ટાટા-અંબાણીના શેરહોલ્ડર્સને ઝટકો, અદાણીએ કમાણી કરાવી આપી
ગયા અઠવાડિયે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર નોંધાયેલા 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છ કંપનીના માર્કેટ કેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. રતન ટાટાની આગેવાની હેઠળની TCS અને મુકેશ અંબાણીની રિલાયન્સના શેરોએ રોકાણકારોને ભારે ઝટકો આપ્યો છે ત્યારે એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણી ની કંપનીએ રોકાણકારાને કમાણી કરાવી આપી છે.
BSE પર લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ. 2,00,280.75 કરોડનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન TCS, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને HDFCમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ લુઝર હતી અને માર્કેટ કેપ એક સપ્તાહમાં રૂ. 76,346.11 કરોડ ઘટીને 11,00,880.49 કરોડ પર પહોંચ્યું હતું.
ઇન્ફોસિસ ખોટના મામલે બીજા નંબરે હતી. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 55,831.53 કરોડ ઘટીને રૂ. 5,80,312.32 કરોડ થયું હતું.
ગયા અઠવાડિયે શેરબજારમાં ઘટાડાની અસર સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના મૂલ્ય પર પડી હતી અને આ સમયગાળા દરમિયાન માર્કેટ કેપની દૃષ્ટિએ સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ રૂ. 46,852.27 કરોડ ઘટીને 16,90,865.41 કરોડ રૂપિયા હતું. હિન્દુસ્તાન યુનિલિવર નું માર્કેટ કેપ રૂ. 14,015.31 કરોડ ઘટીને રૂ. 5,94,058.91 કરોડ થયું હતું.
આ સિવાય HDFCનું માર્કેટકેપ રૂ. 4,620.81 કરોડ ઘટીને રૂ. 4,36,880.78 કરોડ થયું હતું, જ્યારે HDFC Bankનું માર્કેટ કેપ રૂ. 2,614.72 કરોડ ઘટીને રૂ. 8,31,239.46 કરોડ થયું હતું.
એક તરફ TCS-રિલાયન્સના રોકાણકારોને ભારે નુકસાન થયું હતું, તો બીજી તરફ માર્કેટમાં ઘટાડા છતાં અદાણી ગ્રુપની કંપનીઓએ તેના શેરધારકોને અઢળક કમાણી કરાવી હતી.
અદાણી ટ્રાન્સમિશનનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા સપ્તાહે રૂ. 17,719.6 કરોડ વધીને રૂ. 4,56,292.28 કરોડ થયું હતું. ફાયદો કરાવનારી કંપનીઓમાં અદાણી ઉપરાંત બજાજ ફાઈનાન્સ, ICICIબેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો પણ સમાવેશ થતો હતો.
બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. 6,435.71 કરોડ વધીને રૂ. 4,41,348.83 કરોડ થયું છે. આ સિવાય ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 5,286.92 કરોડ વધીને રૂ. 6,33,110.48 કરોડ થયું હતું.
દેશની સૌથી મોટી બેંક SBIનું માર્કેટ કેપ રૂ. 7,273.55 કરોડ વધીને રૂ. 5,01,206.19 કરોડ પર પહોંચી ગયું છે.
ભલે ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને શેરબજારમાં નુકસાન થયું હતું, પરંતુ તેમ છતાં, રિલાયન્સ માર્કેટ કેપની દૃષ્ટિએ પહેલા નંબર પર જ છે. તે પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અદાણી ટ્રાન્સમિશન, બજાજ ફાઇનાન્સ અને HDFC આવે છે. ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 952.35 પોઈન્ટ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.