લ્યો સાંભળો, ઓક્સિજનની અછતના કારણે કોઈ નું મોત થયું નથી, કેન્દ્ર સરકાર
કોરોનાની બીજી લહેરમાં, એપ્રિલ/મે 2021માં મેડિકલ ઓક્સિજનની અછતના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફાંફાં મારતા હતા. ટ્વીટર ઉપર લોકો મદદ માંગી રહ્યા હતા. ચારેબાજુથી મોતના સમાચાર મળતા હતા. સ્મશાનોમાં મૃતદેહોની લાઈન લાગી હતી. હજારો શબ ગંગા નદીમાં તરતા હતા. સોશિયલ મીડિયામાં અને વિદેશી અખબારોમાં લાશોના ફોટાઓ જોવા મળતા હતા. મોતના આંકડા છુપાવવામાં આવતા હતા. લોકો ત્રાહિમામ હતા.
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 24 કલાકમાં 25 મોત થયાં હતા. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 20 કોરોના દર્દીઓના મોત થયા હતા. દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે એક ડોક્ટર સાથે 8 લોકોના મોત થયા હતા. ગોવાની સરકારી મેડિકલ કોલેજમાં ચાર દિવસમાં ઓક્સિજનની અછતના કારણે 74 દર્દીઓના મોત થયા હતા.
કર્ણાટકની ચામરાજનગર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાના કારણે 24 લોકોના મોત થયા હતા ! બીજા રાજ્યોમાં પણ ઓક્સિજનની તંગી સર્જાતા મોત થયા. એપ્રિલ-2021માં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે “ભીખ માંગો,કોઈની પાસેથી ઉધાર લો કે ચોરી કરો પણ ઓક્સિજન આપો, અલ્લાહબાદ હાઈકોર્ટે સરકારી અધિકારીઓને કહ્યું હતું કે ઓક્સિજનની સપ્લાઈ ન કરવી તે અપરાધ છે, સુપ્રિમકોર્ટે પણ ઓક્સિજન વિતરણ અંગે કેન્દ્ર સરકારને તતડાવી હતી.
ઓક્સિજનની અછતના કારણે દેશ-દુનિયામાં હાહાકાર મચી જતાં સરકારે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવી હતી. ઓક્સિજનના પ્લાન્ટ લગાવવાની મોટી મોટી ઘોષણાઓ કરી હતી. વિશ્વના દેશોએ ભારતને ઓક્સિજન ટેન્કર મોકલ્યા હતા.
20 જુલાઈ 2021ના રોજ કેન્દ્ર સરકારે સંસદને અને દેશના લોકોને ચોંકાવી દીધા હેલ્થ મિનિસ્ટરે લેખિત જવાબમાં કહ્યું કે ઓક્સિજનની અછતના કારણે એક પણ મોત થયું નથી કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવી કોઈ માહિતી મળી નથી.
સરકારે કોરોનાની બીજી લહેર વેળાએ મિસમેનેજમેન્ટ કર્યું લોકો સમસમી ગયા; મોતના આંકડા છૂપાવ્યા; ગંગામાં હજારો લાશો તરતી રહી લોકો કંઈ બોલી ન શક્યા હવે કેન્દ્ર સરકાર કહે છે કે ઓક્સિજનના અભાવે કોઈનો જીવ ગયો નથી, શું લોકો હજુ પણ મૌન રહેશે? પત્રકારો શું વાતચીત કરે છે,સુપ્રિમકોર્ટના જજ, ઈલેક્શન કમિશ્નર, વિપક્ષના નેતા શું વાતચીત કરે છે તેની ખબર કેન્દ્ર સરકારને હોય છે પણ ઓક્સિજનના અભાવે કેટલા દર્દીઓના મોત થયા તેની ખબર હોતી નથી વડાપ્રધાન બેખબર હોવાનો ડોળ કરે છે અને દેશના લોકોને મૂરખ સમજે છે.
લી:- રમેશ સવાણી