ખોદકામ કરતાં મળ્યા કરોડો રૂપિયાના સોનાના સિક્કા, મટકામાંથી નીકળી 86 સોનામહોર

ખોદકામ કરતાં મળ્યા કરોડો રૂપિયાના સોનાના સિક્કા, મટકામાંથી નીકળી 86 સોનામહોર

ઘરમાં ખોદકામ ચાલતું હોય અને અચાનક જ સોનામહોર નીકળે તો? આવું તો માત્ર ફિલ્મમાં થતું હોય તેવું આપણે માનીએ છીએ, પરંતુ હાલમાં જ આ ઘટના બની હતી. મકાનના ખોદકામ દરમિયાન એક બે નહીં, પરંતુ 86 સોનામહોર મળી હતી.

આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ સોનામોહરની તપાસ કરતાં તે 200 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં આ સોનામહોરનો સંબંધ જોધપુર રિયાસત સાથે હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. એક સોનામોહર 11 ગ્રામની છે.

આ ઘટના મધ્યપ્રદેશના ધારની છે. આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે 86માંથી 84 સોનામહોર છે અને બાકીની બે વસ્તુ લોકેટ અથવા સોનાનો ટૂકડો છે. આ તમામ સોનામહોર મુગલકાળની છે. હવે આના પર વધુ રિસર્ચ કરવામાં આવશે.

ઈન્દોરના પુરાતત્વ વિભાગમાંથી આવેલા અધિકારીએ પોલીસે જપ્ત કરેલી સોનામહોર જોઈ હતી. ટીમ પોતાનો રિપોર્ટ હેડ ઓફિસ મોકલશે. ઈન્દોરથી આવેલા પુરાતત્વ વિભાગના આશુતોષ મહાશબ્દે કહ્યું હતું કે સોનામહોર પર જે ભાષા લખવામાં આવી છે તેની તપાસ ઈન્દોર જઈને કરવામાં આવશે.

જ્યાંથી સોનામહોર મળી, ત્યાં ટીમે ખોદકામ કરાવ્યુંઃ ઈન્દોરથી આવેલી ટીમે જે જગ્યાએ સોનામહોર મળી હતી, ત્યાં અંદાજે દોઢેક કલાક ખોદકામ કરાવ્યું હતું, પરંતુ કંઈ જ મળ્યું નહીં.

સોનામહોર મળી તેની એકદમ સામે પણ ખોદકામ કર્યું હતું, તે જગ્યાએથી માટીના તૂટેલા ઘડા મળી આવ્યા હતા. ત્યારબાદ ટીમ પરત જતી રહી હતી. એક સોનામહોર મજૂરે વેચી નાખી હતી અને પોલીસ હવે તેની તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર કેસઃ ધારમાં નાલછા દરવાજા વિસ્તારની પાસે ચિટનીસ ચોકમાં શિવનારાયણ રાઠોડનું મકાન છે. મકાન બે ભાગમાં બનેલું છે. એકમાં પરિવાર રહે છે અને બીજો ભાગ જર્જરિત છે. આ જ ભાગને તોડીને નવું મકાન બનાવવામાં આવતું હતું. મજૂરો છેલ્લા એક મહિનાથી કામ કરતા હતા.

મજૂરોને જન્માષ્ટમી અને તેના પછીના બે દિવસે સોનામહોર મળી આવી હતી. આઠ મજૂરોએ આ સોનામહોર વહેંચી લીધી હતી. મકાનમાલિક શિવનારાયણને આ અંગે કંઈ જ ખબર નહોતી. તમામ મજૂરો હિંમતગઢના રહેવાસી છે અને પોલીસે તમામની ધરપકડ કરી છે.

ધાર મહારાજે ચિટનિસ ચોક બનાવ્યો હતોઃ ધારમાં ચિટનિસ ચોક વિસ્તારનું નામ પહેલાં નવાદપુરા હતું. આ વિસ્તારમાં ધાર મહારાજના અલગ-અલગ મંત્રીઓ રહેતા હતા. તેઓ મહારાષ્ટ્રીયન પરિવાર સાથએ જોડાયેલા હતા. શિવનારાયણે કહ્યું હતું કે તેમનો પરિવાર 100 વર્ષથી અહીંયા રહે છે.

જોધપુર રિયાસત અંગેઃ જોધપુર રિયાસત રાજસ્થાનના મારવાડમાં 1250થી 1949 સુધી રહી હતી. રાજપૂતની આ સૌથી મોટી રિયાસત હતી. અંતિમ શાસકે ભારતમાં વિલય પર પહેલી નવેમ્બર, 1956માં સાઇન કરી હતી.

100 વર્ષથી રહે છે રાઠોડ પરિવારઃ શિવનારાયણ રાઠોડના ઘરમાંથી સોનામહોર નીકળી છે. તેમનો પરિવાર 100 વર્ષથી પણ વધુ સમયથી અહીંયા રહે છે. શિવનારાયણની કરિયાણાની દુકાન છે. દીકરો ઓનલાઇન શોપિંગ કંપનીઓનો સામાન હોમ ડિલિવરી કરવાનું કામ કરે છે. 2600 સ્કેવર ફૂટનો પ્લોટ છે. 18 બાય 60 ફૂટનો હિસ્સો જર્જરિત હોવાથી તેને તોડીને નવેસરથી બનાવવામાં આવે છે. મહિના પહેલા કામ શરૂ થયું હતું.

પીએમ આવાસ યોજના હેઠળ જાન્યુઆરી, 2022માં રૂપિયા મળ્યા હતા. હજી દીવાલ ને ધાબું તોડવામાં આવ્યું હતું. પાયા તોડવાના બાકી છે. ધન જમીનમાંથી નહીં, પરંતુ દીવાલમાંથી મળી આવ્યું હતું. કાયદાકીય માહિતી મેળવ્યા બાદ પરિવાર સોનામહોર પરત મેળવવા માટે અરજી કરી શકે છે.

કેવી રીતે ભાંડો ફૂટ્યોઃ મજૂરોને ખોદકામ કરતી સોનાના સિક્કા મળ્યા હતા. તેમણે કોઈને જાણ કર્યા વગર સરખા ભાગે વહેંચી લીધા હતા. જોકે, આ રહસ્ય લાંબા સમય સુધી છૂપું રહી શક્યું નહીં. એક મજૂર બર્માએ રાતોરાત પોતાની ઉધારી ચૂકવી દીધી અને બાઇક ખરીદ્યું હતું. તે રોજ દારૂ પીવા લાગ્યો હતો. તેણે નશામાં આવીને ખજાના અંગે જાણ કરી હતી.

આમ આ બાબત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસને તપાસમાં એ વાત ખબર પડી કે મજૂરોને ખોદકામ દરમિયાન 1 કરોડથી વધુ રૂપિયાના સોનાના સિક્કા મળ્યા હતા. પોલીસને બર્મા પાસેથી 20 (1 સોનામહોર વેચી નાખી), સુરેશ તથા સોહન પાસેથી 13 સોનાના સિક્કા મળી આવ્યા હતા. સોહન, દિનેશ, મનીષ, ધર્મેન્દ્ર તથા જિતેન્દ્ર પાસેથી 8-8 સોનામહોર મળી આવી હતી. બર્મા પાસેથી સોનાની ચેન પણ જપ્ત કરવામાં આવી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *