સુરતમાં ડેટાએન્ટ્રીનું ઓનલાઇન કામ આપવાના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ

સુરતમાં ડેટાએન્ટ્રીનું ઓનલાઇન કામ આપવાના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ

સુરત શહેરમાં ડિંડોલીમાં છેલ્લાં એક માસથી ચાલતા અનઅધિકૃત કોલ સેન્ટરમાં પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે સંચાલક સહિત પાંચની ધરપકડ કરી લેપટોપ, મોબાઇલ, સીમકાર્ડ, ચેકબુક, ડેબિટ કાર્ડ તથા રોકડ રકમ મળી 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ફોર્મ ફીલીંગ ડેટા એન્ટ્રીનું ઓનલાઇન કામ અપાવવાના બહાને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

ડીંડોલી પોલીસે બાતમીના આધારે રેડ પાડી
મળતી વિગતો પ્રમાણે ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે, સ્વસ્તિક વિલા સોસાયટીના પ્લોટ નં. 170 અને 171માં અનઅધિકૃત રીતે કોલ સેન્ટર ધમધમી રહ્યું છે. અહીં ગ્રાહકોને કોલ તથા ટેક્સ મેસેજ કરી લોભામણી સ્કીમ આપી મોટાપાયે છેતરપિંડી કરાતી હોવાની પણ માહિતી મળી હતી. જેથી પોલીસે અહીં દરોડા પાડયા હતા. આ કોલ સેન્ટર રાજા પ્રભાકર નંદરવાર અને રામભાઇ ઉર્ફે દત્તા આંબોરીકર છેલ્લાં એક માસથી અહીં ચલાવતા હતા.

કુલ રૂપિયા 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે ઘટના સ્થળેથી 23 મોબાઇલ, 2 લેપટોપ, 2 ચાર્જર, રોકડા 2.58 લાખ, 10 સીમકાર્ડ, 16 પાસબુક-ચેકબુક, 8 ડેબિટ-ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂપિયા 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ડિંડોલી પોલીસે કોલ સેન્ટરના સંચાલક રાજા પ્રભાકર નંદરવાર (રહે- સ્વસ્તિક વિલા રેસિડન્સી, ડિંડોલી), કર્મચારીઓ અતુલ ભાનુભાઇ બોકડે (રહે- કલ્પના સોસાયટી, ગોડાદરા), ગૌતમ અશોક અમોદે (રહે- દ્વારકેશનગર, લિંબાયત), સુમિત ઉર્ફે સ્મિત ભગવાન ચૌધરી (રહે- કલ્પના રોહાઉસ, ગોડાદરા) અને કલ્પેશ ભરત વાળંદ (રહે- મહાપ્રભુનગર, લિંબાયત)ની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય સંચાલક રામભાઇ ઉર્ફે દત્તા આંબોરીકર (રહે- રોયલ સ્ટાર, ડિંડોલી) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ડેટા એન્ટ્રીના ફોર્મ ભરી મહીને 21,450 રૂપિયા કમાવવાની લાલચ આપતા
આરોપીઓ ઘરમાં જ ZENCRAFT SOLUTIONS નામના પોર્ટલ પરથી ફોર્મ ફીલીંગ ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ગ્રાહકો પાસે નાણાં પડાવતા હતા. તેઓ ગ્રાહકોના મોબાઇલ નંબરો ઓનલાઇન ડેટા બેઝ ક્વીકર ડોટ કોમ નામની વેબસાઇટ પરથી ખરીદી લેતા હતા.

બાદમાં કોલ સેન્ટરના કર્મચારીઓ અલગ-અલગ સીમકાર્ડ પરથી ગ્રાહકોને કોલ કે મેસેજ કરી ફોર્મ ફીલીંગ ડેટા એન્ટ્રીનું કામ અપાવવાની વાત કરી લલચાવતા હતા. જે ગ્રાહક કામ કરવા માટે તૈયાર થાય તો તેઓએ 650 ફોર્મ 95 ટકા એક્યુરેસી સાથે છ દિવસમાં સબમીટ કરવાના રૂપિયા 21,450નું મહેનતાણું મળશે એવી સ્કીમ આપતા હતા.

કામ પૂરું ન થાય તો પોલીસની ધમકી આપી રૂ. ૬,૬૦૦ પેનલ્ટી વસૂલતા
જો ફોર્મ 6 દિવસમાં 95 ટકા એક્યુરેસી સાથે પૂર્ણ નહિ થાય તો કંપનીનો પોર્ટલ યુઝ કરવાનો ચાર્જ રૂપિયા 6,600 ભરવો પડશે એવી પણ શરત મુકાઇ હતી. ગ્રાહકો ચાર્જ ચૂકવવાનો ઇન્કાર કરે તો પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી અપાતી હતી. આ રીતે ધમકી આપી ડમી એકાઉન્ટમાં ગ્રાહકો પાસે નાણાં જમા કરાવતા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *