Surat : અડાજણનું વૃદ્ધ દંપતી 90 વર્ષની કામવાળીની ‘અંતિમ સેવા’ કરી રહ્યું છે, પોલીસનો સંપર્ક કરીને અંતિમવિધિની કાયદાકીય તૈયારી પણ કરી
અડાજણમાં ચોકસીવાડી પાસે રહેતાં નિવૃત શિક્ષિકાએ રવિવારે પતિ સાથે રાંદેર પોલીસ સ્ટેશને આવી કહ્યું કે ‘સાહેબ મારા ઘરે એક કામવાળી જેની ઉમર 90 વર્ષની છે અને તે પથારીવશ છે.’ આથી પોલીસને થયું કે આ દંપતી તેનાથી પીછો છોડાવવા માંગતા હશે અથવા પોલીસ પાસે કોઈ મદદની આશાએ આવ્યું હશે. જો કે આવું કશું ન હતું. વૃદ્ધ દંપતી માત્ર પોલીસ પાસે એટલી આશા લઈને આવ્યું હતું કે ‘ વૃદ્ધ કામવાળી ઘરમાં પથારીવશ છે. ઉપરથી ડોક્ટરે કહ્યું કે જેટલી સેવા થાય એટલી કરો કેમ કે તેમની સ્થિતિ નાજુક છે.’
આથી વૃદ્ધ દંપતીને થયું કે ન કરે નારાયણ ને કદાચ તેનું અવસાન થાય અને અંતિમવિધિ કરવાની આવશે ત્યારે આધાર પુરાવા ક્યાંથી લાવીશું. આથી તેમણે પહેલાં જહાંગીરપુરા સ્મશાનભૂમિ પર તપાસ કરાવી જ્યાંથી જાણવા મળ્યું કે ‘અમે સરકારી ડોક્યુમેન્ટ વગર અંતિમ સંસ્કાર કરતા નથી.’
સાંઇબાબા શ્રદ્ધાનગર સોસાયટીમાં રહેતી 70 વર્ષીય નિવૃત શિક્ષિકાને ત્યાં વર્ષ 1985માં દીકરીનો જન્મ થતાં દીકરીની દેખરેખ માટે શિક્ષિકાની સેગવા ખાતે રહેતી નણંદ કામવાળી રાજુબેન ગામીતને લઈ આવી હતી. પછી તેમને શિક્ષિકાએ પરિવારની જેમ રાખી હતી. કામવાળી વર્ષ 2001 સુધી શિક્ષિકાના ઘરે કામ કરતી હતી પરંતુ બાદમાં તબિયત બગડી હતી જેથી શિક્ષિકાએ તેને પોતાના ઘરે જ આશરો આપ્યો હતો, ઉપરથી શિક્ષિકાએ બીજી કામવાળી રાખીને રાજુબેન ગામીતની સેવા કરતી હતી.
20 વર્ષથી અમે આશરો આપ્યો હતો, હાલમાં પડી જતાં પથારીવશ
દંપતીએ પોલીસને કહ્યું કે અમારા ઘરે 1983થી કામવાળી છે, જેનું નામ રાજુબેન ગામીત (90) છે. તેમણે અમારા ઘરે 2001 સુધી કામ કર્યું પછી તબિયત સારી ન રહેતાં અમે આશરો આપ્યો. બસ ત્યારથી અમારી સાથે છે. 5 દિવસ પહેલાં તે પડી જતાં પથારીવશ છે. ડોક્ટરે સ્થિતિ નાજુક બતાવી છે.
પોલીસે સ્થાનિક કોર્પોરેટરને પુરાવા કઢાવી આપવા માટે કહ્યું
શિક્ષિકાના 75 વર્ષીય પતિ રમેશ પટેલ ડીજીવીસીએલમાં ઓડિટર તરીકે નોકરી કરતા હતા અને હાલમાં તેઓ પણ રિટાયર છે. આ બાબતે રાંદેર પીઆઈ સોનારા અને PSI પરમારે સ્થાનિક કોર્પોરેટરની મદદ લઈ કામવાળી રાજુબેન ગામીતના પુરાવા માટેનો દાખલો કાઢી આપવા તજવીજ શરૂ કરી છે.
more article : Surat : જીવદયાનું જીવંત ઉદાહરણ, સુરતની પરિણીતાએ બનાવ્યું છે બીમાર અને ઘાયલ પક્ષીઓ માટે ‘સેવાઘર’