IAS : દેવ ચૌધરીએ તમામ પડકારોને આપી મ્હાત, ચોથા પ્રયાસમાં મેળવ્યું IASનું પદ…
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળતા હાંસલ કરવી એ એક લાંબી અને મુશ્કેલ યાત્રા છે. વારંવાર અસફળતાઓ હતાશ કરે છે. પરંતુ દરેક અસફળતા પછી ઉભા થનારા જ સફળતાનો સ્વાદ ચાખે છે. બાડમેરમાં જન્મેલા IAS ઓફિસર દેવ ચૌધરીએ પણ આવું જ કર્યું છે. તેમને સતત ત્રણ વખત નિષ્ફળતા મળ્યા બાદ પણ હિંમત ન હારી, તૈયારી ચાલું રાખી. દેવ ચૌધરીને 2016માં ચોથા પ્રયાસમાં સફળતા મળી અને તેઓ IAS ઓફિસર બની ગયા. ચાલો જાણીએ તેમની સક્સેસ સ્ટોરી.
બાડમેર જિલ્લાના રહેવાસી છે દેવ ચૌધરી
વર્ષ 2016માં UPSC પરીક્ષા ક્લિયર કરનાર રાજસ્થાન કેડરના IAS અધિકારી દેવ ચૌધરી સરહદી જિલ્લા બાડમેરના રહેવાસી છે. તેમણે તેમના ચોથા પ્રયાસમાં આ સફળતા મેળવી હતી. તેમના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તેમના પિતા શિક્ષક હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ થયું હતું.
2012માં આપી પહેલીવાર પરીક્ષા
દેવ ચૌધરીએ બાડમેર કોલેજમાંથી જ B.Sc કર્યું. તેમણે નાની ઉંમરમાં જ આઈએએસ બનવાનું નક્કી કરી લીધું હતું. તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા પછી તરત જ યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. દેવ ચૌધરીએ વર્ષ 2012માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં તેમણે પ્રિલિમ્સ ક્લિયર કરી હતી, પરંતુ મેઈન્સમાં તેઓ બહાર થઈ ગયા હતા.
2013માં પ્રિલિમ્સની સાથે મેઇન્સ ક્લિયર કરી
તેમણે 2013માં ફરી પરીક્ષા આપી હતી. આ વખતે તેમણે પ્રિલિમ્સની સાથે મેઇન્સ ક્લિયર કરી. પરંતુ તેઓ ઈન્ટરવ્યુ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. પરંતુ આનાથી તેઓ નિરાશ ન થયા. તેમણે વર્ષ 2014માં ફરી એકવાર યુપીએસસીની પરીક્ષા આપી. આ વખતે પણ તેઓ IAS બની ન શક્યા.
ચોથા પ્રયાસમાં મળી સફળતા
દેવ ચૌધરીએ વર્ષ 2016માં તેમના ચોથા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. દેવ ચૌધરી હિન્દી મીડિયમના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, UPSCની તૈયારી દરમિયાન મારે હિન્દીના સ્ટાન્ડર્ડ સ્ટડી મટીરિયલ શોધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. આ કારણે મારે અંગ્રેજી પણ સારી રીતે શીખવું પડ્યું.
પિતા અને મિત્રોએ આપ્યો સાથ
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેઓએ જણાવ્યું કે, તેમના પિતા સુજનરામ શિક્ષક હતા. આ કારણે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો નથી. પરંતુ વારંવારની નિષ્ફળતાએ ચોક્કસપણે દરેકને નિરાશ કર્યા હતા. જોકે, પિતા અને મિત્રોએ તેમને હિંમત હારવા ન દીધી. દેવ ચૌધરી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. દેવ ચૌધરીએ દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરી હતી.
more article : IAS : ડોક્ટરની પ્રેક્ટિસ છોડી શરૂ કરી UPSCની તૈયારી, પહેલા જ પ્રયાસમાં ક્રેક કરી પરીક્ષા, બન્યા IAS ઓફિસર