48 કલાકમાં 19,196 નવા કેસ, 9નાં મોત, 10,235 સાજા થયાં
ઉત્તરાયણમાં લોકો ધાબા પર રહ્યાં, ટેસ્ટ ઘટતા કેસ ઘટયાં, હવેનું અઠવાડિયું કટોકટી ભર્યું. ગુરુવારે કોરોનાના 11,176 કેસ હતા, શુક્રવારે 10,019 અને શનિવારે 9,177 કેસ નોંધાયા. 1 વર્ષ અને 10 મહિનામાં ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 9,16,090એ પહોંચ્યો.
ગુજરાતમાં શુક્ર અને શનિવાર એમ બે દિવસના મળીને વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 19,196 કેસ નોંધાયા છે, 9 દર્દીનાં મોત થયા છે જ્યારે સારવાર દરમિયાન 10,235 દર્દી સાજા થયાં છે. મહત્વનું એ છે કે, શનિવારે રાજ્યમા 218 દિવસ બાદ એક સાથે 7 દર્દીના મોત નીપજ્યાં છે. આ પહેલાં ગત 11 જુન, 2021ના રોજ 9 લોકોના મોત થયાં હતા જેના બીજા દિવસે 12 જૂનના રોજ 6 મોત થયાં હતા.
એ પછી દૈનિક મોતની સંખ્યા 6થી નીચે નોંધાઈ હતી. બીજી તરફ બે દિવસમાં રાજ્યના દૈનિક કેસના આંકમાં 2 હજારનો માતબર ઘટાડો થયો છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાના 11,176 કેસ નોંધાયા હતા, જેના બીજા દિવસે 14 જાન્યુઆરીને શુક્રવારના રોજ 10,019 કેસ નોંધાયા અને આજે શનિવારે 9,177 કેસ નોધાયા છે. આમ આજે કોરોનાના બરોબર 1 વર્ષને 10 મહિનામાં ગુજરાતમા કુલ કેસનો આંક 9 લાખને પાર 9,16,090એ પહોંચી ગયો છે.
રાજ્યમાં કેસ ઘટવા પાછળનું એવું પણ આંકલન થઈ રહ્યું છે કે, ઉતરાયણ પર્વના કારણે બે દિવસ દરમિયાન લોકો સતત ધાબા પર જ રહ્યાં છે. જેના કારણે રોજે રોજ થતા ટેસ્ટની સંખ્યા ઘટતાં તેની અસર દૈનિક કેસની સંખ્યા પર પડી છે. જેથી આ બે દિવસ દરમિયાન ધાબાઓ પર થયેલી ભીડના કારણે હવે પછીનું અઠવાડિયું કટોકટી ભર્યું રહી શકે તેવો મત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
14 જાન્યુઆરીના રોજ 2 દર્દીનાં મોત થયાં હતા. આ દિવસા 4,831 દર્દી સાજા થયાં હતા. અમદાવાદમાં 3,090, સુરતમાં 2,986 અને વડોદરામાં 1,274 કેસ નોંધાયા હતા. બીજા દિવસે 15 જાન્યુઆરીના રોજ 7 દર્દીનાં મોત નીપજ્યાં છે. બીજી તરફ 5,404 દર્દી સાજા થયાં છે. અમદાવાદમાં 2,621 કેસ, સુરતમાં 2,215 કેસ અને વડોદરામાં 1,211 કેસ નોંધાયા છે.