હવામાન વિભાગની નવી આગાહી : ઠંડી ભુક્કા બોલાવશે, -4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને વરસાદ પડશે
ગુજરાતમાં પતંગ ચગાવવા માટે વહેલી સવારે સ્વેટર પહેરવું પડે તો નવાઈ નહીં. ગુજરાતમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. આગામી ૩-૪ દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૬ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૩ અત્યંત ઠંડો મહિનો બની રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સિંધુ- ગંગાના મેદાનોમાં તો તે કેટલાક સ્થળોએ -૪ ડિગ્રી સેલ્સિયસ જવા સંભવ છે. ૧૪- ૧૯ જાન્યુ. તો શહેરો ઠંડાગાર બની રહેવા સંભવ છે જ તેમાંયે તા. ૧૬- ૧૮ તો અભૂતપૂર્વ શીતલહર રહેશે. શનિવારથી તો દિલ્હી, એનસીઆર અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાતું રહેશે
ગુજરાતમાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીથી વધારે હતું. ૧૪.૪ ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં ૧૪.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જોકે, આગામી ૧૪-૧૫ જાન્યુઆરીના નલિયામાં પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના આંકડાઓ દેખાડી રહ્યાં છે કે દરેક શહેરનું તાપમાન ઘટવાનું છે. બીજી તરફ અમદાવાદમાં ૧૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ૧૪થી ૧૬ જાન્યુઆરીમાં પારો ૯ ડિગ્રી સુધી ગગડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી શુક્રવારથી સોમવાર કડકડતી ઠંડી પડશે. જોકે, મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ઉત્તર ભારતમાં આ સપ્તાહે પણ ‘શીત લહર’ ચાલુ રહી છે. દિલ્હીમાં વરસાદ થવા પણ સંભવ છે. શનિવારથી આગામી ૧૧ દિવસ તો ભારે ઠંડીના રહેવા સંભવ છે તેમ ભારતીય હવામાન વિભાગે પણ જણાવ્યું છે. છેલ્લા ૨૩ વર્ષમાં વિસ્તરેલું ઠંડીનું મોજું આ વર્ષે સૌથી ખતરનાક બનવા સંભવ છે. ગુરૂવારે દિલ્હીમાં ૯.૩ ઉષ્ણતામાન નોંધાયું હતું તે હવે પછીના દિવસોમાં બપોરે ૧૯ ડીગ્રી વધુમાં વધુ પહોંચવા સંભવ છે તેમ પણ આઇએમડીનું કહેવું છે.
૨૦૦૬માં સૌથી નીચું તાપમાન ૧.૯ ડીગ્રી રહ્યું હતું અને ૨૦૧૩માં પણ દિલ્હીમાં તેટલું જ નીચું હતું. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉ.પ્ર. અને ઉત્તર રાજસ્થાનમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તા. ૧૨મીએ, તથા ઉત્તરાખંડમાં ૧૧થી ૧૪મી જાન્યુઆરી વચ્ચે બરફ પડવાની સંભાવના છે. આમ ઠંડી આગામી દિવસોમાં ભુક્કો બોલાવે તો પણ નવાઈ નહીં.