આપણાં દેશનો સૌથી મોટો કાર ચોર પકડાયો, અત્યારસુધી 5000 જેટલી ગાડીઓ કરી છે ચોરી
દિલ્હી પોલીસના હાથમાં એક એવો વ્યક્તિ આવ્યો છે જેને આપણાં દેશનો સૌથી મોટો ગાડી ચોર માનવામાં આવી રહ્યો છે. આ ગાડી ચોરનું નામ અનિલ ચૌહાણ છે. તેણે અઢી દશકથી પણ વધારે સમય ગાડી ચોરી કરવામાં લગાવ્યું હતું. પણ હવે તે દિલ્હી પોલીસના હાથે પકડાઈ ગયો છે.
52 વર્ષીય અનિલ ઘણા સમયથી પોલીસના લિસ્ટમાં વોન્ટેડ હતો. અનિલ ભારતનો સૌથી મોટો કાર ચોર નીકળ્યો છે. હાલમાં જ પોલીસે તેની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર 5000થી વધુ કાર ચોરી કરવાનો આરોપ છે. અનિલ વૈભવી જીવન જીવે છે. તેની પાસે અપાર સંપત્તિ છે અને તેને ત્રણ પત્નીઓ છે.
દિલ્હી પોલીસને અનિલ વિશે ખાનગી બાતમી મળી હતી, જેના પછી મધ્ય દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફે અનિલને તેમની પકડમાં લેવાનો પ્લાન બનાવ્યો હતો. દિલ્હી પોલીસે આયોજિત રીતે અનિલ ચૌહાણને દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાંથી પકડ્યો હતો.
અનિલ ચૌહાણ પર કાર ચોરવાનો તેમજ હથિયારોની દાણચોરીનો આરોપ છે. આ દિવસોમાં અનિલ હથિયારોની દાણચોરી કરતો હતો (અનિલ હાલમાં હથિયારોની દાણચોરીમાં સામેલ છે) અને તે પ્રતિબંધિત સંગઠનોને શસ્ત્રો સપ્લાય કરતો હતો. તે ઉત્તર પ્રદેશમાંથી શસ્ત્રો લઈને ઉત્તર પૂર્વના રાજ્યોમાં મોકલતો હતો.
આજથી 27 વર્ષ પહેલા જોઈએ તો અનિલ ચૌહાણ રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો. એકસમયએ તેઓ દિલ્હીમાં ખાનપુર વિસ્તારમાં રહેતા હતા. વર્ષ 1995થી તેણે ખોટું પગલું ભર્યું અને ગુનાની દુનિયામાં આવી ગયો. છેલ્લા 27 વર્ષમાં તેણે 5 હજાર જેટલી કારની ચોરી કરી છે.
અનિલ ચૌહાણ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગની મારુતિ 800 કાર તેના નિશાના પર રહેતી હતી. આ નાની અને સસ્તી કાર ચોરવી તેના માટે ખૂબ જ સરળ હતું. તે ચોરવામાં વધુ સમય લાગતો ન હતો. આ કારણે તે મારુતિ 800 પર હાથ સાફ કરતો હતો.
દેશના વિવિધ ભાગોમાં કાર ચોરનાર અનિલ ચૌહાણ ચોરેલી કારને દિલ્હી કે આસપાસના વિસ્તારોમાં ન વેચીને જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં મોકલતો હતો. તેણે દેશની બહાર ઘણી કાર નેપાળ પણ મોકલી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2015 થી વર્ષ 2020 સુધી અનિલે જેલની હવા ખાધી છે. વર્ષ 2015માં આસામ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે હવે ફરી એકવાર તે પોલીસના હાથમાં છે.
અનિલ એક ચાલાક ગુનેગાર છે. તેની સામે દસ-વીસ કે પચીસ નહીં પરંતુ 180 કેસ નોંધાયેલા છે. ચોરાયેલી કારના બદલામાં તેને મળેલા પૈસાથી તેણે દિલ્હી, મુંબઈથી લઈને પૂર્વના રાજ્યોમાં નોંધપાત્ર મિલકત ઊભી કરી. આ પૈસાથી તે વૈભવી જીવન જીવતો હતો.