રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો પત્ની રેખાએ સંભાળ્યો, આ 6 કંપનીના શેર ખરીદ્યા
દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના હજારો કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ સંભાળી લીધો છે. રાકેશ ઝુનઝુનવાલાનું આ વર્ષે ઓગસ્ટમાં અવસાન થયું હતું. આ પછી, પ્રથમ વખત, તેમના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
રેખા ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન છ કંપનીઓના શેર ખરીદ્યા છે. આમાંથી પાંચ કંપનીઓમાં તેમણે પોતાનો હિસ્સો વધાર્યો છે. તેમના પોર્ટફોલિયોમાં એક નવો સ્ટોક પણ ઉમેરાયો છે.
રેખા ઝુનઝુનવાલાએ જે કંપનીમાં હિસ્સેદારી વધારી છે અને એક નવો સ્ટોક તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે તેની જાણકારી તમને આપીશું. તેમના પોર્ટફોલિયો પર નજર નાંખીએ તો ટાટા ગ્રુપ પર તેમણે વિશ્વાસ અકબંધ રાખ્યો છે.
ટાઇટન કંપનીમાં રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારી વધી છે. ટાઇટન કંપનીમાં તેમનો હિસ્સો સપ્ટેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળા પહેલા 1.07 ટકા હતો જે હવે વધીને 1.69 ટકા થયો છે.
રાકેશ ઝુનઝુનવાલાની ટાઇટનમાં હોલ્ડિંગ 3.85 ટકા છે. ઝુનઝુનવાલા દંપતી ટાઇટન કંપનીમાં 5.1 હિસ્સો ધરાવે છે. ટાઇટન કંપનીએ વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણમાં 18 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
BSE પર કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રેખા ઝુનઝુનવાલાએ સિંગર ઈન્ડિયામાં 42,50,000 શેર અથવા 7.91 ટકા હિસ્સો ખરીદ્યો છે. આગલા દિવસે કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ અંદાજે રૂ. 374.94 કરોડ છે. વર્ષ 1851માં બનેલી સિંગર ઈન્ડિયાના બે મુખ્ય વ્યવસાયો સીવણ ઉત્પાદનો અને ઘરેલું ઉપકરણો છે.
રેખા ઝુનઝુનવાલા ડિસેમ્બર 2020 થી ટાટા કોમ્યુનિકેશનમાં રોકાણકાર છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીમાં તેમનો હિસ્સો 0.53 ટકાથી વધારીને 1.61 ટકા અથવા 4,575,687 ઇક્વિટી શેર કર્યો હતો.
સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2020 ના ક્વાર્ટર દરમિયાન ટાટા મોટર્સનો તેમના પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હતો. તેમની પત્ની રેખાએ સપ્ટેમ્બર 2022 ક્વાર્ટર દરમિયાન કંપનીમાં તેમનો હિસ્સો 1.09 ટકાથી વધારીને 1.11 ટકા કર્યો હતો.
રેખા ઝુનઝુનવાલાએ પહેલીવાર સપ્ટેમ્બર 2017ના ત્રિમાસિક ગાળામાં ફોર્ટિસ કંપનીના શેરોમાં રોકાણ કર્યું હતું. જો કે ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં તેમણે આ કંપનીના બધા શેરો વેચી નાંખ્યા હતા.
રેખા ઝુનઝુનવાલાએ ફરી ફોર્ટિસનો શેરોને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યા. 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેમની પાસે 9,202,108 શેર અથવા 1.22 ટકા હિસ્સેદારી છે.
NCC કંપનીમાં રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારી 2015થી જ છે. સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં તેમણે હિસ્સેદારી 12.48 ટકા વધારીને 12.64 ટકા કરી છે.
સપ્ટેમ્બર 2022 ના ત્રિમાસિક ગાળાના અંતે, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો રૂ. 33,225.77 કરોડ રૂપિયાનો હતો. રાકેશ ઝુનઝુનવાલા પોતાનો અને તેની પત્નીનો પોર્ટફોલિયો મેનેજ કરતા હતા.
રાકેશ ઝુંઝુવાલાના મૃત્યુ બાદ તેમના શેર અને મિલકત તેમના પરિવારને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારથી આ રેખા ઝુનઝુનવાલા તેના અને તેના પતિના પોર્ટફોલિયોમાં બદલાવ કરી રહ્યા છે.