Metaએ કરી અધધધ કર્મચારીઓની છટણી, તૂટ્યો 18 વર્ષનો રેકોર્ડ
ટેક કંપનીઓમાં મંદીની વાતો વચ્ચે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ એક સાથે 11,000 કર્મચારીઓની છટણી કરી છે. મેટાએ નવી ભરતી પર તો લાંબા સમયથી જ રોક લગાવીને રાખી હતી. હજી કેટલાક દિવસ પહેલા જ એવા અહેવાલ હતા કે માર્ક ઝુકરબ્રેગ પોતાના એક્ઝિક્યુટિવસ સાથે મીટિંગ કીરને કર્મચારીઓને છટણી માટે તૈયાર રહેવા કહ્યું હતું.
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે,’આપણે અહીં પહોંચ્યા એની જવાબદારી હું સ્વીકારું છું. મને ખ્યાલ છે કે આપણા બધા જ માટે આ સમય કપરો છે, અને જે લોકોને આની અસર થઈ રહી છે, તેમના માટે હું ખેદ પણ અનુભવી રહ્યો છે. અમે મેટામાંથી 13 ટકા કર્મચારીઓને ઓછા કરવાનો નિર્ણય લીધો છે.’
કર્મચારીઓને મળશે 4 મહિનાનું વેતન
મેટા પોતાના બરખાસ્ત કરેલા કર્મચારીઓને 4 મહિનાનો પગાર આપશે. કંપનીના હ્યુમન રિસોર્સ હેડ લૉરી ગોલેરના કહેવા પ્રમાણે કંપનીએ જે કર્મચારીઓને છૂટા કર્યા છે, તેમને વળતર તરીકે 4 મહિનાનું વેતન આપશે. સાથે જ કંપનીએ આ કર્મચારીઓને છ મહિના સુધી હેલ્થ કેરનો ખર્ચ આપવાનો દાવો પણ કર્યો છે.
ઈતિહાસની સૌથી મોટી છટણી
મેટાના 18 વર્ષના ઈતિહાસમાં કરાયેલી આ સૌથી મોટી છટણી છે. ઉલ્લેખનીય છે કે મેટાની શરૂઆત 2004માં થઈ હતી. હાલ કંપનીની ખરાબ ફાઈનાન્શિયલ સિચ્યુએશન અને છેલ્લા ક્વાર્ટરના ખરાબ પરિણામ બાદ આ છટણીનો નિર્ણય લેવાયો છે. મેટામાં આ છટણી 9 નવેમ્બરથી લાગુ થઈ ચૂકી છે, અને કર્મચારીઓને આ અંગે નોટિફિકેશન પણ મોકલી દેવાયું છે.
આર્થિક સ્થિતિ પર અસર
મેટાના પોર્ટફોલિયોમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપ જેવી મુખ્ય પ્રોડક્ટ સામેલ છે. પરંતુ મેટાવર્ઝ બિઝનેસમાં વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાને કારણે કંપનીની આર્થિક સ્થિતિ કથળી છે. મેટાવર્સમાં વધારે ઈન્વેસ્ટમેન્ટની સામે કંપનીને તેમાંથી કોઈ રિટર્ન નથી મળ્યું, જેને કારણે કંપનીની સ્થિતિ બગડી છે, કંપનીના શૅરના ભાવ સતત ઘટી રહ્યા છે. આ પરિસ્થિતિનો સામનો કરવ મેટાએ છટણીનો નિર્ણય લીધો છે.
આ કંપનીઓમાંથી પણ કર્મચારીઓ થયા બરખાસ્ત
ક્રંચબેઝના રિપોર્ટ મુજબ 2022માં માત્ર અમેરિકામાં જ 52,000 ટેક્નોલોજી એક્સપર્ટ્સ નોકરી ગુમાવી શકે છે. C-Gate કંપની 8 ટકા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે, જે આંકડો 3000 જેટલો થવા જાય છે. તો ઈન્ટેલ પણ મોટી સંખ્યામાં છટણીની તૈયારી કરી રહ્યું છે, જેની અસર 20 ટકા કર્મચારીઓ પર પડશે. માઈક્રોસોફ્ટે જુલાઈમાં જ પોતાના 1 ટકા કર્મચારીઓને બરખાસ્ત કરી ચૂક્યુ છે.
ટ્વિટરમાં પણ સરખી સ્થિતિ
મેટા પહેલા ટ્વિટર પણ કર્મચારીઓની છટણી કરી ચૂક્યુ છે. ટ્વિટર ઈન્ડિયાએ ગ્લોબલ છટણી મુજબ ભારતમાંથી 90 ટકાથી વધુ કર્મચારીઓને બરખાસ્ત કરી ચૂક્યુ છે. જો કે કેટલાક સમય બાદ ટ્વિટરના માલિક એલન મસ્કે બરખાસ્ત કરેલા કર્મચારીઓમાંથી કેટલાક કર્મચારીઓને પાછા બોલવ્યા હતા. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ટ્વિટરે આ કર્મચારીઓને ભૂલથી બરખાસ્ત કર્યા હતા, બાદમાં તેમને કામ પર પરત બોલાવી લેવાયા છે.