પૈસાના અભાવે 5 કિમી દોડીને સ્કૂલે જતો, આ દીકરાએ ગુજરાતને અપાવ્યા 25 ગોલ્ડ મેડલ
થોડા દિવસોમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે અને ભારતભરના સેંકડો ખેલાડીઓ પોતાનું કૌવત બતાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે અમદાવાદનો એક યુવાન ફાયરબ્રિગેડનો પ્રથમ ફાયરમેન નેશનલ ગેમ્સમાં સિલેક્ટ થયો છે,
જે અમદાવાદ- ગુજરાત અને ફાયર વિભાગ માટે ગૌરવ લેવા જેવું છે. અત્યાર તેમણે ઇન્ટર યુનિવર્સિટી અને ખેલ મહાકુંભમાં કુલ 45 જીત્યા છે, એમાંથી 25 જેટલા ગોલ્ડમેડલ છે. દિવ્ય ભાસ્કરે સિલેક્ટ થનારા ફાયરમેન નવઘણ જોગરાણા સાથે આ અંગે વાત કરી હતી.
ગુજરાતનો લોંગ જમ્પ ચેમ્પિયન
વર્ષ 2015માં હું હૈદરાબાદ ગયો હતો ત્યાં જાણ્યું કે આપણે ઘણા પાછળ છીએ. નેશનલમાં સ્ટાન્ડર્ડ કેવું છે? લોંગ જમ્પ કેટલો થાય છે? વચ્ચે પાછું રમવાનું છૂટી ગયું હતું, કારણ કે ફાયર એટલે ઇમર્જન્સી નોકરી. એટલે પહેલા એની પર ધ્યાન આપવું પડે. પછી ફરી પાછો પર્ફોર્મન્સ પર આવ્યો અને 36મી નેશનલ ગેમ્સની ટીમમાં મારું સિલેક્શન થયું છે.
અત્યારસુધી હું સ્ટેટ લેવલે રમ્યો છું અને કન્ટિન્યુ 10 વરસથી ગોલ્ડમેડલ લાવું છું. સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ પણ છે. ગુજરાતમાં લોંગ જમ્પમાં પહેલો નંબર મારો જ છે. નેશનલ ગેમમાં લોંગ જમ્પમાં ગુજરાતમાંથી હું એક જ છું. લગભગ 20 લોકોમાંથી મારું સિલેક્શન થયું છે.
પરિવાર પશુપાલન કરી ગુજરાન ચલાવે છે
પરિવારમાં હું મારાં પત્ની ગીતા અને માતા પૂનાબેન તથા પિતા પોપટભાઈ છીએ. અમારો મુખ્ય વ્યવસાય ગાયો ચરાવવાનો છે. હું હાલમાં ફાયરમેન તરીકે નિકોલ ફાયર સ્ટેશન ખાતે નોકરી કરું છું. એ પહેલાં ઓઢવ હતો. મૂળ હું ધંધૂકા તાલુકાના રાયકા ગામનો છું. માતાપિતા હાલમાં પણ ગામડે જ રહે છે.
હું બાર પાસ થયેલો છું અને કોલેજ ચાલુ હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, જેને કારણે ભણવાનું છોડીને મેં નોકરી ચાલુ કરી દીધી. આ પહેલાં મેં આર્મી માટે તૈયારી કરી હતી પણ ઘરેથી ના પાડી એટલે હું ના જઇ શક્યો. કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે પણ યુનિવર્સિટીનો ચેમ્પિયન અને બેસ્ટ પ્લેયર રહી ચૂક્યો છું.
પૈસાના અભાવે 5 કિમી દોડીને શાળાએ જતો, બગીચામાં પ્રેક્ટિસ કરું છું
અત્યારે નોકરી છે એટલે ચાલે છે. બાકી બહુ જ ખરાબ આર્થિક સ્થિતિ છે. ઘણા ખરાબ સમયમાંથી હું પસાર થયો છું. મારા ગામથી ધંધૂકા મારી શાળા પાંચ કિમી થાય છે.
મારા ખિસ્સામાં 10 રૂપિયા નહોતા તો હું ત્યાં દોડીને જતો હતો. એને કારણે મારું નામ પ્રચલિત થઈ ગયું, પણ કોઈએ એવું નહોતું પૂછ્યું કે તું રનિંગ શા માટે કરે છે? એ તો એવું જ કહેતા એ નવઘણ દોડીને આવે છે.
આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ભણતાં ભણતાં ગાયો ચરાવી અને લાઇટના થાંભલા પર વાયર ફિટ કર્યા. બે વર્ષ આ ચાલ્યું . પછી સ્થિતિ થોડી સારી થઈ એટલે પાછું ભણવાનું ચાલુ કર્યું. હું બગીચામાં પ્રેક્ટિસ કરું છું.
એના કારણે ટ્રેક અને રફ બંને અલગ થઈ જાય છે. એની માટે ટ્રેકસેવી સ્વરાજ ગોતા અને ગુજરાત યુનિવર્સિટીમાં છે. યુનિવર્સિટીનો ટ્રેક પર ઘણા સમયથી પ્રેક્ટિસ કરવા દેવામાં આવતી નથી.
કાકાએ ફાયરમેન માટે ફૉર્મ ભરાવ્યું અને નોકરી લાગી
ફાયરમેનની ભરતીની પણ ખબર નહોતી, પરંતુ મારા કાકા ટ્યૂશન કરાવતા, તેઓ ફૉર્મ લઈ આવ્યા હતા. અને અમને પરાણે ભરાવ્યા.પછી ઊંચી કૂદ, લાંબી કૂદ અને 800 મીટર રનિંગ હતી જે મેં પાસ કરી. લેખિત પરીક્ષા નહોતી. લેખિતમાં આપણું થોડું ખરાબ છે. 2014 કે 15માં હું સિલેક્ટ થઈ ગયો.
ભગવાને મને જે આપ્યું છે એને સાચી દિશામાં વાપરવા માગું છું
બધાં એવું કહે છે કે 33 કે 35 વર્ષ સુધી તમે સ્પોર્ટ્સ રમી શકો પછી ન રમી શકો. પછી બોડી તમને સપોર્ટ ન કરે, પણ હું કઈ મગજમાં લેતો નથી. હું એવું કહું છું કે જ્યાં સુધી મારા પગમાં જોર છે ત્યાં સુધી દોડીશ.
5 અને 10 કિમીનો એક ઓલિમ્પિક ગોલ્ડ પ્લેયર છે એને પણ ડોક્ટરે ના પડી હતી કે તારાથી રનિંગ નહીં થાય અને અત્યારે બેસ્ટ રેકોર્ડ એના નામ પર છે. બીજી વસ્તુ એ પણ છે કે જે-તે સમયે મારામાં સમજણ ઓછી હતી પણ હવે સમય છે અને હું કંઈક અલગ કરી બતાવું, કારણ કે ભગવાને મને જે આપ્યું છે એને સાચી દિશામાં વાપરવા માગું છું.
45 મેડલ, એમાંથી 25 ગોલ્ડ
ઇન્ટર યુનિવર્સિટી અને ખેલ મહાકુંભના થઈને મારી પાસે અત્યારે 45 જેટલા મેડલ છે. એમાંથી 25 જેટલા ગોલ્ડમેડલ છે, જેમાંથી મોટા ભાગના લોંગ જમ્પ માટેના જ છે. ડ્રેગન બોટ ગેમ રમવા માટે ફાયરબ્રિગેડમાંથી અમને મોકલવામાં આવ્યા હતા.
ત્યાં અમારો નંબર નહોતો આવ્યો પણ, પરંતુ અમારું પર્ફોર્મન્સ સારું હતું, જેને કારણે ચીન માટે અમારું સિલેક્શન થયું હતું અને હું ચીન રમવા માટે પણ ગયો હતો. ઓલ ઈન્ડિયા ફાયરબ્રિગેડની પહેલી ગેમ નાગપુરમાં થઈ હતી જેમાં મેં ગોલ્ડમેડલ જીત્યો હતો. બીજી ગેમ લખનૌ થઈ.
ત્યાં 100 મીટર અને લાંબી કૂદમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા. અત્યારે પણ આ ગેમ રમાવાની છે, જો સમય મળે તો એમાં જઈશ. અત્યારે હું જેમાં રમી રહ્યો છું તેમાં સંઘર્ષ, હિંમત, તાકાત બધી વસ્તુઓ હોવી જોઈએ.
નેશનલ ઓપનમાં એથ્લેટિક્સમાં ત્રીસેક જેટલી ગેમ આવે છે. અંડર 20, અંડર 23માં મેડલ આવે છે, પરંતુ ગુજરાતમાંથી કોઈને મેડલ આવતા નથી. એનું સ્ટાન્ડર્ડ હાઇ લેવલનું હોય છે.
કોઈ ફેસિલિટી વગર આટલે પહોંચ્યો છું, હવે કોચની જરૂર છે
સ્ટાર્ટિંગમાં રમવાનું ચાલ્યું કર્યું ત્યારે એક સપોર્ટ હતો પછી જેમ જેમ આગળ નીકળવા લાગ્યો એમ સપોર્ટ જતો રહ્યો. બીજું એ કે તમારે હાઇ લેવાલનું પર્ફોર્મન્સ આપવું હોય તો હાઇ લેવલનું ડાયેટિંગ કરવું પડે અને કોચ હોવો જોઈએ. મારી પાસે કોચ નથી, ગ્રાઉન્ડ પણ નથી.
જમ્પ કરવા માટે અખાડો નથી છતાં આટલે સુધી પહોંચ્યો છું, પણ આ બધું જોઈએ જ. મારી પાસે મહેનત કરવાની તાકાત છે પણ બોડીમાં જે ઘટે છે એ તેને ના મળે તો બોડી તમને જવાબ આપી દે . શરીરમાં વિવિધ પેઇન થવાનું શરૂ થઈ જાય. કમ્પ્લીટ ડાયટ અને કોચ મળે તો મારો ગોલ અશક્ય નથી.
લાઈફ ચેન્જિંગ અનુભવ
હું શાળામાં હતો ત્યારે ખૂબ તોફાન કરતો. બોર્ડ પર મોસ્ટ વોન્ટેડ અને સારા વિદ્યાર્થીઓનાં નામ લખતા હતા. એમાં યુનિફોર્મ ન પહેરવો, લેશન ન કરવું, રેગ્યુલર ન આવો તો મોસ્ટ વોન્ટેડમાં નામ લખે અને આ બધાં લક્ષણો મારામાં હતાં. એટલે ત્યાં પહેલું નામ મારું આવતું, ‘જોગરાણા નવઘણ પોપટભાઈ.
‘ જ્યારે બીજી તરફ પણ મારું જ નામ રહેતું કે લાંબી કૂદ, ટ્રિપલ જમ્પ અને 100 મીટરમાં મેડલ જીતેલા છે. સ્કૂલમાં એક શિક્ષક હતા. તેમનું લેક્ચર ચાલુ થાય ત્યારે હું ભાગી જતો. તેમ છતાં તેમના વિષયમાં હાઈએસ્ટ માર્ક મારા આવતા.
તેમને મળું એટલી વખત ભાષણ આપે. પણ 11મા ધોરણમાં હતો ત્યારે આખો પિરિયડ મને સમજાવ્યો. એ દિવસે લાગી આવ્યું કે આપણામાં નોલેજ તો ઓછું છે, બીજું કંઈ છે નહીં. તો તેમણે કહ્યું હતું કે તારામાં જે છે એ પકડી લે.
પછી મેં સ્પોર્ટ્સ પકડી લીધું. ત્યાં સુધી કોઈ મેડલ નથી આવ્યા. મેડલ કોલેજમાં મને મળતા થયા. પછી ફોકસ કર્યું કે પોલીસની ભરતીની તૈયારી કરીશ તો 100 માંથી 50 માર્ક લાવવા મારા માટે મુશ્કેલ છે, પરંતુ 25 મિનિટમાં 5 કિમી પૂરું કરવા આવે તો 17 મિનિટમાં કરી બતાવું.
એટલે બીજા પોલીસની તૈયારી કરતા હતા તેમની સાથે દોડવા જતો હતો. તેમની પાસેથી 42 કિમી મેરેથોનનું સાંભળ્યું હતું અને મેરેથોન દોડવા તૈયારી કરી પણ 22 કિમી દોડ્યા બાદ ચક્કર આવતાં હું ખાળિયામાં પડી ગયો અને 1 કલાક બાદ ભાનમાં આવ્યો, પણ પછી પ્રેક્ટિસ કરીને 60 કિમી દોડતો થઈ ગયો.