ગુજરાતમાં ‘આપ’ને વધુ એક ફટકો, મહેશ સવાણીએ પાર્ટી છોડી
વિજય સુંવાળા, નિલમ વ્યાસ છોડી ચૂક્યા છે આપ, ત્રીજો પક્ષ બનવા નીકળેલી AAPનાં હાલ બેહાલ, આમ આદમી પાર્ટીમાં મારો કોઇ હોદ્દો નથીઃ સવાણી
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ આજે આમ આદમી પાર્ટીને એક પછી એક એમ બે મોટા ફટકા પડ્યા છે. જેમાં સૌ પ્રથમ લોકગાયક વિજય સુંવાળાએ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા બાદ સાંજે જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજકારણને અલવિદા કહી દીધુ છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં મહેશ સવાણીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીમાં મારી પાસે કોઈ હોદ્દો નથી. મારુ કામ સમાજસેવા કરવાનું હતું અને તેજ મારે કરવું જોઈએ. હું રાજનીતિમાં વધુ સારા કામ કરવા આવ્યો હતો. જો કે રાજકારણમાં આવ્યા બાદ હું મારી તબિયત પર વધારે ધ્યાન આપી નહતો શકતો.
પોતાના ભાજપમાં જોડાવા અંગે સવાણીએ જણાવ્યું કે, મારે કોઈની સાથે વાદ-વિવાદ નથી. મને કોઈનું દબાણ નથી. ક્યા પક્ષમાં જોડાવું એ સમય-સમયની વાત છે. મેં માત્ર પરિવાર સાથે ચર્ચા કરીને જ નિર્ણય લીધો છે. ભાજપ સાથે અમે સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યાં છીએ. મીડિયાએ મને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કર્યો. જો કે મહેશ સવાણી ફક્ત સમાજ સાથે જ રહેશે.
જણાવી દઈએ કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા હતા. પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ આપના વિસ્તારની રણનીતિ બનાવી નાંખી હતી. જો કે ચૂંટણી પહેલા જ આપને મોટા ફટકા પડવાના શરૂ થઈ ગયા છે.
અગાઉ વિજય સુંવાળા તેમજ નિલમ વ્યાસ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યાં છે. એવામાં ત્રીજો પક્ષ બનવા નીકળેલી આપના ચૂંટણી પહેલા જ બેહાલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ હારી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક પછી એક વિકેટ પડતાં પાર્ટીની નીતિઓ સામે પણ સવાલ ઉઠવા લાગ્યાં છે.