Gujarat ની આ સંસ્થા સામે હાવર્ડ-કેમ્બ્રિજ યુનિવર્સિટી પણ ફીક્કી લાગે, જન્મકુંડળીથી બાળકોને આપે એડમિશન….
દેશમાં એક એવી શાળા છે જ્યાં કુંડળીના આધારે બાળકોનું એડમિશન થાય છે. આવી સ્કૂલનું ગૌરવ ગુજરાતે લેવા જેવું છે. કારણ કે, આવી શાળા Gujarat માં જ આવેલી છે. આ કોઈ શાળા નથી, પરંતુ ગુરુકુળ છે, જે ઋષિમુનિઓની પરંપરા પર ચાલે છે. અહીં જન્મ કુંડળીના સહારે વિદ્યાર્થીને પ્રવેશ મળે છે તેવું જાણીને કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં બાળક અભ્યાસ કરશે કે નહિ તે બાળકની જન્મ કુંડળી પરથી નક્કી કરવામાં આવે છે. બાળકની જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિના આધારે તેનામાં અભ્યાસ યોગ છે કે નહીં તે જોવામાં આવે છે.
પ્રાચીન શિક્ષા પ્રણાલીને જીવંત કરવાનો પ્રયાસ
એક સમય એવો હતો જ્યારે ભારતમાં શાળા કે કોલેજ એટલે ગુરુકુળ હતું. પરંતુ સમય જતા આ સ્થાન વિસરાયું. શિક્ષણ પ્રણાલી બદલાઈ. અને હવે તો પાશ્ચાત્ય શિક્ષણ ભારતીય માનસ પર હાવિ થઈ ગયું છે. ભારતીયોમાં પાશ્ચત્ય શિક્ષણ ઘર કરી ગયું છે. ત્યારે અમદાવાદની આ સંસ્થા આજે પણ બાળકોને ગુરુકુળ થકી જ્ઞાન આપે છે.
બાળકની જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિના આધારે તેનામાં અભ્યાસ યોગ છે કે નહીં તે જોવામાં આવે છે. સ્કૂલમાં પ્રવેશ માટે બાળકની કુંડળીમાં યશ અને કીર્તિના યોગ હોવા જરૂરી છે. સ્કુલના સંચાલક અકીલ ઉત્તમભાઈ શાહ જણાવે છે કે, જન્મ કુંડળીના આધારે પ્રવેશ આપવાની પાછળ પ્રાચીન શિક્ષા પ્રણાલી જે નષ્ટ થઈ છે તેને પુન: જીવિત કરવાનો છે.
આજથી અનેક વર્ષો પહેલા નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠમાં જે કળાઓ શીખવવામાં આવતી હતી, બાળકોને તે કળા શીખવવાનો આ સ્કૂલનો લક્ષ્ય છે. આ હેતુથી ફોર્મ સાથે બાળકની કુંડળી જોવામાં આવે છે અને 15 દિવસના ટ્રાયલ દરમિયાન બાળકની વાણી, વ્યવહાર, પ્રતિભા જોવામાં આવે છે. અમદાવાદની હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ માટે માત્ર એક ફોર્મ ભરવાનું રહે છે અને આ ફોર્મ સાથે બાળકના જન્મની કુંડળી જોડવી ફરજિયાત છે.
કેવી રીતે શરૂઆત થઈ
આ ગુરુકુલમનું શ્રેય તેના કુલપતિ ઉત્તમભાઈ શાહને જાય છે. જેમણે આધુનિક શિક્ષણ ફગાવીને ગુરુકુલ પ્રથાને જીવંત રાખવા આ પગલુ ભર્યું છે. ઉત્તમભાઈને નાનપણથી જ ગુરુકુળ શિક્ષણમાં રુચિ હતી. અમેરિકામા અભ્યાસ કરીને વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટર બનવુ તેમનુ સપનુ હતું. પરંતુ તેમના પિતાએ ડોક્ટર બનવાની ના પાડી. તેથી વ્યવસાયમાં જોડાયા. પરંતુ તેમને આજની શિક્ષણ પ્રણાલીમાં રસ ન હતો. તેથી તેઓએ સૌપ્રથમ પોતાના સંતાનોને શિક્ષણ ન આપવાનું નક્કી કર્યું. 25 વર્ષ પહેલા તેમનો પરિવાર સુરતના કીમ ગામમાં રહેતો હતો.
પોતાના 10 વર્ષા દીકરાને તેમણે નવસારીના ચંદ્રશેખર મહારાજના તપોવનમાં ભણવામાં મૂક્યો હતો. ત્યાંની શિક્ષણ પ્રણાલી તેમને ગમી ગઈ. અહીં તેમને હિતરુચિ મહારાજે કહ્યુ કે, આપણા શાસ્ત્રોમાં 64 વિદ્યા આપીલે છે, તેને ભણાવવી જોઈએ. બસ આ વાક્ય તેમના મગજમાં ઘર કરી ગયું. આ બાદ તેઓ અમદાવાદ આવ્યા અને પોતાના ભાઈના પરિવારના 11 બાળકોને લઈને તેમણે એક નાનકડા ફ્લેટમાં ગુરુકુલમ શરૂ કર્યું.
ધીરે ધીરે આ સફર વધવા લાગી. આજે ઉત્તમભાઈએ ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા વિશ્વસ્તરના તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છં. આજે તેમની આ સંસ્થામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગે છે. પરંતુ અહી માત્ર જન્મપત્રિકાના આધારે જ એડમિશન પ્રાપ્ત થાય છે. ઉત્તમભાઈ કહે છે કે, આપણા સંતાનોને આહાર, વિહાર, શાસ્ત્ર, સંગીત, આયુર્વેદ સહિતની તમામ વિદ્યામાં પારંગત કરાવવા જોઈએ. તેથી જ આ ગુરુકુલમમાં સંગીત, ન્યાય વિદ્યા, જ્યોતિષ, આયુર્વદે, કુસ્તી, મલખમ, યોગ, જુડો, કરાટે જેવી વિદ્યાઓ શીખવાડવામાં આવે છે.
આ ગુરુકુળાના છે પોતાના અલગ નિયમો
અમદાવાદનું સાબરમતી ગુરુકુલમ અદભૂત સંસ્થા છે. જ્યાં આજે 90 વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે. અહી બાળકોને 14 વિદ્યા અને 64 કલાનું જ્ઞાન આપવામાં આવે છે. ગુરુકુળની પોતાની ગૌશાળા છે. જ્યાં 60 ગાયો ઉછેરાય છે. અહી ગાયોનું ધારોષ્ણ દૂધ બાળકોને પીવડાવવામાં આવે છે. તો વલોણાનું ઘી ખવડાવવામાં આવે છે.
આ પણ વાંચો : Banaskantha : ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું
આયુર્વેદમાં માત્ર તલ અને સરસવના તેલને જ ખાદ્ય તેલ ગણવામાં આવ્યા છે, તેથી અહી માત્ર તલના તેલમાંથી રસોઈ બનાવાય છે. રસોઈ પણ ગેસના ચૂલા પર બને છે. અહી ભોજનમાં મીઠું નથી વપરાતું, પરંતુ સિંધાલૂણ વાપરવામાં આવે છે. રસોઈમાં વપરાતી તમામ વસ્તુઓ ઓર્ગેનિક જ હોય છે. ગુરુકુળમાં 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો હો છે, જેમાં ખાસ નક્ષત્રમાં વરસેલા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને આ જ પાણીનો વપરાશ કરવામાં આવે છે.
ગુરુકુલમના બાળકોને મળે છે અલગ જ્ઞાન
આ ગુરુકુળમાં શિક્ષણનું વ્યાપારીકરણ ક્યારેય જોવા મળતુ નથી. અહી શિક્ષણ સાવ નિશુલ્ક છે. ગુરુકુલમમાં ઝીણીમાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેથી બાળકોને ભારતીય કલાનું યોગ્ય જ્ઞાન મળી રહે. અહીં વિદ્યાર્થીઓ પણ તમને અર્જુન, કર્ણ જેવા હોય છે. અહીંના એક વિદ્યાર્થી તુષાર વિમલચંદ તલાવટને માત્ર 16 વર્ષની ઉંમરમાં વૈદિક ગણિતમાં વિશ્વ વિજેતાનો ખિતાબ મળ્યો છે. તે 19 દેશોના 1300 વિદ્યાર્થીઓને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. તેણ માત્ર 2.57 મિનિટમાં 70 સવાલોના જવાબ આપ્યા હતા.
કુંડળીમાં ખાસ યોગ હોવા જરૂરી છે
આ ગુરુકુળની ખાસ બાબત એ છે કે, અહીં ગ્રહોની સ્થિતિના આધાર પર એડમિશન થાય છે. અભ્યાસનો યોગ હોવા પર જ બાળકને એડમિશન મળે છે. આ શાળામાં ભણવા માટે કુંડળીમાં યશ અને કીર્તિનો યોગ હોવો જરૂરી છે. કુંડળીમાં અભ્યાસ, યશ અને કીર્તિનો યોગ હોય તો જ બાળકને એડમિશન મળી રહે છે. આ સ્કૂલનો કોઈ પાઠ્યક્રમ નથી, છતા અહીથી નીકળનારા બાળકો સુપર કીડ્સ સાબિત થાય છે.
15 દિવસના ટ્રાયલ પીરિયડના બેઝ પર એડમિશન થાય છે
ઉત્તમભાઈ શાહના દીકરા અખીલભાઈ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર છે. તેઓ જણાવે છે કે, અમારી પ્રવેશ પ્રક્રિયામાં બાળકોની પ્રતિભા ઓળખવા માટે કુંડળીના માધ્યમથી કરીએ છીએ. આ ઉપરાંત અમે 15 દિવસનો ટ્રાયલ પીરિયડ રાખીએ છીએ. આ 15 દિવસના ટ્રાયલમાં બધુ જ જોઈએ. કેટલાક બાળકોની પ્રતિભા અમે 15 દિવસમાં જોઈ શક્તા નથી તો કુંડળીના માધ્યમથી ગ્રહોની ચાલ મુજબ બાળકમાં કયા પ્રકારની પ્રતિભા છુપાયેલી છે તે જોઈએ છીએ. કુંડળીમાં કેટલાક યોગ એવા છે જે પ્રબળ યોગ બનવા પર બાળક આગળ જઈને મોટા લેવલ પર પહોંચે છે. દરેક બાળકમાં કોઈ પ્રતિભા છે. પરંતુ વિશેષ રૂપથી શું હોઈ શકે તે કુંડળીમાં શોધીએ છીએ.
કુંડળીમાં શું જોવામાં આવે છે
તેઓ કુંડળીના મહત્વ વિશે જણાવે છે, કુંડળીમાં 12 સ્થાન હોય છે. તેમાં ચતુર્થ સ્થાન વિદ્યાનું સ્થાન કહેવાય છે. પંચમ સ્થાન બુદ્ધિનું હોય છે. કુંડળીમાં ચોથું અને પાંચમું સ્થાન પ્રબળ હોય છે છે, અને ગુરુ અને બુધ ગ્રહ એ વિદ્યાના કારક ગ્રહો છે. શુભ સંબંધ હોય બાળકને વિદ્યાવાન અને કલાવાન બનાવે છે. સાથે અમે યશ કીર્તિનો યોગ પણ જોઈએ છીએ. તેનાથી બાળક ખ્યાતિપ્રાપ્ત બને છે. આવા અનેક લોકો છે, જેઓ વિદ્યાવાન અને પ્રતિભાવાન છે, પરંતુ ગામના કોઈ ખૂણામાં રહે છે, પરંતુ તેમને કોઈ ઓળખતુ નથી. તેથી અમે વિદ્યા સાથે યશ કીર્તિના યોગ પણ જોઈએ છીએ. કુંડળીમાં અમે પ્રતિભા શોધીએ છીએ.
પ્રાચીન ભારતની ઝલક આ ગુરુકુળમાં જોવા મળે છે. અહીં કોઈ ફિક્સ સિલેબસ નથી. પરંતુ તમામ બાળકોને સર્વગુણ સંપન્ન બનાવવાનો પ્રયાસ કરાય છે. ન માત્ર વિદ્યાભાસ, પંરતુ અન્ય વિદ્યા જેમ કે, ખાવાનું, સંસ્કૃત, ઘોડેસવારી, વૈદિક ગણિત જેવી કલા શીખવાડવામાં આવે છે. અહીંના વિદ્યાર્થીઓ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી કે શાળાના બાળકો સાથે સ્પર્ધામાં ઉતરી શકે છે એટલા નિષ્ણાત હોય છે. સ્કુલની વેબસાઈટના હોમ પેજ પર સ્પષ્ટ લખ્યું છે કે, ‘અનર્થકારી આધુનિક શિક્ષા કા પ્રભાવશાળી વિકલ્પ…’
more article :Gujarat નું ગૌરવ ,આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