ઇન્સ્ટાગ્રામમાં ભૂલ શોધવાથી મળ્યું રૂ. 38 લાખનું ઈનામ: વાઇફાઇ પાસવર્ડ ચોરી કરવા હેકિંગ શીખ્યો, હવે ટ્વિટર-ગૂગલમાં…
જયપુરના નીરજ શર્માએ કરોડો લોકોનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતા બચાવ્યા છે. નીરજ શર્માએ ઇન્સ્ટાગ્રામમાં એક બગ શોધી કાઢ્યો હતો. એ બગને લીધે લૉગ-ઇન અને પાસવર્ડ વિના કોઈપણ વપરાશકર્તાના એકાઉન્ટમાં થંબનેલ્સ બદલી શકાશે.
જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને તેની ભૂલની જાણ થઈ ત્યારે તેમણે નીરજની પ્રશંસા કરી. નીરજને આ કામ બદલ 38 લાખ રૂપિયાનું ઈનામ પણ આપ્યું. ભાસ્કર ગ્રુપ સાથે નીરજની ખાસ વાતચીત…
સવાલ- ઇન્સ્ટાગ્રામની કઈ ભૂલ શોધી, જેને કારણે આટલું મોટું ઈનામ મળ્યું?
જવાબ- ઇન્સ્ટાગ્રામમાં એક બગ હતો, જેને કારણે કોઈપણ એકાઉન્ટમાં આપણે રીલનું થંબનેલ્સ બદલી શકાતું હતું. કરોડો લોકોનાં એકાઉન્ટમાં બદલી શકાતાં હતાં, જેના માટે મને ખાલી તેમના એકાઉન્ટની રીલ આઈડી જોઈએ. એનાથી આ બધા બદલાવ ખૂબ સરળતાથી થઈ શકે છે. ભલે પછી એકાઉન્ટ પાસવર્ડ ગમે તેટલો મજબૂત હોય.
સવાલ- તમે ઇન્સ્ટાગ્રામ સુધી આ વાત કેવી રીતે પહોંચાડી?
જવાબ- ગયા વર્ષે ડિસેમ્બરમાં મેં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભૂલ શોધવાનું શરૂ કર્યું. ઘણી મહેનત પછી, 31 જાન્યુઆરીની સવારે, મને ઇન્સ્ટાગ્રામની (બગ) ભૂલ વિશે ખબર પડી. દિવરભર મેં બગની ચકાસણી કરી અને રાત્રે ફેસબુકને ઇન્સ્ટાગ્રામની ભૂલ વિશે રિપોર્ટ મોકલ્યો. ત્યાર બાદ ત્રણ દિવસ પછી તે લોકોએ મને જવાબ આપ્યો. તેમણે મને ડેમો આપવા જણાવ્યું.
મેં તેમને 5 મિનિટમાં થંબનેલ બદલીને ફરીથી બતાવ્યું. એ પછી તેમણે મારો રિપોર્ટ મંજૂર કર્યો. આ પછી 11 મેની રાત્રે મને ફેસબુક પરથી એક મેલ મળ્યો. એમાં તેણે મને ઈનામ તરીકે $45,000 (લગભગ 35 લાખ રૂપિયા) આપવા જણાવ્યું. એ જ સમયે ઇનામ આપવામાં 4 મહિનાના વિલંબના બદલામાં ફેસબુકે નીરજને બોનસ તરીકે $ 4500 (લગભગ 3 લાખ) પણ આપ્યા.
સવાલ- સાયબર સિક્યોરિટી અને હેકિંગને લઈ તમે શરૂઆત ક્યારે કરી?
જવાબ– 2020માં કોરોનાકાળમાં મારી પાસે કઈ વધારે કરવા જેવું હતું નહીં. એ વખતે મેં અમેરિકન સિરીઝ મિસ્ટર રોબોટ જોઈ. મને તેના હેકિંગ સીન ઘણા ગમ્યા. ત્યારે મને થયું કે પાડોશીઓના વાઇફાઇનો પાસવર્ડ ચોરું અને સરળતાથી ઈન્ટરનેટ વાપરી શકું.એ પછી મેં ઓનલાઈન શોધવાનું શરૂ કર્યું કે વાઈફાઈ કેવી રીતે હેક થઈ શકે છે.
ઘણા લોકો સાથે વાતચીત કરી અને હેકિંગની ઝીણવટ સમજી. થોડા જ દિવસોમાં મેં મારા પડોશીઓના વાઇફાઇનો પાસવર્ડ શોધી નાખ્યો. આનાથી આ ક્ષેત્રમાં મારી રુચિ વધુ વધી. એ પછી હું સ્માર્ટફોન હેકિંગની સાથે ફિશિંગ શીખ્યો.
સવાલ- હેકિંગને લઈ સામાન્ય માણસના મનમાં ખોટી ધારણાઓ હોય છે. તમારા પરિવારજનોએ તમને આ ફિલ્ડમાં જતા રોક્યો?
જવાબ- મારા પરિવારજનને હેકિંગ વિશે કઈ જાણકારી નહોતી. તેમને લાગતું હતું કે હું નોર્મલ રીતે લેપટોપ વાપરું છું અને ફિલ્મો જોવું છું, પરંતુ જ્યારે મને ફેસબુક તરફથી ઈનામ આપવામાં આવ્યું. ત્યાર બાદ તે લોકોને જાણ થઈ કે હું હેકિંગ અને સાયબર સિક્યોરિટીને લગતું કામ કરું છું.
સવાલ- ભવિષ્યમાં શું માત્ર બગ શોધવા માગો છો કે અન્ય કોઈ લક્ષ્ય છે?
જવાબ- મેં સાયબર સિક્યોરિટી ફિલ્ડમાં ભવિષ્ય બનાવવા વિચાર્યું છે. હું ટ્વિટર અને ગૂગલમાં બગ શોધવાના લક્ષ્ય સાથે કામ કરીશ.
સવાલ- સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. સામાન્ય માણસ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અને પાસવર્ડ કેવી રીતે સુરક્ષિત રાખી શકે?
જવાબ- સાયબર છેતરપિંડીના મોટા ભાગના કિસ્સાઓમાં તે વપરાશકર્તાની ભૂલ છે, કારણ કે તે પોતાના એકાઉન્ટની સુરક્ષા સાથે સમાધાન કરે છે, જેમ કે તમારી પાસેથી OTP નંબર માગવા માટે કોઈનો કોલ આવ્યો અને તમે એ આપ્યો. આ કિસ્સામાં,તમારા ખાતામાંથી તમામ પૈસા અદૃશ્ય થઈ શકે છે.
કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરતાં પહેલાં એનું URL જાણવું જરૂરી છે. એ જાણ્યા વગર ક્લિક કરશો તો હેકર સુધી તમારો પાસવર્ડ પહોંચી શકે છે. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો. જો કોઈ હેકરને તમારા પાસવર્ડની ઍક્સેસ મળી હોય તોપણ તે તમારા એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકશે નહીં.
BCA માટે BSC છોડી
20 વર્ષીય નીરજ શર્મા જયપુરના સાંગાનેર વિસ્તારમાં રહે છે. નીરજના પિતા બિઝનેસમેન છે. તેની માતા સરકારી ટીચર છે. નીરજનો પરિવાર ઈચ્છે છે કે નીરજ પણ સરકારી નોકરી કરે, આથી 12TH પછી નીરજનું BSCમાં એડમિશન કરાવ્યું,
પરંતુ નીરજ ટેક્નોલોજી ફિલ્ડમાં જવા માગતો હતો, તેથી BSC ડ્રોપ કરી BCAમાં એડમિશન લીધું. હાલમાં નીરજ પોદ્દાર ઈન્ટરનેશનલ કોલેજ, જયપુરમાં બીજા વર્ષનો વિદ્યાર્થી છે.