ટ્વિટર યુઝર્સના ખિસ્સા પર પડશે ભાર: બધા જ ટ્વિટર યુઝર્સને આપવો પડી શકે છે ચાર્જ, મર્યાદિત સમય બાદ સબ્સ્ક્રિપ્શનનું આયોજન
જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું છે ત્યારથી અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક નવો ફેરફાર આવી શકે છે. ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્ક તમામ ટ્વિટર યુઝર્સ માટે સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું આયોજન કરી રહ્યા છે. પ્લેટફોર્મરના એક રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, મસ્કે તાજેતરની બેઠકમાં કર્મચારીઓ સાથે આ વિચાર અંગે ચર્ચા કરી હતી. મસ્કની યોજના એ છે કે યુઝર્સ મફતમાં મર્યાદિત સમય સુધી જ ટ્વીટર વાપરી શકે છે. આ પછીવેબસાઇટ બ્રાઉઝિંગ ચાલુ રાખવા માટે સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે.
જો કે, આ પ્રોસેસમાં કેટલો સમય લાગશે અને મસ્ક તેના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે કે કેમ તે હજુ જાણવા મળ્યું નથી. તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની ટીમ હાલમાં નવા વેરિફિકેશન સબસ્ક્રિપ્શન ફીચર પર કામ કરી રહી છે.
મસ્ક તાજેતરમાં કેટલાક દેશોમાં 8 ડોલરમાં ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું છે. જો લોકો પૈસાની ચુકવણી નથી કરતા તો વેરીફાઇડ ચેકમાર્ક ગુમાવશે. ભારતમાં આ સબસ્ક્રિપ્શન એક મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે.
ભારતમાં 200 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે
અમેરિકામાં ટ્વિટર બ્લુના નવા સબસ્ક્રિપ્શન માટે 7.99 ડોલરનો ચાર્જ કરવામાં આવશે. iOS યુઝર્સને પણ આ સર્વિસ માટે એપમાં નવું અપડેટ મળવાનું શરૂ થઈ ગયું છે. જો કે, આ સેવા હજુ ચાલુ કરવામાં નથી આવી.
તો ભારતમાં તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે, મસ્કે કહ્યું હતું કે કિંમત દેશની ખરીદ શક્તિ પર નિર્ભર રહેશે.આવી સ્થિતિમાં ભારતમાં આ સેવા માટે દર મહિને 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
હવે બ્લુ ટિક કેવી રીતે મેળવવું?
હવે કોઈ ફી લેવામાં આવતી નથી. કંપનીની નિર્ધારિત પ્રક્રિયા બાદ યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે. કોઈપણ યુઝર્સના પ્રોફાઇલ પર આ ટિક છે તેનો અર્થ એ છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે.
કંપનીને રોજનું 32 કરોડનું નુકસાન
ટ્વિટરને નફા થાય તે માટે ઇલોન મસ્ક તેમાં ઘણા ફેરફાર કરી રહ્યા છે. કોસ્ટ કટિંગ માટે તેણે લગભગ અડધા કર્મચારીઓની છટણી કરી છે. છટણી પછી મસ્કએ કહ્યું હતું કે, ‘જ્યારે કંપની દરરોજ $ 4 મિલિયન (રૂ. 32.77 કરોડ) ગુમાવી રહી છે, ત્યારે અમારી પાસે કર્મચારીઓને છટણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’
મસ્કની નેટવર્થમાં પણ ઘટાડો થયો,
ઇલોન મસ્કની નેટવર્થ 200 અરબ ડોલરથી ઘટીને 197.4 બિલિયન ડોલર (લગભગ 16 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. મસ્કના ટ્વિટર એક્વિઝિશન પછી, રોકાણકારોએ ટેસ્લાના શેર વેચવાનું શરૂ કર્યું, જેના કારણે મસ્કની નેટવર્થ ઘટી ગઈ. રોકાણકારો માને છે કે ઇલોન મસ્ક અત્યારે ટ્વિટરમાં ખૂબ વ્યસ્ત છે અને ટેસ્લા પર ધ્યાન આપી રહ્યા નથી.