આ રહસ્યમય મંદિર પર દર ૧૨ વર્ષ બાદ પડે છે વીજળી, છતાં પણ મંદિરને નથી થતું કોઈ નુકશાન
હિમાચલ પ્રદેશમાં દેવી-દેવતાઓનાં ઘણા મંદિર આવેલા છે જેનાં લીધે તેને દેવભુમિ તરીકે પણ જાણવામાં આવે છે. દેવભુમિમાં એવા ઘણા જાણીતા મંદિર આવેલા છે, જેની પોતાની ખાસ વિશેષતા છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશનાં “કુલ્લું” શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમની પાસે ઊંચા પર્વત પર ભગવાન શંકરનું એક રહસ્યમય મંદિર આવેલું છે,
જેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. દર ૧૨ વર્ષ બાદ આ મંદિર પર આકાશમાંથી વીજળી પડે છે પરંતુ તેમ છતાં પણ આ મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. તો ચાલો જાણી લઈએ આ રહસ્યમય મંદિર વિશે વિસ્તારથી.
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર જે ઘાટી પર છે તે સાપનાં રૂપમાં છે. ભગવાન શંકરે આ સાપનો વધ કર્યો હતો. આ મંદિર પર દર ૧૨ વર્ષે એકવાર આકાશમાંથી ભયંકર વીજળી પડે છે. વીજળી પડવાથી મંદિરનું શિવલિંગ ખંડિત થઈ જાય છે. ત્યારબાદ મંદિરનાં પુજારી ખંડિત શિવલિંગ પર મલમ તરીકે માખણ લગાવે છે, જેનાથી મહાદેવને દુખાવામાંથી રાહત મળે છે.
આ મંદિર સાથે જોડાયેલ પૌરાણિક કથા પ્રમાણે અહીં એક કુલાન્ત નામનો એક રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસ પોતાની શક્તિથી સાપનું રૂપ ધારણ કરી લેતો હતો. રાક્ષસ કુલાન્ત એકવાર અજગરનું રૂપ ધારણ કરીને મથાન ગામ પાસે બ્યાસ નદીમાં ફેણ ચડાવીને બેઠો હતો, જેનાં લીધે નદીનો પ્રવાહ અટકી ગયો હતો અને પાણી ત્યાં જ વધવા લાગ્યું હતું. તેની પાછળ તેનો ઉદ્દેસ્ય હતો કે અહીં રહેતા બધા જ જીવજંતુ પાણીમાં ડુબીને મૃ-ત્યુ પામે. આ જોઈને મહાદેવ ક્રોધિત થઈ ગયા અને ત્યારબાદ મહાદેવે એક માયા રચી. ભગવાન શિવ રાક્ષસ પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની પુંછડીમાં આગ લાગી છે.
મહાદેવની વાત સાંભળીને રાક્ષસે જેવું જ પાછળ ફરીને જોયું તો શિવજી એ ત્રિશુળથી કુલાન્તનાં માથા પર વાર કર્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો. કહેવામાં આવે છે કે દૈત્યનું વિશાળ શરીર પહાડમાં બદલાઈ ગયું, જેને આજે આપણે કુલ્લુ પહાડ કહીએ છીએ. કથા અનુસાર ભગવાન શિવ એ કુલાન્તનો વધ કર્યા બાદ ઇન્દ્રને કહ્યુ કે તે દર ૧૨ વર્ષે અહીં વીજળી પાડે. ભગવાન શિવ એ આવું કરવા માટે એટલા માટે કહ્યું કારણકે તેનાથી જન-ધનને હાનિ ના પહોંચે. ભગવાન પોતે જ વીજળીનાં ઝટકાને સહન કરીને પોતાનાં ભક્તોની રક્ષા કરે છે.