રાંદેરમાં ગેંગવોર: સુરતના રાંદેરમાં બે ગેંગો વચ્ચે મારામારી, સરેઆમ તલવારો ઊડી
સુરતના રાંદેરમાં બે ગેંગો વચ્ચે મારામારી, હુમલાખોરો ખુલ્લા રોડ ઉપર તલવાર લઇ દોડયા, ડ્રગ્સના ધંધા મામલે બે ગેંગ વચ્ચે મારામારી
સુરતના રાંદેર ટાઉનમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ અન્નું કેસેટ પર હરીફ ઇસ્માઇલ પેઈન્ટરની ગેંગનો તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ડ્રગ્સની રૂપિયા લેતીદેતીમાં આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે પોલીસે ડ્રગ્સ નહિં પરંતુ ગેંગવોર હોવાનું જણાવી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અસામાજિક તત્વો કોસાડ આવાસના અન્નુ કેસેટ અને રાંદેરનાં ઇસ્માઇલ પેન્ટરની ગેંગ વચ્ચે રાંદેર ટાઉન સ્થિત આવેલા કોઝવે રોડ ઉપર ખુલ્લેઆમ તલવારો વડે હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે વીડિયો વાયરલ થવા પગલે સ્થાનિક પોલીસે આ મામલાને દબાવાનો પ્રયાસ કર્યો હતો. કોઝવે વિસ્તારમાં થયેલા આ હુમલાનો વીડિયો વાયરલ થતાં જ રાંદેર પોલીસ દોડતી થઈ હતી અને હુમલાનો ભોગ બનેલાં અન્નુ કેસેટની ફરિયાદ લઇ હુમલાખોરો વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.
પહેલા રાંદેરમાં આવેલા બોરડી વિસ્તારમાં જ રહેતો અન્નું કેસેટ કોસાડ રહેવા જતો રહ્યો હતો. વીડિયોમાં હુમલાખોરો ખુલ્લા રોડ ઉપર તલવાર લઇ દોડતા હોય તેવું ભય ઉપજાવતા દેખાઇ આવ્યા હતા. જોકે કોઇએ મોબાઇલમાં આખી ઘટના કેદ કરી લીધી હતી. વીડિયો વાયરલ થતાં દોડતી થયેલી રાંદેર પોલીસે અન્નું કેસેટની ફરિયાદ લઇ હરીફ ગેંગ વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો.
રાંદેર પોલીસના કહેવા મુજબ માથાભારે ઇસ્માઇલ પેઇન્ટરની ગેંગ સાથે ઘણા વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો છે. આ ગેંગ જ્યારે પણ સામસામે આવે છે ત્યારે અનેક વખત બાખડી ચૂકી છે. કોઝવે રોડ ઉપર અન્નું કેસેટ ઉપર તલવાર વડે હુમલો કરવાની કોશિશ કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને પોલીસે ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલે રાંદેર ટાઉનમાં ચર્ચા છે કે એમડી ડ્રગ્સના વેપલા સાથે આ બંને ગેંગ સંકળાયેલી છે અને ડ્રગ્સના રૂપિયાની લેતીદેતીમાં આ હુમલો કરવામાં આવ્યો છે, જેને રાંદેર પોલીસે ગેંગવોરનું નામ આપી પોતાની હદમાં ચાલતા નશાના કારોબારને છુપાવાનો પ્રયાસ કર્યો છે.