ગૌતમ અદાણીનો મોટો પુત્ર કરણ સંભાળે છે આ બિઝનેસ, હવે 1050 કરોડમાં બીજી મોટી ડીલ
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. હવે જૂથે તેની કંપની અદાણી પોર્ટ્સ દ્વારા બીજી મોટી ખરીદી કરી છે. કંપનીએ ઈન્ડિયન ઓઈલટેનિંગમાં લગભગ 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ એક નિવેદન જારી કરીને આ ડીલ વિશે માહિતી શેર કરી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીની આગેવાની હેઠળની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અને ઈન્ડિયન ઓઈલટેન્કિંગ વચ્ચે રૂ.1,050 કરોડમાં આ સોદો કરવામાં આવ્યો હતો. આ સોદા સાથે, અદાણી પોર્ટ્સ અને SEZ હવે દેશની સૌથી મોટી લિક્વિડ ટેન્ક સ્ટોરેજ કંપની બની ગઈ છે.
ઇન્ડિયન ઓઇલ ટેન્કિંગ લિમિટેડ (IOTL) એ લિક્વિડ સ્ટોરેજ સુવિધાઓ વિકસાવવા અને સંચાલિત કરવા માટે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. અદાણી પોર્ટ્સે બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સોદામાં IOT ઉત્કલ એનર્જી સર્વિસિસ લિમિટેડમાં વધારાના 10 ટકા ઇક્વિટી હિસ્સાના સંપાદનનો સમાવેશ થાય છે. આ સબસિડિયરી કંપનીમાં ઈન્ડિયન ઓઈલ ટેન્કિંગનો 71.57 ટકા હિસ્સો છે.
અહેવાલ મુજબ, અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીએ દાવો કર્યો હતો કે IOTL સાથેના આ સોદા બાદ અદાણી પોર્ટ્સ અને SEZ દેશની ત્રીજી સૌથી મોટી લિક્વિડ ટેન્ક સ્ટોરેજ કંપની બની ગઈ છે. આ ડીલ અંગે તેમણે કહ્યું કે, આ ડીલ સાથે APSEZની ઓઈલ સ્ટોરેજ ક્ષમતા 200 ટકા વધીને 3.6 મિલિયન KL થઈ ગઈ છે.
અદાણી પોર્ટ્સ અને IOTL વચ્ચેની આ મોટી ડીલની અસર ગૌતમ અદાણીની કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. બુધવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગના અંતે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર 3.99 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે રૂ.887.00 પર બંધ થયા હતા.