૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક સોમનાથ મંદિર ના વર્ષો જુના ફોટોઝ…

૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક સોમનાથ મંદિર ના વર્ષો જુના ફોટોઝ…

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું.

૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો.

૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું.

૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું.

જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું.

૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”.

શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન PM શ્રી નરેન્દ્ર મોદી છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *