જુઓ કેવું છે પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ:ગામમાં પ્રવેશતાં જ રમણીય નારાયણ સરોવરનાં દર્શન થાય, જ્યાં બાળ ‘શાંતિલાલ’ મિત્રો સાથે ધુબાકા મારતા, બાપા 18 વર્ષ અહીં રહ્યા

જુઓ કેવું છે પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ:ગામમાં પ્રવેશતાં જ રમણીય નારાયણ સરોવરનાં દર્શન થાય, જ્યાં બાળ ‘શાંતિલાલ’ મિત્રો સાથે ધુબાકા મારતા, બાપા 18 વર્ષ અહીં રહ્યા

વિશ્વ વંદનીય સંત એવાપ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની હાલ અમદાવાદમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્વામી બાપાના જન્મસ્થળને કેમ ભૂલી શકાય? પ્રમુખ સ્વામી મહારાજ બાળપણનું નામ શાંતિલાલ હતું. શાંતિલાલનો જન્મ વડોદરાથી 14 કિ.મી.ના અંતરે આવેલા ચાણસદ ગામમાં થયો હતો. ચાણસદ ગામ બાપાની બાળપણની યાદોને સાચવીને બેઠુ છે. ચાણસદ ગામમાં પ્રવેશતા જ બાપાનું પ્રાસાદિક સ્થળ નારાયણ સરોવર દેખાય છે. આ તળાવના બ્યુટિફિકેશન બાદ તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે 7 ડિસેમ્બરે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

બાપા જ્યાં ક્રિકેટ રમતા તે જગ્યાએ શું બન્યું?
નાનકડું એવુ આ ગામ બાપાની તમામ યાદો પોતાની અંદર સમાવીને બેઠું છે. પ્રમુખ સ્વામીએ 18 વર્ષ આ ગામમાં ગાળ્યા હતા. બાળ શાંતિલાલ જે સ્કૂલમાં ભણ્યા તે સ્કૂલ તો આજે હયાત નથી, પણ તે જગ્યા આજે શાંતિલાલની યાદોને તાજી કરી દે છે. શાંતિલાલ જ્યાં ક્રિકેટ રમતા તે જગ્યા પણ યથાવત છે. ચાલો આજે જઈએ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદની મુલાકાતે…

ગામમાં સ્વામી બાપાનું સ્મારક પણ છે
પ્રમુખ સ્વામી મહારાજના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારના જીવનમાં બીજું કોઈ ધ્યેય નહોતું, ચાણસદ ગામમાં ઘરમાં શાંતિલાલનો જન્મ થયો હતો. આ ઘરમાં બે ઓરડા છે, જેને હાલ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મારક બનાવવામાં આવ્યું છે. એક ઓરડામાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે. જ્યારે બહારની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની દુર્લભ તસવીરો અને પેઈન્ટિંગ્સ રાખવામાં આવ્યાં છે. અહીં આવતા દરેક ભક્તને અનોખી શાંતિનો અનુભવ થાય છે. હાલ રાજ્ય સરકારની મદદથી BAPS સંસ્થાએ સમગ્ર ચાણસદ ગામને વિકસિત કર્યું છે.

પ્રમુખ સ્વામી ન્હાતા, તે તળાવનું બ્યુટિફિકેશન કર્યું
ચાણસદમાં નારાયણ સરોવર કેમ્પસનું સંચાલન કરતા તુષારભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, BAPS સંસ્થાએ રાજ્ય સરકારની મદદથી ગામનો વિકાસ કર્યો છે, જેમાં પ્રમુખ સ્વામી બાળપણમાં જ્યાં ન્હાવા જતા, તે તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે. આ તળાવનું નામ નારાયણ સરોવર આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલતો હોવાથી ચાણસદમાં રોજ બેથી અઢી હજાર હરિભક્તો દર્શન માટે આવે છે.

બાપાના જીવનના 18 પ્રસંગો સાંભળવા મળશે
નારાયણ સરોવર કેમ્પસમાં પુરૂષો અને મહિલાઓને ન્હાવા માટે બે અલગ-અલગ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામીએ 18 વર્ષ ચાણસદ ગામમાં વિતાવ્યા હતા, જેથી નારાયણ સરોવરની ફરતે 18 ઘુમટી બનાવવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ જ્યારે પહેલી ઘુમટી પાસે જશે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અવાજમાં તેમના જીવનનો પ્રસંગ સાંભળવા મળશે. આમ 18 ઘુમટીમાં સ્વામી બાપાના જીવનના 18 પ્રસંગો પ્રવાસીઓને સાંભળવા મળશે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના યુનોના પ્રવચન સહિતના પ્રસંગોનો સમાવેશ થાય છે.

નારાયણ સરોવરની ફરતે 18 ઘુમટી બનાવી છે.
થિયેટરમાં બાપાનું બાળપણ દર્શાવાય છે
નારાયણ સરોવરના કેમ્પસમાં જ ઓરિએન્ટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 50 લોકો બેસી શકે તેવું એક થિયેટર બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજના બાળપણના જીવન દર્શનનો 28 મિનિટનો વીડિયો દર્શાવવામાં આવે છે. જેમાં હાલ રોજ 15થી 20 શો થાય છે. રોજના હજારો લોકો થિયેટરની મુલાકાત લે છે. આગામી દિવસોમાં અહીં સ્વામી બાપાના જીવન આધારિત ગેલેરી પણ બનશે.

નારાયણ સરોવરનો રાત્રિનો અદભૂત નજારો.
લોકો માટે પ્રેમવતી પણ બનાવી
અહીં આવતા લોકો માટે પ્રેમવતી પણ બનાવવામાં આવી છે. જ્યાં હાલ ચા-નાસ્તો, ચા-ફોફી, કોલ્ડ્રિક્સ અને આઇસ્ક્રિમ મળે છે. આવનારા દિવસોમાં લોકોને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત એક બુક સ્ટોલ પણ ઉભો કરાયો છે. જ્યાં પ્રમુખ સ્વામીના જીવન ચરિત્ર સહિતના પુસ્તકો મળે છે.

પ્રમુખ સ્વામીના નામે ગામના તળાવનું નામ અપાયું છે.
અહીં બેસીને બાપા કથાઓ સાંભળતા
ચાણસદ ગામના તળાવ(નારાયણ સરોવર)ના કિનારે એક હનુમાન મઢી હતી. જ્યાં હરિદાસ બાવાના મુખે શાંતિલાલ રામાયણની કથાઓ સાંભળતા હતા. શાંતિલાલ બાળપણથી જ અધ્યાત્મિક હતા. તેઓ ચાણસદ ગામના રામજી મંદિર, સત્યનારાયણ મંદિર અને સ્વામીનારાયણ મંદિરમાં રોજ મિત્રો સાથે દર્શન માટે જતા હતા, સભાઓ કરતા અને કથાઓ સાંભળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વર્ષો ચાણસદમાં આવતા-જતા રહ્યા હતા. આ ઉપરાંત યોગીજી મહારાજ પણ મહિનાઓ સુધી ચાણસદમાં રહેતા હતા.

પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ સ્થળ ચાણસદ.
બાપા અહીં ક્રિકેટ રમતા હતા
બાળપણમાં પ્રમુખ સ્વામી જ્યાં ક્રિકેટ રમતા હતા, ત્યાં જગ્યા પર હાલ પ્રમુખ સ્વામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. આ ઉપરાંત હાઇસ્કૂલ, પ્રાથમિક શાળા, અને ગામના બે પ્રવેશદ્વારને પણ પ્રમુખ સ્વામીનું નામ આપવામાં આવ્યું છે. BAPS સંસ્થા તરફથી ચાણસદ ગ્રામ પંચાયતને સપોર્ટ મળતા વિકાસ કામો થયા છે.

ચાણસદનું રમણીય નારાયણ સરોવર.
શાંતિલાલને ક્રિકેટનો ભારે શોખ હતો
બાળપણમાં શાંતિલાલને ક્રિકેટનો ભારે શોખ હતો. જોકે તેમની પાસે ક્રિકેટ રમવાની કિટ નહોતી, જેથી બધા મિત્રોએ 500 રૂપિયાનું ફંડ ભેગું કરીને ક્રિકેટનાં સાધનોની કિટ લાવવાનું નક્કી કર્યું હતું અને તમામ મિત્રો ક્રિકેટનાં સાધનો ખરીદવા માટે વડોદરા જવા નીકળ્યા હતા અને ત્યારે રસ્તામાં જ ગુરુ શાસ્ત્રીજી મહારાજનો કાગળ પ્રમુખ સ્વામીજી મહારાજને મળ્યો અને પત્રમાં ગુરુ શાસ્ત્રીજી મહારાજે શિષ્ય શાંતિલાલ સાધુ થવાનો સમય થઈ ગયો હોવાની વાત કરી હતી.

ચાણસદના આ ઘરમાં પ્રમુખ સ્વામીનો જન્મ થયો હતો.
એ સમયે શાંતિલાલે કંઈપણ વિચાર્યા વિના ક્રિકેટના સાધનોની કિટ ખરીદવાના રૂપિયા મિત્રોને આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા અને શાંતિલાલ 7 નવેમ્બર 1939ના દિવસે પોતાનું ગામ ચાણસદ છોડીને શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં જવા નીકળી પડ્યા હતા અને તેમની દીક્ષા બાદ તેમને નવું નામ મળ્યું, એ હતું પ્રમુખ સ્વામી… તેઓ પોતાના કાર્ય થકી વિશ્વ વંદનીય બની ગયા.

ઘુમટીઓમાં બાપાના જીવનના 18 પ્રસંગ સાંભળવા મળશે.
શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને દીક્ષા આપી હતી
22 નવેમ્બર 1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને 10 જાન્યુઆરી 1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી હતી. તેમાંથી મળ્યા યુગ પુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજ અને 1950માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુક્ત કર્યા હતા.

ચાણસદ ગામમાં આવેલું સ્વામીનારાયણ મંદિર.
ભત્રીજાએ બાપાની યાદો સાચવી રાખી
પ્રમુખ સ્વામી મહારાજનો પરિવાર હાલ વડોદરા શહેરમાં રહે છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી અક્ષર દર્શન બંગલોઝમાં રહેતા અશોકભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના ભત્રીજા છે. બાપા જે પારણમાં ઝૂલ્યા હતા એ પારણું અશોકભાઈએ હજી પણ સાચવી રાખ્યું છે. આ ઉપરાંત બાપાનાં અસ્થિ પણ તેમની પાસે સચવાયેલાં છે.

બાપાના પરિવારમાં હાલ કોણ કોણ છે?
બાપાના મોટા ભાઈ સ્વ. ડાહ્યાભાઈના પુત્ર અશોકભાઈ અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને 2014થી મેડિકલ ઓક્સિજનનો બિઝનેસ કરે છે. તેમનાં પત્ની ગૃહિણી છે અને સત્સંગી કાર્યકર છે. આ ઉપરાંત હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં પ્રમુખ સ્વામિનગરમાં મંડળના સંચાલકની જવાબદારી નિભાવી રહ્યા છે. અશોકભાઈના 26 વર્ષીય પુત્ર પરેશે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરેલો છે અને હાલ પિતાના વ્યવસાયમાં જોડાયેલો છે. અશોકભાઈની 20 વર્ષીય પુત્રી વિધિ કોમ્પ્યુટર સાયન્સ ડીગ્રીનો અભ્યાસ કરે છે.

સ્વામીનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની બાળપણની યાદો તાજી કરી.
પરિવારમાં 3 ભાઈ અને 3 બહેનો હતાં
સ્વામી બાપાનાં ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ હતાં. ડાહ્યાભાઇ, નંદુભાઈ અને શાંતિલાલ(પ્રમુખ સ્વામી મહારાજ). બહેનોમાં સૌથી મોટાં કમળાબેન પછી ગંગાબેન અને સવિતાબેન હતાં. બે બહેનોને ભાયલી ગામમાં પરણાવ્યા હતા અને એક બહેન ઉમરેઠના ઓડ ગામમાં પરણાવ્યા હતા અને બાપાના ધામમાં ગયા બાદ આણંદમાં રહેતાં ગંગાબેનનું નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં જ મારાં માતા અને સ્વામી બાપાના ભાભી જશોદાબેનનું નિધન થયું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *