સુરતમાં જૈન સમાજની 3 કિમીની મહારેલી:’અસામાજિક તત્ત્વો દ્વારા તીર્થસ્થાન પર આક્રમણ’, હજારો લોકો જોડાયા, ફસાયેલી 108 એમ્બ્યુલન્સને સડસડાટ બહાર કાઢી માનવતા દર્શાવી

સુરતમાં જૈન સમાજની 3 કિમીની મહારેલી:’અસામાજિક તત્ત્વો દ્વારા તીર્થસ્થાન પર આક્રમણ’, હજારો લોકો જોડાયા, ફસાયેલી 108 એમ્બ્યુલન્સને સડસડાટ બહાર કાઢી માનવતા દર્શાવી

સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. એને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. રેલીમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને જૈનોએ રસ્તો કરી આપ્યો હતો.

પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતાં વિરોધ
ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો એને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાંની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં, પરંતુ તીર્થસ્થાન છે અને એને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ એવી લાગણી જૈનોની છે. સુરતમાં આજે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી 108ને જવા માટે રસ્તો કરી દીધો.
રેલીમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને જૈનોએ રસ્તો કરી આપ્યો
તીર્થસ્થાને બચાવવા માટે જૈન સમાજ દ્વારા જે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અડાજણ વિસ્તારમાંથી કેબલ બ્રિજ ઓળંગીને અઠવાલાઇન્સ તરફ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જોકે હજારો લોકો જેઓ રેલીમાં જોડાયા હતા તેમને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી 108ને જવા માટે રસ્તો કરી દીધો હતો. હજારોની મેદની હોવા છતાં પણ 108ને પસાર થવામાં વિલંબ થયો ન હતો. એક સાથે તમામ લોકોએ 108ને પસાર થવા માટે સહકાર આપ્યો હતો.

3 કિમીની વિશાળ રેલી નીકળી.
અસામાજિક તત્ત્વો દ્વારા તીર્થસ્થાન પર આક્રમણ કર્યાનો ભાવ: નરેન્દ્ર જૈન
જૈન સમાજના અગ્રણી નરેન્દ્ર જઈને જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતા હોય એવો ભાવ થઈ રહ્યો છે. શેત્રુંજય શિખર પાલિતાણા જેવા તીર્થસ્થાન પર અસામાજિક તત્ત્વો એક પ્રકારે આક્રમણ કરી રહ્યાં છે. ઝારખંડ સરકાર સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરીને યોગ્ય નિર્ણય કર્યો નથી. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે.

પાર્લે પોઈન્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ.
પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા પવિત્રતા નષ્ટ થશે: સાગરચંદ્ર સાગરસૂરી મહારાજ
જૈન આચાર્ય સાગરચંદ્ર સાગરસૂરી મહારાજે જણાવ્યું કે સમ્મેત શિખર આદીકાળથી અમારું તીર્થસ્થાન રહ્યું છે મોઘલોએ અને અંગ્રેજોએ પણ સ્વીકાર્યું હતું કે આ જૈનોનું તીર્થસ્થાન છે. અમારા તીર્થસ્થાનો ઉપર અસામાજિકતત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યા છે તેને અમે વખોડી રહ્યા છે. ઝારખંડ સરકારે તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા અમે તેનો વિરોધ કરીએ છીએ. પર્યટન સ્થળ તરીકે જાહેર થતાં વ્યસન આ વિસ્તારની અંદર વધી જશે જેનાથી તીર્થસ્થાનની પવિત્રતા નષ્ટ થશે.

કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.
જૈન સમાજની લાગણી દુભાઈ છે
જૈન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, જૈનો માટે સમ્મેત શિખરએ આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ નહીં. તેમજ અમારા પાલીતાણા અને શેત્રુંજય જેવા તીર્થસ્થાનો ઉપર પણ અસામાજિક તત્વો જે પ્રકારે કૃત્યો કરી રહ્યા છે તેનાથી અમારી લાગણી દુભાઈ રહી છે. આ બાબતે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છે. પર્યટન સ્થળને બદલે તીર્થસ્થાન જાહેર કરવા માટે અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. જૈન સમાજના ચાર ફીરકાઓ એ પણ એકસૂરે પર્યટન સ્થળની જાહેરાતનો વિરોધ કર્યો છે.

હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા.
શિખરજીને તીર્થસ્થાન જાહેર કરે અને માંસ-મદીરાનું વેચાણ બંધ કરો
જૈન સમાજના અગ્રણી મિત્તલ ગોરડિયાએ કહ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા છે. સુરતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યના અને શહેરોના લોકો પણ અમારી સાથે સમર્થનમાં આ રેલીમાં જોડાઈ ગયા છે. અમારી માગણી છે કે સરકારે તાત્કાલિક અસરથી આ બંનેને તીર્થસ્થાન જાહેર કરે અને પાલિતાણા સહિતનાં તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરવામાં આવે.

તીર્થસ્થળ ઉપર અસામાજિકતત્વોની પ્રવૃતિઓના ડામવામાં આવે એવી માગ.
ઝારખંડ સરકારે નિર્ણય રદ કરે: રેલીના આયોજક
જૈન સમાજ દ્વારા યોજાયેલી રેલીના સંયોજક હિતેશ જૈને જણાવ્યું કે ઝારખંડ સરકારે અમારા તીર્થસ્થાનને પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે તે યોગ્ય બાબત નથી જેનાથી અમારા જૈન ધર્મની લાગણી દુભાઈ છે. અમારા સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે નહીં પરંતુ તીર્થસ્થળ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. શેત્રુંજય પર્વત ખાતેના પાલીતાણા તીર્થસ્થળ ઉપર પણ અસામાજિકતત્વો તોડફોડ કરી રહ્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેને પણ તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર દ્વારા ડામવામાં આવે તેવી માગણી કરી છે.

જૈનોના પ્રતીક સમાન લાંબો ઝંડો પણ રેલીમાં ફરકાવાયો હતો.
શાશ્વત તીર્થસ્થળને અશાશ્વત કરનારાઓને સાખી લેવાશે નહીં: નરેન્દ્ર કોઠારી
જૈન અગ્રણી નરેન્દ્ર કોઠારીએ જણાવ્યું કે સમ્મેત શિખરજી અને શત્રુંજય શિખરજી અમારા શાશ્વત તીર્થસ્થાન છે આ તીર્થસ્થાને છીનવી લેવાનો જો કોઈ પ્રયાસ કરશે તો અમે હાથથી નહીં તો હથિયારથી પણ જવાબ આપીશું. અમે કોઈપણ પરિસ્થિતિમાં અમારા તીર્થસ્થળને પર્યટન સ્થળ તરીકે સ્વીકારવાના નથી અને એવું કરનારાઓને સાખી પણ લઈશું નહીં.

સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી.
જૈનોના 4 ફિરકાએ વિરોધ નોંધાવ્યો
શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરુભગવંતોની નિશ્રામાં આયોજુત જૈન સમાજ મૌન રેલી સંદર્ભે પાંચ આચાર્ય ભગવંતો – મુનિ ભગવંતો – સાધ્વીજી ભગવંતો, શ્રાવક – શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમસ્ત સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં હાજર રહ્યા હતા. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી. તમામ જૈન ધર્મના ફિરકાઓ એક થઈને ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકારની સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે. હજારોની સંખ્યામાં જૈનો દ્વારા આજે રેલી સ્વરૂપે પોતાની લાગણી સરકાર સમક્ષ મૂકી હતી.

પુરુષો સફેદ અને સ્ત્રીઓ કેસરી વસ્ત્રોમાં જોડાયાં હતાં.
પુરુષો સફેદ અને સ્ત્રીઓ કેસરી વસ્ત્રોમાં જોડાયાં હતાં.
નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ લોકો રેલીમાં જોડાયા
જૈન આગેવાનોએ જણાવ્યું હતું કે ઇકો ટૂરિઝમ બને તો એ સ્થળની પવિત્રતા નષ્ટ થઈ જાય, લોકો બૂટ-ચંપલ પહેરીને પ્રવેશ કરે. અન્ય ખાણી-પીણીની ચીજવસ્તુઓ અંદર સુધી પહોંચે તેમજ બિનજરૂરી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી જાય, ધાર્મિક સ્થળનું મહત્ત્વ ઘટી જાય. સમસ્ત જૈન પરિવાર શકલ જૈન સમાજના નેજા હેઠળ સુરતમાં રહેતા ચારે ફિરકા જૈન પરિવારો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા જ લોકો રેલીમાં જોડાયા છે, જેમાં પુરુષો શ્વેત વસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં એકસરખાં જોવા મળ્યાં છે.

3 કિમીની રેલી કરી જૈનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં પણ મહારેલી યોજાઈ હતી
રાજ્યના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ગત રોજ રાજકોટ અને વડોદરામાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની મહારેલીનું યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ રેલી દરમિયાન એક માસના બાળક સાથે દંપતી જોડાયું હતું, જ્યારે એક જૈન અગ્રણીએ રસ્તા પર આળોટીને શેત્રુંજય મહાતીર્થને બચાવવાનો પોકાર કર્યો હતો અને મણિયાર દેરાસરથી લઇને કલેકટર કચેરી સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો.

વડોદરામાં પણ આક્રોશ જોવા મળ્યો હતો
આ જ પ્રકારે જૈનોના અતિપવિત્ર ગણાતા શેત્રુંજય તીર્થ અને સમ્મેત શિખર પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અને તીર્થની પવિત્રતાને ખંડિત કરવા તથા તોડફોડ કરવામાં આવી રહી છે. એના વિરોધ માટે વડોદરા જૈન સમાજના શ્વેતામ્બર દિગંબર સ્થાનકવાસી તથા તેરાપંથી બધાએ ભેગા થઈને વિરાટ રેલી યોજી હતી. માંડવી રોડ શેત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ જિનાલયથી નીકળી અમદાવાદી પોળ ટાવર થઈ કલેકટર કચેરીએ પહોંચી હતી.

વડોદરામાં વિરાટ રેલી યોજાઈ હતી.
ગત રવિવારે અમદાવાદમાં જૈન સમાજની મહારેલી યોજાઈ હતી
અમદાવાદમાં રવિવારે શેત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા હતા. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્સથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી, જેમાં પોલીસના ચોપડે નોંધાયા મુજબ, 20 હજાર લોકો રેલીમાં જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે એને કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈનાચાર્ય બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. મંચ પરથી જૈનાચાર્યએ પોતાની માગ રાખી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *