રાજકોટનું ઘરેણું છે આ મહેલ, તસવીરોમાં જુઓ જાજરમાન મહેલની અંદરનો નજારો
રાજકોટના મહારાજા ઠાકોર માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને તેમના બહેન અંબાલિકા દેવી વચ્ચે રૂપિયા 1500 કરોડની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલાં અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો છે.
આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે. ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો રણજિત વિલાસ પેલેસ રાજકોટનું ઘરેણું છે. તેમનો મહેલ દેશના સૌથી ભવ્ય મહેલોમાં સમાવેશ થાય છે. માંધાતાસિંહ પાસે અનેક એકથી એક ચડિયાતી કાર પણ છે. તો આવો નજર કરી એમના વૈભવી મહેલ અને કારની તસવીરો પર….
જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી હતી: 1608માં જામનગરના જાડેજા વંશના નાનાભાઇ ઠાકોર જામ વિભાજીએ રાજકોટની સ્થાપના કરી, 1720માં મહેરામણજી બીજાને માસૂમખાને હરાવી રાજકોટમાંથી માસૂમાબાદ નામ પાડ્યું અને 12 વર્ષ માસૂમ ખાને રાજ કર્યું. મહેરામણજીને સાત પુત્ર હતા.
તેમણે માસૂમખાનને હેરાન કરી મૂક્યો અને મોટા પુત્ર રણમલજી પહેલાએ માસૂમખાનને મારી નાખી રાજ્ય પાછું મેળવ્યું અને એનું નામ પણ રાજકોટ પુનઃ સ્થાપિત કર્યું.1746માં રણમલજીના પુત્ર લાખાજી (પહેલા) રાજવી બન્યા, પરંતુ એ ધાર્મિકવૃત્તિના હોવાથી પોતાની હયાતીમાં જ તેમણે વહીવટ પુત્ર મહેરામણજી ત્રીજાને સોંપી દીધો.
સરઘાર હતી રાજકોટની રાજધાની: રાજકોટના રાજા તરીકે રણમલજી બીજા ઇસ 1796માં બિરાજ્યા, જેમણે રાજગાદી સરધારથી રાજકોટ સ્થાપી. તેમના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજા બન્યા હતા. એ દરમિયાન રાજકોટમાં બ્રિટિશ શાસનની એજન્સી સ્થપાઇ હતી.
સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલાં 222 રજવાડાં હતાં, 1820માં બ્રિટિશ એજન્સીની સ્થાપના સૌરાષ્ટ્રમાં થઇ પછી રજવાડાંના કદ મુજબ 9થી 15 તોપની સલામીમાં વિભાજિત કર્યાં, જેમાં રાજકોટનો પણ સમાવેશ થતો હતો. રાજકોટ રાજ્યનું ક્ષેત્રફળ 1820માં 730 ચોરસકિમી હતું અને એમાં 64 ગામ હતાં તેમજ રાજકોટ રાજ્યની રાજધાની સરધાર હતી.
રોજગારી માટે રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો: 1877માં દુષ્કાળ પડ્યો ત્યારે લોકોને રોજગારી આપવા માટે રાજકોટમાં રણજિત વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આજે પણ આ પેલેસ રાજપરિવારનું નિવાસસ્થાન છે. પેલેસ 6 એકરમાં ફેલાયેલો છે અને એમાં 100થી વધુ રૂમ અને 3 સ્વિમિંગ પૂલ છે.
અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા: રાજકોટમાં રાંદરડા તળાવનું નિર્માણ, પરા બજારનું બાંધકામ, જુગાર અટકાવવાનો કાયદો, પશુ-પક્ષીના શિકારનો કાયદો વગેરે બાવાજીરાજ બાપુના સમયમાં થયેલાં નોંધપાત્ર કામ છે. 1883થી 85 વચ્ચે રાજકોટમાં હોસ્પિટલ પણ બનાવાઇ હતી.
