ટ્વિટર પછી હવે FBને પણ મંદી નડી:ઝકરબર્ગની સૌથી મોટી છટણી કરવાની યોજના, આ સપ્તાહના અંતથી થશે શરૂઆત; શેર્સ 70% થી વધુ ઘટ્યા
ટ્વિટર બાદ હવે મેટા (અગાઉ ફેસબુકના નામથી ઓળખાતું હતું) ઘણા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે કેટલા લોકોને બહાર કાઢવામાં આવશે એ હજુ સ્પષ્ટ નથી. અહેવાલ મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં છટણી શરૂ થઈ જશે. 2004માં એની સ્થાપના પછી કંપનીની આ સૌથી મોટી છટણી હોઈ શકે છે.
મેટામાં 87,314 કર્મચારી
સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં મેટામાં 87,314 કર્મચારી હતા. મેટા હાલમાં WhatsApp, Instagram અને Facebook સહિત વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવે છે.
જોકે કંપની મેટાવર્સ પર તેના ખર્ચમાં વધારો કરી રહી છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને સતત નુકસાન થઈ રહ્યું છે. છટણીથી નાણાકીય કટોકટી કંઈક અંશે હળવી થવાની અપેક્ષા છે.
મેટાવર્સમાં રોકાણ કરવાના ગેરફાયદા
ગયા મહિનાના અંતમાં મેટાએ ડિસેમ્બર ક્વાર્ટરની રેવન્યુ આઉટલુકની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આવતા વર્ષે મેટાવર્સમાં તેના રોકાણને કારણે તેને ઘણું નુકસાન થશે. આ માહિતી સામે આવી ત્યારથી કંપનીના શેરની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. આ વર્ષે મેટાના શેર 70%થી વધુ ઘટી ગયા છે.
જોકે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે રોકાણકારોને બ્રાન્ડમાં વિશ્વાસ રાખવા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જે લોકો કંપનીની સાથે રહેશે તો તેનો લાભ તેમને ચોક્કસ મળશે.
મેટાના Q3 (જુલાઈ-સપ્ટેમ્બર) પરિણામ
મેટાવર્સ શું છે અને ફેસબુકે આ નામ શા માટે પસંદ કર્યું?
વર્ચ્યુઅલ રિયાલિટીના આગળના સ્તરને મેટાવર્સ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો મેટાવર્સ એ એક પ્રકારનું વર્ચ્યુઅલ વિશ્વ છે. આ ટેક્નોલોજીથી તમે વર્ચ્યુઅલ ઓળખ દ્વારા ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરી શકશો, એટલે કે એક સમાંતર વિશ્વ જ્યાં તમારી એક અલગ ઓળખ હશે.
એ પેરેલલ વર્લ્ડમાં તમે મુસાફરી, સામાન ખરીદવાથી લઈને આ વિશ્વમાં જ તમારા મિત્રો અને સંબંધીઓને મળી શકશો. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનાં એડવાન્સ વર્જન સાથે તમે વસ્તુઓનો સ્પર્શ અનુભવી શકશો. મેટાવર્સ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વિજ્ઞાન સાહિત્ય લેખક નીલ સ્ટીફન્સને 1992માં તેમના નોબેલ ‘સ્નો ક્રેશ’માં કર્યો હતો.
ટ્વિટરે લગભગ અડધા કર્મચારીઓને છૂટા કર્યા
ઈલોન મસ્કે ટ્વિટરની ખરીદી સાથે વિશ્વભરના કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટ્વિટરના 7,500 કર્મચારીમાંથી લગભગ અડધાને છૂટા કરી દેવામાં આવ્યા છે. ભારતમાં ટ્વિટરના 200થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી મોટા ભાગનાને કાઢી મૂકવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ, સેલ્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમને છૂટી કરી દેવામાં આવી છે.
કર્મચારીઓને ત્રણ પ્રકારના ઇમેલ
ટ્ટિટરના કર્મચારીઓને ત્રણ પ્રકારના ઈમેલ મોકલવામાં આવ્યા છે. એક ઈમેલ તે લોકો માટે છે, જેમને કાઢી મૂકાયા નથી, એક ઈમેલ તે લોકો માટે છે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જ્યારે એક ઈમેલ તેવા લોકો માટે છે, જેમની નોકરી હજી પણ અવઢવમાં છે.
કંપનીને દરરોજનું 32 કરોડનું નુકસાન થઈ રહ્યું છે
છટણી બાબતે મસ્કે કહ્યું હતું કે જ્યારે કંપની દરરોજ 40 લાખ ડોલર (32.77 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યું છે, તો અમારી પાસે કર્મચારીઓને છૂટા કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જેમને પણ છૂટા કરવામાં આવ્યા છે તેમને 3 મહિનાનું સેવરેન્સ આપવામાં આવ્યું છે, જે કાયદેસર રીતે આપવામાં આવનાર ીરકમ કરતાં 50% વધુ છે.