50 વર્ષ બાદ વાપસી કરી રહ્યું છે BSA મોટરસાઇકલ, ભારતમાં ક્યારે આવશે?
બ્રિટનની જાણીતી બાઇક મેકર કંપની BSA મોટરસાઇકલ જલ્દીથી જ નવી બાઇક ગોલ્ડ સ્ટાર 650ને લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSA ગોલ્ડ સ્ટાર 650 રેટ્રો બાઇકને માર્ચ, 2023 સુધીમાં ભારતની સાથે સાથે આખા વિશ્વમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં આ વર્ષે જુલાઇમાં આ બાઇકને ટેસ્ટ કરતી જોવામાં આવી હતી, ત્યારથી તેના લોન્ચની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
BSA ગોલ્ડ સ્ટાર 650 બાઇકના એન્જિનની વાત કરરીએ તો આ બાઇક 650 CCના સિંગલ સિલિન્ડર DOHC એન્જિન સાથે આવી શકે છે. આ એન્જિન લગભગ 47 હોર્સપાવર અને 40 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. હજુ સુધી પાવર ટ્રેન વિશે વધુ જાણકારી મળી નથી, પણ આશા છે કે, બાઇકને 5 સ્પીટ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવી શકે છે.
BSA ગોલ્ડસ્ટાર 650 એક રેટ્રો બાઇક હશે, જેમાં પોતાના નામની જેમ જ આખી બોડી પર ગોલ્ડ ટચ જોવા મળશે. જાણકારી અનુસાર, તેની બોડી પર ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અન્ય બાઇક્સને ટક્કર આપવા માટે ગોળ હેડલેમ્પ, LED ટેલ લેમ્પ, ટિયર ડ્રોપ આકારનું ફ્યુઅલ ટેન્ક અને પહોળું હેન્ડલબાર જોવા મળી શકે છે. જોકે, તેનો લુક ઘણાં અંશે પહેલા જેવો જ દેખાઇ રહ્યો છે.
BSA ગોલ્ડ સ્ટાર 650 બાઇકની કિંમત વિશે હાલ કોઇ જાણકારી નથી મળી, પણ આશા છે કે, તેને ગ્લોબલ સ્તર પર 5 હજાર પાઉન્ડથી 10 હજાર પાઉન્ડ એટલે ભારતીય મુદ્રામાં ગણવા જઇએ તો 4.9 લાખ રૂપિયાથી 9.8 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં આવ્યા બાદ તેની સીધી ટક્કર રોયલ એન્ફીલ્ડ ઇન્ટરસેપ્ટર 650 અને કાવાસાકી Z650RS સાથે થશે.
દેશમાં ક્રુઝીંગ બાઇકની માગને જોતા કંપનીએ આ પ્રકારની બાઇકને ભારતમાં લોન્ચ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતમાં ક્રુઝીંગ બાઇકની માગ સતત વધી રહી છે તેને જોતા ભારતમાં જાણીતી કંપનીઓ જાવા અને યઝદી જેવી કંપનીએ પણ વાપસી કરી છે અને ભારતમાં ક્રુઝીંગ બાઇકના મોટા બજારને જોતા બધી કંપનીઓ આ સેગમેન્ટમાં નવી નવી બાઇક લોન્ચ કરવા માટે આતુર હોય છે.