લાખાજીરાજને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજાયા: બાવાજીરાજ બાપુ પછી 1890થી 1930 સુધી લાખાજીરાજ રાજકોટના રાજવી રહ્યા અને પ્રજાએ તેમને પ્રજાવત્સલ રાજવી તરીકે નવાજ્યા. રાજકુમાર કોલેજમાં ભણ્યા. ઉપરાંત તેઓ દેહરાદૂન જઇને ઇમ્પિરિયલ કેડેટ કોર્પ્સમાં લશ્કરી તાલીમ લઇ આવ્યા હતા. રાજાશાહીમાં પણ લોકશાહીનાં મૂલ્યો જાળવનાર રાજવી તરીકે તેઓ પ્રખ્યાત હતા.
કોલેજની સ્થાપના કરી: લાખાજીરાજ પછી ધર્મેન્દ્રસિંહ રાજકોટના રાજા બન્યા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ લો કોલેજની સ્થાપના તેમના સમયમાં થઇ હતી. લાખાજીરાજ પુસ્તકાલયની શરુઆત તેમના સમયમાં થઇ અને તેમની પ્રતિમા પણ મુકાવી.રાજકોટમાં કાપડ માર્કેટ પણ ધર્મેન્દ્રસિંહજીના સમયમાં સ્થપાયું.
અનેક લક્ઝુરિયર્સ કાર બનાવડાવી: રાજકોટ રોલ્સરોય 1934 અને સિલ્વર ચેરિએટ 1934, બન્ને તેમણે પોતાની આગવી સૂઝથી બનાવડાવી હતી, જેને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.1925માં ગાંધીજીને દરબારગઢ ખાતે જાહેર સમારોહમાં સન્માનપત્ર, સ્મૃતિચિહન આપીને તેમનું સન્માન કર્યું હતું. તેમના સમયમાં જ રાજકોટમાં કોલેજ શરૂ કરવાની પણ તૈયારી શરૂ થઈ હતી.
દુષ્કાળ કેમ્પ શરૂ કર્યા: છપ્પનિયા દુષ્કાળ વખતે તેમણે ઠેર ઠેર કેટલ કેમ્પ શરૂ કરાવ્યા હતા. રાજ્યમાં ગ્રામપંચાયત અને ગ્રામ સ્વરાજ તેમના સમયમાં શરૂ થયા. લંડન અને મુંબઇની બર્ગમેન એન્ડ હોફમેન કંપનીએ રાજકોટમાં ઓઇલ મિલ સ્થાપવાની ઇચ્છા પણ તેમના સમયમાં દર્શાવી હતી. જોકે વૂલન અને કાપડમિલ તેમણે પોતે શરૂ કરાવી હતી. વીજળીઘરની યોજના પણ લાવ્યા હતા.
આઝાદી વખતે સરદારને રાજકોટ સ્ટેટ સોંપાયું: લાખાજીરાજને સંતાન ન હોવાથી તેમના અવસાન પછી તેમના ભાઇ પ્રદ્યુમ્નસિંહજી આવ્યા, જે રાજાશાહી સમયના છેલ્લા રાજા હતા. આઝાદી વખતે તેમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાજ્ય સોંપ્યું હતું. ઠાકોર સાહેબ પ્રદ્મુમ્નસિંહજીએ રાજકોટને પ્રદ્યુમ્ન પાર્ક જેવા સુંદર સ્થળની ભેટ આપી હતી.
મનોહરસિંહજીને લોકોનો અપાર પ્રેમ મળ્યો: રાજકોટ જેમને દાદાના નામે ઓળખે છે એ મનોહરસિંહજી જાડેજા પ્રદ્યુમ્નસિંહજીના જ પુત્ર. તેઓ લોકશાહીની ચૂંટણીપ્રક્રિયાના માધ્યમથી ચૂંટાયા, લોકોની સતત સેવા કરી. બેસ્ટ પાર્લમેન્ટરિયન તરીકે તેઓ ઓળખાયા.
માંધાતાસિંહ 17માં રાજવી તરીકે બિરાજ્યા: મનોહરસિંહજીના અવસાન બાદ તેમના પુત્ર માંધાતાસિંહ, જેઓ 17મા રાજવી બન્યા છે.અને તેમના પુત્ર જયદીપસિંહને યુવરાજ તરીકે નવાજવામાં આવશે. માંધાતાસિંહજી જાડેજા પણ લોકોની વચ્ચે રહીને એ પરંપરા નિભાવી રહ્યા છે.
ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમમાં ડાયરેક્ટર તરીકે તેમણે જવાબદારી નિભાવી, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો હતો.