બિઝનેસમેન ગુજરાતમાં 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો, જાણો તેમણે કેમ આવું કર્યું?
સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ જ સુંદર કાર્ય શરૂ કર્યું છે. નાનામાં નાના માણસની ચિંતા કરનાર ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. જેમાંથી 14 મંદિરનું લોકાર્પણ પણ થઈ ગયું છે. એક વખત ઝાડ નીચે હનુમાનજીની મૂર્તિ ખંડિત હાલતમાં જોતા ગોવિંદભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. ત્યાર બાદથી તેમણે 311 મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો હતો.
ગોવિંદભાઈ ધોળકિયાના રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ ડાંગ જિલ્લામાં 311 જેટલા હનુમાનજી મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે મંદિર બાંધવાના યજ્ઞનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના શુબિર તાલુકાના લહાર ઝાડદર ખાતે 14 મંદિરોનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા રામજન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગિરી મહારાજના હસ્તે કરવામાં આવનાર છે.
આ અંગે રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું છે કે પ્રકૃતિની ગોદમાં પાંગરેલો ડાંગ જિલ્લો અને ડાંગવાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાનો એક ભાગ છે. મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ, સેવા સ્મરણ સાથે ગામની એકતા વધે અને વ્યસન મુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવો છે. ડાંગમાં મંદિર નિર્માણ પાછળનું કારણ ધાર્મિક છે. શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે.
311 મંદિર બાંધવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં આવાં દ્રશ્યો જોવા મળે છે. બસ, આ દ્રશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો.
વતન દુધાળા ગામની તમામ છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી આપશે
ગોવિંદભાઈ એ પોતાના ગામ દુધાળા માટે સુંદર કામ કર્યું છે. દુધાળા ગામના લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બીલ ભરે છે. જેથી ગોવિંદભાઈએ નક્કી કર્યું છે કે તે દૂધાળા ગામે રહેતા તમામ પરિવારો માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ આપશે. જેથી લોકોના વીજબીલમાં વપરાતા પૈસા બચી શકે. જ્યારે, સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પ્લેટથી વીજળીનો ઉપયોગ કરશે. તેઓ 300 મકાનની છત પર 2 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાશે.
ગામ માટે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
ઉદ્યોગપતિ ગોવિંદભાઈએ કહ્યું કે, મારુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હું મારા વતનમાં પ્રથમ વખત આવ્યો હોવાથી મારા પરિવારની એવી ભાવના છે કે ગામના નાના-મોટા દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે. બધી જ યોજનાઓ પાછળ લગભગ 6 કરોડથી વધારે ખર્ચ થશે.
રામમંદિર માટે 11 કરોડનું દાન આપ્યું હતું
સામાજિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય ગોવિંદભાઈએ દાન આપવામાં ક્યારેય પાછું વાળીને નથી જોયું. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાં સૌથી વધુ તેમણે રૂપિયા 11 કરોડનું દાન આપ્યું હતું.
હાલમાં થયું હતું લિવર ટ્રાન્સપ્લાન્ટ
છેલ્લા ત્રણેક વર્ષથી ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. પાંચ મહિના પહેલાં તેમને ઓર્ગન ડોનેટ મળી જતા સુરતની કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને બે-બે હજાર રૂપિયા આપ્યા હતા.
13 વર્ષની વયે ગામડું છોડી સુરત આવ્યા હતા
ગોવિંદભાઈ ધોળિકિયાએ તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કરેલો છે. માત્ર 13 વર્ષની વયે ગામ છોડીને સુરત આવેલા હીરા ઘસીને કારકિર્દી શરૂ કરનાર ગોવિંદભાઈની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની કરોડોનું ટર્ન ઓવર ધરાવે છે અનેક દેશોમાં ડાયમંડની નિકાસ કરે છે. સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી સૂઝબૂઝ અને પ્રામાણિકતાપૂર્વક ‘એસઆરકે’ એમ્પાયરનું નિર્માણ કર્યું, જેમાં આજની તારીખે છ હજાર કર્મચારી કામ કરે છે.
ગોવિંદ કાકા હરીફને પણ સાચી સલાહ આપીને મદદ કરે છે
સામાન્ય રીતે કોઈપણ બિઝનેસમેન પોતાના જ હરીફને મોટો કરે તેવું જોવા મળતું નથી હોતું. પરંતુ કાકા દરેક વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપી અને તેની શક્તિ મુજબ તેમને આગળ વધવા પ્રેરણા આપે છે. કાકા દરેક ક્ષેત્રમાં સફળ છે. તેઓ હંમેશા કહે કે, કોઈને જેટલો આદર આપશો તેના કરતા અનેકગણો આદર તમે પામી શકશો.