કિંજલ દવેની સગાઈ તૂટવાની વાત પર શૈલેષ સગપરિયાએ પોસ્ટ કરી ખખડાવ્યા લોકોને, તમે પણ જુઓ શું કહ્યું એમણે…
એમાં ક્યાં દુનિયા ઊંધી ચતી થઈ ગઈ? શૈલેષ સગપરીયાએ કિંજલ દવેની સગાઈ તૂટવા પર પોસ્ટ કરીને કહ્યું કે….
ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ગુજરાતભરમાં ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીતથી ફેમસ થનાર અને માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે કિંજલ દવેની પવન જોષી સાથે અને તેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોષીની બહેન જાગૃતિ જોષી સાથે કરી હતી. એટલે કે સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. પણ અચાનક પવન જોશીની બહેન જાગૃતિ જોષીએ અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બાબતે ગુજરાતનાં ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે કહ્યું કે… ‘કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટતાં જાણે કે આભ તૂટી પડ્યું હોય એમ સોશ્યલ મીડિયા પર બધા મંડી પડ્યા છે. પોતાના જીવન બાબતે નિર્ણય લેવાનો દરેકનો અધિકાર છે અને એ જ રીતે એમણે નિર્ણય કર્યો હશે’.
એમાં ક્યાં દુનિયા ઊંધી ચતી થઈ ગઈ? ડિજિટલ સમાચાર વાળાને કોઈના અંગત જીવનની આ વાત એટલી મહત્વની લાગે છે કે “કિંજલ દવેની સગાઈ તૂટતા લોકોને લાગ્યો મોટો આંચકો” આવું ટાઇટલ આપીને લોકો માટે જાણે કે આ પ્રાણઘાતક સમાચાર હોય એવું ફીલ કરાવે છે.
અરે ભાઈ, આંચકો તો ત્યારે લાગે છે જ્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડના કારણે હજારો ખેડૂતોની દિવસ-રાતની કાળી મજૂરી ધૂળ ધાણી થઈ જાય છે. આંચકો તો ત્યારે લાગે છે જ્યારે વ્યાજે પૈસા લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો અનેક સપનાઓ સાથે પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી ગયાના સમાચાર મળે છે.
આંચકો તો ત્યારે લાગે છે જ્યારે સાક્ષાત જગદંબા સ્વરૂપ કુમળી કળી જેવી દીકરીઓ કોઈના દુષ્કર્મનો ભોગ બનીને પીંખાઇ જાય છે. આંચકો તો ત્યારે લાગે છે જ્યારે ભારતના ભવિષ્ય સમાન કોઈ વિદ્યાર્થી કે યુવાન આપઘાત કરે છે.
આંચકો તો ત્યારે લાગે છે જ્યારે દારુણ ગરીબીમાં જીવતા કોઈ પરિવારની મદદ કરવા ખજૂરભાઈ પહોંચી જાય છે પણ જેની આ જવાબદારી છે એવા અધિકારી પહોંચી શકતા નથી. કહેવાતા પત્રકારોને માલૂમ થાય કે અમને કોઈની સગાઈ તૂટવાના આંચકા નથી લાગતા, અમને માણસાઈ તૂટવાના આંચકા લાગે છે.