ખેલૈયાઓ માટે ખુશખબર: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત

ખેલૈયાઓ માટે ખુશખબર: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ અંગે સૌથી મોટા સમાચાર. ગરબે ઘુમવાની મહેચ્છાઓ સાથે થનગની રહેલાં ખેલૈયાઓ માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. નવરાત્રિમાં વરસાદ વિલન બનીને મજા બગાડશે એવી દ્વિધા ઘણાં સમયથી ગરબા રસિકો અને ગરબા આયોજકોને સતાવી રહી હતી.

વચ્ચે ક્યાંક ક્યાંક એવા સમાચારો પણ વહેતાં થયા હતા કે વરસાદ વિલન બનીને ગરબાની મજા બગાડી શકે છે. જોકે, આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે કરેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છેકે, આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

ઉલ્લેખનીય છેકે, આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમુકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે.

ત્યારે એક સંભાવના એવી ચર્ચામાં હતી કે, આ વખતે વરસાદ પાછો ખેંચાયો છે, તેને પગલે નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બનીને રંગમાં ભંગ પાડી શકે છે. જોકે, હવામાન વિભાગે આ વાતને અફવા ગણાવીને તેનો છેડ ઉડાડી દીધો છે. હવામાન વિભાગે હાલમાં જ કરેલી આગાહી મુજબ આગામી 26 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આ સમાચારથી ગરબા રસિકોને ચોક્કસથી મનમાં હાશકારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, આ ઉપરાંત હાલ પુરતો રાજ્યમાં ક્યાંય કોઈ વરસાદી મહોલ નથી.

આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી મહત્ત્વની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી શકે છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા એના કચ્છમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છેકે, બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ એક્ટીવ થઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો રાજ્યના દક્ષિણ ઝોન એટલેકે, સુરત, તાપી, વાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદ પડી શકે છે. જોકે, એકંદરે નવરાત્રિમાં વરસાદ નહીં પડે તેવી આગાહીથી ખેલૈયાઓને મોજ પડી જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *