પુત્રએ 70 વર્ષના પિતાને ઢસડીને માર્યા, કપડાં વગર જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, રસ્તા પર થપ્પડો મારતો રહ્યો
70 વર્ષના પિતાને પુત્રએ ક્રૂરતાપૂર્વક માર્યા, એટલું જ નહીં કપડાં વગર ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને રસ્તા વચ્ચે પણ થપ્પડો મારતો રહ્યો. શરમજનક આ ઘટના રાજસ્થાનના જોધપુરની છે. જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે સાડા 9 વાગ્યાની છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો રવિવારે સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજેન્દ્ર ગૌડ અજીત કોલોનીમાં પોતાના બે પુત્ર કુંતીનંદન (38) અને છત્રસાલ (35)ની સાથે રહે છે. બંને પુત્ર બેરોજગાર છે. રવિવારે નાના પુત્ર છત્રસાલે દારુ માટે રુપિયા માગ્યા હતા. તેમને રુપિયા આપવાનો ઈનકાર કરી દીધો. જેના પર છત્રસાલ વિફર્યો અને પિતાને કપડાં વગર ઘરમાંથી બહાર કાઢી મૂક્યા.
તે ગલીમાં પિતાને દોડાવતો રહ્યો. પિતાએ સમજાવવાના અનેક પ્રયાસ કર્યા તો તે થપ્પડ મારવા લાગ્યો. આ આખી ઘટના કોલોનીમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે.
ભત્રીજાએ પોલીસને જાણ કરી
ઘટનાની જાણકારી મળ્યાં બાદ રાજેન્દ્ર ગૌડના ભત્રીજા વિવેક ગૌડે પોલીસને જાણ કરી. લગભગ સાડા 10 વાગ્યા સુધીમાં પોલીસ પહોંચી. પુત્રને ચેતવણી આપીને છોડી દીધો. સોમવારે સવારે 9 વાગ્યે ભત્રીજો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને છત્રસાલ વિરૂદ્ધ કેસ કર્યો. રાતાનાડા પોલીસે છત્રસાલની ધરપકડ કરી છે.
10 વર્ષ પહેલાં થયા હતા રિટાયર્ડ
રાજેન્દ્ર ગૌડ કાજરી જોધપુરમાં ટેક્નિશિયન તરીકે કામ કરતા હતા. 10 વર્ષ પહેલા રિટાયર્ડ થયા હતા. પોતાના બંને પુત્રની સાથે તેઓ અજીત કોલોનીમાં રહેતા હતા. પાડોસીઓએ જણાવ્યું કે છત્રસાલ વારંવાર પરેશાન કરતો હતો.
પાડોશી અલોક ગૌડે કહ્યું કે નશામાં પહેલાં પણ અનેક વખત તોડફોડ કરી ચુક્યો છે. પોલીસને પણ ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. આ ઝઘડા સમયે છત્રસાલે ઘરની બહાર રાખેલા એક સ્કૂટીમાં પણ તોડફોડ કરી હતી. છત્રસાલથી આખો વિસ્તાર પરેશાન છે.
રાતાનાડા પોલીસ સ્ટેશનના SHO સત્યપ્રકાશે જણાવ્યું કે રાજેન્દ્ર ગૌડના ભાઈના પુત્રએ કેસ નોંધાવ્યો છે. આ અંગે છત્રસાલની ધરપકડ કરવામાં આવી છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને બાદમાં તેના વિરૂદ્ધ કાર્યવાહી થશે.