ત્રીજી લહેર, માત્ર 9 દિવસમાં દૈનિક કેસ 500થી 4 હજારે પહોંચ્યા
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની રફ્તાર બીજી લહેર કરતાં વધુ તેજ, બીજી લહેરમાં દૈનિક 93 કેસનો ગ્રોથ હતો, ત્રીજી લહેરમાં 396 કેસનો ગ્રોથ, સારી બાબત એ છે કે આ વખતે ડેથ રેશિયો ઓછો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. એપ્રિલ-મે, 2021માં રાજ્યમાં અનેક લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં હતાં, પરંતુ બીજી લહેર કરતાં રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની રફ્તાર વધુ તેજ છે. બીજી લહેરમાં દૈનિક કેસનો આંક 500થી વધી 4,000 સુધી પહોચવામાં 39 દિવસ લાગ્યા હતા જ્યારે ત્રીજી લહેરમાં માત્ર 9 દિવસ જ લાગ્યાં. જોકે ત્રીજી લહેરમાં ડેથ રેશિયો ઓછો છે. દૈનિક 4,000 કેસ સુધી બીજી લહેરમાં દૈનિક 93 કેસનો ગ્રોથ હતો ત્રીજી લહેરમાં 396 કેસનો ગ્રોથ છે.
ગુજરાતમાં ગત ફેબ્રુઆરી-2021માં બીજી લહેરની શરૂઆત થઈ હતી જ્યારે ડીસેમ્બર-2021માં ત્રીજી લહેરે માથુ ઉચક્યું છે. પરંતુ બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં દૈનિક કેસનો ગ્રોથ બુલેટ ગતીમાં જોવા મળી રહ્યો છે. 16 ડીસેમ્બર-2021થી ત્રીજી લહેરની શરૂઆત થઈ અને 29 ડીસેમ્બર, 2021ના રોજ રાજ્યમાં કોરોનાના 500ને પાર નવા 548 કેસ નોંધાયા હતા.
એ પછી 1લી જાન્યુઆરી-2022ના રોજ નવા 1,069 કેસ નોંધાતા કોરોના 1 હજારને પાર પહોચ્યો હતો. ત્યાર બાદ 4 જાન્યુઆરીના રોજ નવા 2,265 કેસ નોંધાતા દૈનિક કેસનો આંક 2 હજારને પાર થયો હતો. જોકે બીજા દિવસે નવા 3,350 કેસ સાથે કોરોના ત્રણ હજારને પાર થઈ ગયો હતો અને આજે 6 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં કોરોના 4,000ને પાર પહોચી ગયો છે.
આમ દૈનિક કેસનો આંક 500થી 4,000 સુધી પહોચવામાં માત્ર 9 દિવસનો જ સમય લાગ્યો છે. બીજી લહેરની વાત કરીએ તો, ગત ફેબ્રુઆરી-2021ના છેલ્લા સપ્તાહથી કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હતી. 28 ફેબ્રુઆરી, 2021ના પહેલા દિવસે 298 કેસ હતા અને છેલ્લા દિવસે 407 કેસ હતાં. એ પછી 16 માર્ચ, 2021ના રોજ 954 કેસ હતા. આમ દૈનિક કેસનો આંક મહિના પછી 1 હજારને નજીક પહોચ્યો હતો. એ પછી ગત 16 માર્ચ-2021ના રોજ રાજ્યમાં કોરોનાના 954 કેસ નોંધાયા હતા બીજા દિવસે 17મીના રોજ 1,122 કેસ નોધાયા હતા.