકલ પર કાપી રહ્યો છે. રોજના 100થી સવા સો કિલોમીટર જેટલું અંતર કાપીને રોહિત 15થી 16 દિવસમાં કેદારનાથ ધામ પહોંચવાનો લક્ષ્યાંક સેવી રહ્યો છે.
17 વર્ષના રોહિતે તાજેતરમાં જ પૂર્ણ થયેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી છે. સુરતમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેને સાયકલ પર કેદારનાથ જવાનો સંકલ્પ પૂર્ણ કરવા વિચાર્યું હતું. નાની ઉંમરમાં રોહિતે કોઈપણ વ્યક્તિના સહારા વગર એકલા હાથે સાયકલ પર સુરતથી કેદારનાથ સુધી જવાનું મોટું સાહસ ખેડ્યું છે.
સુરતથી કેદારનાથ સુધી સાયકલ પર જવાના સાહસ અંગે રોહિતે જણાવ્યું કે, તેની છેલ્લા ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે, એક વખત સાયકલ પર કેદારનાથ યાત્રા કરવી છે. જો કે તેનો અમલ શક્ય થતો ન હતો. ધોરણ 12ની એકઝામ પૂર્ણ થઈ ગઈ અને હવે નક્કી કર્યું કે, મારે આ યાત્રા કરી જ લેવી છે. જેને લઇ હું 10 એપ્રિલને સોમવારના રોજ સુરત થી સાયકલ પર જય ભોલેના નામ સાથે સવારે 11 વાગ્યે કેદારનાથ જવા નીકળી પડ્યો હતો.
હું 5 દિવસ સાયકલ પર અંતર કાપીને આજે રાજસ્થાન ખાતે પહોંચી ગયો છું. રાજસ્થાનની હલ્દીઘાટીઓ પરથી હાલ હું પસાર થઈ રહ્યો છું. સાયકલ પર સુરત થી કેદારનાથની યાત્રા કરવા માટે મેં છેલ્લા એક થી દોઢ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રોજ 50 થી 60 કિલોમીટર સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરતો હતો. હું આ અગાઉ સુરતથી મુંબઈ પણ સાયકલ પર ગયો હતો. હું રોજનું 100 કિલોમીટર જેટલું અંતર સાયકલ પર કાપી રહ્યો છું, જેને લઇ 15 થી 16 દિવસમાં કેદારનાથ મંદિર સુધી પહોંચી જઈશ. કેદારનાથ ધામ પહોંચ્યા બાદ બાબાના મંદિરના દર્શનના પ્રથમ કપાત ફુલતાના જ દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.