તારો ચેપ અમારા ફૂલ જેવા સંતાનોને લાગશે, હવે પાછો ઘરે આવતો નહીં, એવું કહી નિષ્ઠુર પુત્રો વૃદ્ધ પિતાને સિવિલના પગથિયે મૂકી ને ઘરે જતા રહ્યા
જે માતા-પિતા સંતાનોની ખુશી માટે પોતાના જીવનની કમાઈ ખર્ચી નાંખે છે. જે માતા-પિતા સંતાનોને તેમના જીવનનું પ્રથમ ડગલું માંડવામાં મદદ કરે છે. પોતાના સંતાનોને કોઈ સંકટનો સામનો નહીં કરવો પડે એ માટે હંમેશા પોતે તે સંકટોની સામે સામી છાતીએ ઊભા રહે છે, તે માતા-પિતાની જીવનની ઢળતી સંધ્યાએ તેમના કપરા દિવસોમાં સંતાનો કેમ ટેકો આપવામાં કાચા પડી જાય છે, અને કેમ તેઓ માતા-પિતાને કોઈ નકામી વસ્તુની જેમ ઘરમાંથી બહાર કાઢી મૂકે છે’, આ શબ્દ હતા અઠવાડિયા અગાઉ સિવિલના પગથિયે બે-બે પુત્રો દ્વારા તરછોડી દેવાયેલા એક વૃદ્ધ પિતાના.
તારો ચેપ અમારા ફૂલ જેવા સંતાનોને લાગશે, હવે પાછો ઘરે આવતો નહી’ એમ કહી મારા પુત્રો મને અહીં મૂકી ગયા છે, આટલું કહેતા 70 વર્ષીય મીઠારામ શ્રાાવણ પાટીલના આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. આજના કળિયુગમાં લોહીના સંબંધોને પણ સ્વાર્થની હવા લાગી ગઈ હોય તેમ મીઠારામની કરમની કઠણાઈ સાંભળતા લાગે છે. સંતાનોના સિતમથી હતપ્રભ મીઠારામ પોતે મહારાષ્ટ્રના ચોપડાનો વતની હોવાનું જણાવે છે અને સંતાનોની સાથે ઉધના, સુભાષ ડેરી પાસે રહેતો હોવાનું કહે છે.
જમણા પગે અચાનક સોજો આવ્યા બાદ મોટું જખમ થયું છે. જેને લીધે સંતાનોએ તેની સાથે ઓરમાયું વર્તન શરૂ કર્યું હતું. એક દિવસ સારવાર માટે સિવિલમાં લઈ જવાનું કહી તેઓ અહીં લઈ આવ્યા હતા. ત્યારબાદ પાછો ઘરે નહીં આવતો કહી એક થાળી અને કપડા સાથે છોડીને જતા રહ્યા છે. વૃદ્ધાસ્થામાં મારી લાઠી બનશે, એવી આશાએ જે સંતાનોને મોટા કરી પગભર કર્યા તે સંતાનો મારી સાથે મારઝૂડ કરતા હતા. આજે તેઓ મને દર-દરની ઠોકર ખાવા છોડી ગયા છે.
મીઠારામમાં વધુમાં કહે છે કે, મારી એક પુત્રી પણ છે, પરંતુ તેણીનો સંપર્ક થતો નથી. ભલે, સગાંઓએ મારો સાથ છોડયો છે, પણ હું હિંમત હાર્યો નથી. સિવિલના બાંકડે રહી પણ મારા પગની નિયમિત સારવાર કરાવી રહ્યો છું. પાછો સાજો થઈશ અને ફરી નવેસરથી જીવન જીવવાનું શરૂ કરીશ.
સંતાનો વૃદ્ધને સાથે રાખવા માંગતા નથી
સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, સિવિલ કેમ્પસમાં એક વૃદ્ધ રઝળી પડયા હોવાની જાણ થતાં અમે તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મીઠારામ નામના આ વૃદ્ધના ટેમ્પો ડ્રાઈવર પુત્ર રવીન્દ્રનો સંપર્ક કર્યો હતો. તેની વાતો પરથી પિતાને તે સાથે રાખવા માંગતો નહીં હોવાનું જણાયું હતું.
શરૂઆતમાં પછી આવીને લઈ જઈશ, કે ઘરના સભ્યોને સિવિલ મોકલી પિતાને લઈ જઈશ એવા વાયદા કરતો રવીન્દ્ર પિતાને વૃદ્ધાશ્રામમાં મોકલી આપવા માટે એક ઝાટકે રાજી થઈ ગયો હતો. જેથી મીઠારામને ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમમાં મોકલાયો હતો. અત્યાર સુધીમાં આવા 850 જેટલા નિરાધાર લોકોને પોતે વૃદ્ધાશ્રામ કે પરિવાર સુધી પહોંચાડયા હોવાનું ધર્મેશ ગામીએ વધુમાં કહ્યું હતું.