માત્ર ગાંઠિયાની માનતા રાખવાથી ગમે તેવી ઉધરસ મટી જાય છે, વિશ્વાસ નહીં આવે
કહેવાય છે કે જ્યારે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવા ન માંગવા જોઈએ. ગુજરાતમાં ઈશ્વરના અનેક સ્થાનકો છે. જ્યાં લોકો પોત-પોતાની આસ્થા મુજબ ચરણોમાં શીશ ઝૂકાવતા હોય છે. અલગ અલગ સ્થાનકોમાં અલગ માનતા લોકો માનતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં લોકો ઉધરસ મટાડવા માટે ગાંઠિયાની માનતા રાખે છે.
રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા સરધારમાં ફેમસ સિમોઈ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં જ ઉંધિયા પીર તરીકે જગ્યા આવેલી છે.
માન્યતા મુજબ કોઈ પણને જટીલ ઉધરસ થઈ હોય અને કેમય કરીને ઉધરસ ન મટતી હોય તો લોકો આ ઉંધિયા પીરની માનતા રાખે છે. લોકો ઉંધિયા પીરને ગાંઠિયાને ગાંઠિયા ચડાવવાની માનતા રાખે છે.
અહીં અનેક શ્રદ્ધાળુઓ આવીને ઉંધિયા પીરને ગાંઠિયા ચડાવે છે. લોકો ગાંઠિયાના પેકેટ લઈને આવે છે અને પછી પીર પાસે ધરે છે. રોજ અનેક લોકો આવી રીતે પોતાની માનતા પૂરી કરવા આવે છે.
મંદિરમાં માનતા પૂરી કરવા આવેલા પાંચતલાવડા ગામના વિજયભાઈ જાદવે જણાવ્યું હતું કે મારી દીકરીને ઉધરસ બહુ આવતી હતી. એટલે પીરની માનતા માની હતી, હવે તેનું સારું થઈ ગયું છે તો ગાંઠિયા ચઢાવવા આવ્યો છું. ઘરમાં કોઈને બહુ ઉધરસ હોય અને અહીંની માનતા રાખીએ એટલે મટી જાય છે.
વિજયભાઈ જાદવે ઉમેર્યું હતું કે માનતાના ગાંઠિયા અહીં જ પીરને ધરવવામાં આવે છે. અને વહેંચી દેવામાં આવે છે. તેને ઘરે લઈ જઈ શકતા નથી.
આ પીર અંગે વાત કરતાં વિજયભાઈએ કહ્યું હતું કે સિંહમોય માતાજી પાસે રાજાએ કહ્યું હતું કે અમારો ઉદ્ધાર કરો તો માતાજીએ કહ્યું કે ગામમાં કોઈને પણ ઉધરસ કે એવું કંઈ થશે તો તમારે ત્યાં ગાંઠિયા ધરાવવા આવશે.
ઉંધીયા પીરની જગ્યામાં બાળકોને રમવા માટે હીંચકા પણ છે.