આ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સનના બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ્દ
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટો નિર્ણય લઈ મુંબઈના મુલુંડમાં જોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું જોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ્દ કરી નાખ્યું છે. મહત્વનું છે કે પુણે અને નાસિકમાંથી પાવડરના નમૂના લેવામાં આવ્યા હતા જે સરકાર દ્વારા સારી ગુણવત્તા ન હોવાનું સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેલ્કમ પાઉડરના ઉત્પાદનને લઈને ચાલતા કેસથી કંપની પરેશાન
જોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ કંપનીએ વર્ષ 2023થી પાવડરનું ઉત્પાદન બંધ કરવાની ઘોષણા કરી હતી. ઓગસ્ટ 2022માં બેબી પાવડર બનાવતી કંપની જોન્સન એન્ડ જોન્સને જણાવ્યું હતું કે, 2023થી તેમના દ્વારા ટેલ્કમ પાવડરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે.
કંપની દ્વારા જણાવાયા અનુસાર ટેલ્કમ પાઉડરના ઉત્પાદનને લઈને ચાલતા કેસથી તે પરેશાન છે. આથી તેણે આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ કંપની દ્વારા અમેરિકા અને કેનેડામાં અગાઉથી જ ટેલ્કમ પાવડરનું ઉત્પાદન બંધ કરી દેવાયું છે.
સ્ટાર્ચ આધારિત પાવડરનું ઉત્પાદન કરશે
કંપનીના બેબી પાઉડરથી કેન્સર થવાના આક્ષેપો લાંબા સમયથી થઇ રહ્યા છે. આ પ્રકરણને લઈને કંપનીને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી અને જ્યારે કેન્સર ડરનો રિપોર્ટ સામે આવ્યા બાદ કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મોટો ફટકો પડયો હતો. એક મીડિયામાં જણાવાયા અનુસાર હવે ટેલ્ક આધારિત પાવડરના ઉત્પાદનને બદલે કંપની દ્વારા હવે બદલે સ્ટાર્ચ આધારિત પાવડરનું ઉત્પાદન કરવામાં આવશે.
ટેલ્કમ પાવડર વિષે આટલું જાણો
ટેલ્કએ કુદરતી રીતે બનતું ખનિજ હોવાથી તેના ઉપયોગ થકી બનેલા પાવડરને ટેલ્કમ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. જે મેગ્નેશિયમ, સિલિકોન, ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું છે.
તેનો ઉપયોગ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવા માટે થાય છે.આ પદાર્થ ભેજને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. બ્યુટી કેર પ્રોડક્ટ્સમાં ટેલ્કના ઉપયોગ પર અનેક સવાલો થયા છે. માન્યતા અનુસાર તેના ઉપયોગથી કેન્સર થાય છે.
વાસ્તવમાં જ્યાંથી ટેલ્ક કાઢવામાં આવે છે, ત્યાંથી એસ્બેસ્ટોસ જેને અભ્રક તરીકે પણ ઓળખવામાં આવે છે તેને પણ છોડવામાં આવે છે. આ પદાર્થ એ સિલિકેટ ખનિજનો એક પ્રકાર છે. જેની રચના અલગ છે અને તે શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે તેવું કહેવાય છે. ટેલ્કના ખોદકામ દરમિયાન તેમાંથી એસ્બેસ્ટોસ થવાનું જોખમ પણ રહેતું હોય છે.