વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડની રસપ્રદ કહાની, બસમાં મુસાફરી, સામાન્ય વ્યક્તિની જેમ નોકરી…

વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડની રસપ્રદ કહાની, બસમાં મુસાફરી, સામાન્ય વ્યક્તિની જેમ નોકરી…

ભારતમાં રાજાશાહીનો અંત ભલે આવી ગયો છે, પરંતુ રાજાઓ અને મહારાજોના વંશજો હજી પણ છે. આજે પણ તેઓ વૈભવી જીવન જીવે છે અને હંમેશા ચર્ચામાં રહે છે. આ રાજાઓ અને બાદશાહોને ધનની કમી નથી હોતી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ ગર્વથી જીવે છે. પરંતુ બરોડાની મહારાણી રાધિકારાજે ગાયકવાડની વાર્તા બાકીના રાજવી પરિવાર કરતા ઘણી અલગ છે.મહારાણી રાધિકારાજે ગાયકવાડ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે પરંતુ તે વૈભવી જીવન જીવતી નથી પરંતુ સામાન્ય માણસની જેમ જીવે છે. ચાલો જાણીએ રાધિકારાજે ગાયકવાડ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

વાંકાનેરના શાહી પરિવારમાં જન્મેલા રાધિકારાજેના લગ્ન 2002માં વડોદરાના મહારાજા સમરજિત સિંહ સાથે થયા છે. રાધિકારાજેના પિતા વાંકાનેરના મહારાજકુમાર ડોક્ટર રંજીત સિંહજી છે. રંજીત સિંહજી આ શાહી પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેઓ રાજવી કુટુંબનો ખિતાબ છોડીને આઈએએસ અધિકારી બન્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં રાધિકારાજેએ જણાવ્યું કે 1984માં જ્યારે ભોપાલમાં ગેસ દુર્ઘટના બની ત્યારે મારા પિતા ત્યાના કમિશનર તરીકે તૈનાત હતા. તે સમયે મારી ઉંમર 6 વર્ષ હતી. જો કે મને હજુ પણ યાદ છે કે મારા પિતા પૂરેપૂરી નીડરતાની સાથે પોતાની ડ્યૂટી કરતા અને લોકોની મદદ પણ કરી રહ્યા હતા. તે રાતે મે પહેલી ચીજ એ શીખી કે તમે આંગળી ઉઠાવ્યા વગર ચીજો ઠીક કરવાની આશા રાખી શકો નહીં. આ એક એવી ચીજ હતી જે મે મારા પિતા પાસેથી મોટી થઈ તે દરમિયાન શીખી.

આ ઘટનાના કેટલાક વર્ષો બાદ રાધિકારાજેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો. મહારાણી રાધિકારાજે પોતાના જીવનના ખુબ જ સામાન્ય ગણાવે છે. તેઓ કહે છે કે, હું ડીટીસી બસમાં શાળાએ જતી હતી અને તેનો શ્રેય મારા માતાને જાય છે. તેઓ પોતાના બાળકોને આત્મનિર્ભર બનાવવામાં વિશ્વાસ ધરાવતા હતા.

વધુમાં રાધિકારાજેએ કહ્યું કે અમે લોકો ખુબ સામાન્ય જીવન જીવતા હતા. આથી જ્યારે હું ગરમીની રજાઓમાં વાંકાનેર જતી હતી ત્યારે ત્યાંના લોકો તરફથી મળતો આદર સત્કાર મને ખુબ સારો લાગતો હતો. રાધિકારાજે કહે છે કે તેમણે શરૂઆતથી જ પગભેર થવાની ઈચ્છા હતી. ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે નોકરી શોધવાની શરૂ કરી દીધી હતી.

રાધિકારાજે કહ્યું કે ’20 વર્ષની ઉંમરમાં મને ઈન્ડિયન એક્સપ્રેસમાં લેખિકા તરીકે નોકરી મળી. આ સાથે જ મે મારી માસ્ટર ડિગ્રી પણ મેળવી. હું મારા પરિવારમાં પહેલી એવી મહિલા હતી જે બહાર નોકરી માટે જતી હતી. મારા મોટાભાગના પિતરાઈ ભાઈઓના લગ્ન 21 વર્ષની ઉમરમાં થઈ ગયા હતા.’

રાધિકારાજેએ 3 વર્ષ સુધી એક પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમના માતા પિતાએ તેમના માટે વર શોધવાનું શરૂ કર્યું. રાધિકારાજે કહે છે કે વડોદરાના રાજકુમાર સમરજીતને મળ્યા પહેલા પણ અનેક લોકોને મળી હતી. સમરજીતના વિચાર અન્ય લોકો કરતા અલગ હતા. જ્યારે મે તેમને કહ્યું કે હું આગળ ભણવા માંગુ છું તો તેમણે મને તેના માટે પ્રોત્સાહિત કરી હતી.

રાધિકારાજેનું કહેવું છે કે લગ્ન કરીને અને વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં આવ્યા બાદ તેમને પોતાની અસલ ઓળખ મળી. તેમણે કહ્યું કે વડોદરાના મહેલની દીવાલો પર રાજા રવિ વર્માના ચિત્રો લાગ્યા હતા. મેં વિચાર્યું કે આ પેન્ટિંગ્સથી પ્રેરિત વણાટની જૂની ટેક્નિકને નવી કરવામાં આવે તો કેવું. આ પ્રકારે હું સ્થાનિક વણકરોને પણ સશક્ત બનાવી શકું તેમ હતી. મે મારી સાસુ સાથે મળીને તેની શરૂઆત કરી જે ખુબ સફળ રહી. મુંબઈમાં અમારા પહેલા પ્રદર્શનમાં બધુ જ વેચાઈ ગયું.

આ સિવાય મહારાણી રાધિકારાજેએ કહ્યું કે લોકડાઉન દરમિયાન તેમણે એવા લોકોની મદદ કરી હતી જેમની પાસે કમાવાનું કોઈ સાધન નથી. આ દરમિયાન તેણે તેની બહેન સાથે ઘણા ગામોની મુલાકાત લીધી અને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં મોટી સંખ્યામાં લોકોએ મદદની ઓફર કરી. આ દરમિયાન તેમણે 700 થી વધુ પરિવારોને મદદ કરી.

અંતમાં રાધિકારાજેએ કહ્યું કે ક્યારેક ક્યારેક લોકો ધારી લે છે કે મહારાણી હોવાનો અર્થ ફક્ત તાજ પહેરવાનો જ છે, પરંતુ હકીકત આ ચમકદમકથી ઘણી દૂર છે. મેં પરંપરાગત રૂઢીઓને તોડી અને મારી સીમાઓ પોતે બનાવી. સૌથી જરૂરી વાત એ છે કે મે એ કર્યું જેની આશા લોકોને મારી પાસેથી નહતી. આ વારસો હું મારી પુત્રીઓને આપી રહી છું જેથી કરીને તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવી શકે અને કોઈ પણ ચીજ માટે જરાય પસ્તાવો ન થાય.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *