‘ભગવાન મને સપનામાં આવી બધું કહી જાય છે’6 વર્ષે ‘વિદ્વાન’ બનેલા આર્યન ભગતનું અંગત જીવન કેવું છે ? પહેલીવાર પિતાએ જણાવી દીકરાના અધ્યાત્મ પાછળની અજાણી વાતો
એ સમયે ગઢડામાં એક કથાનું આયોજન થયું હતું. સાળંગપુરથી સંત હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા કથા કરવા માટે આવ્યા હતા, એટલે આસપાસના વિસ્તારમાંથી સેંકડો લોકોની ભીડ જામી ગઈ હતી. આ જ ભીડમાં એક પિતા તેમના બે વર્ષના દીકરાને લઈને આવા અધ્યાત્મના અવસરના સાક્ષી બનવા માટે ગયા હતા અને અચાનક કંઈક એવું થયું કે એ બે વર્ષના બાળકના જીવનનો ધ્યેય બદલાઈ ગયો.
આ બે વર્ષનું બાળક એટલે આજના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં લોકચાહનોનો વરસાદ અનુભવતો, પોતાના કોમળ અવાજમાં ધર્મ અને જીવનનો મર્મ સમજાવતો, સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મેળવનાર આર્યન ભગત.
છેલ્લા કેટલાય સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલાં આર્યન ભગત અને તેના પિતા મહેન્દ્રભાઈ ધરજીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. એ ઘટના શું હતી જેનાથી આર્યન ભગતના જીવનમાં અચાનક પરિવર્તન આવ્યું?, આર્યનને સૌથી અનોખી છટામાં ધર્મ વિશે જાહેર મંચ પર બોલતા કોણે શિખવ્યું? એક રીતે જાહેર જીવન જીવતા આર્યન ભગતનું અંગત જીવન કેવું છે?, દીકરો હજારો લોકોની સામે સત્સંગ કરે ત્યારે પિતાની લાગણી કેવી હોય છે?, આ ઉપરાંત આર્યનની દિનચર્યાથી લઈને ભણતર અને ભવિષ્યના આયોજન અંગેના સવાલોના જવાબ આપ્યા હતા.
‘સ્વામીજીએ કાગળ પર કંઈક લખીને આપ્યું’
ગઢડામાં જ્યારે કથાનું આયોજન થયું હતું, એ સમયે આર્યનની ઉંમર માંડ બે વર્ષની હતી. આર્યન હજુ તો બોલતા જ શિખ્યો હતો. પરંતુ સંજોગો એવા ઊભા થયા કે તે હરિપ્રસાદ સ્વામીની નજરમાં આવી ગયો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા આર્યનના પિતાએ જણાવ્યું કે, ‘શરૂઆતમાં તો અમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ન હતા. પરંતુ આર્યનના જન્મના દોઢ વર્ષ બાદ અમે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા. થોડા સમયમાં જ અમને ઘણા સંકેતો મળવા લાગ્યા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષણ વધતુ ગયું. આ ઘટના એ સમયની છે, જ્યારે આર્યનની ઉંમર બે વર્ષની હતી. ત્યારે અમે ગઢડા મંદિરે જતા હતા અને પાંચ વખત આરતી કરતા હતા.
એ સમયે સંત હરિપ્રસાદ સ્વામી કથા કરવા માટે આવ્યા હતા. કદાચ ગોપીનાથજી મહારાજની કૃપા જ કહી શકાય કે અમે પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમણે અમને કહ્યું કે આ બાળકમાં કંઈક ખાસ છે. એ દિવસે હરિપ્રકાશ સ્વામીએ આર્યનને કાગળ પર કંઈક લખીને આપ્યું હતું અને કહ્યું કે તારે આટલું બોલવાનું છે. થોડા જ સમયમાં આર્યને કાગળ પર જે લખાણ લખ્યું હતું, તેને યાદ કરીને બોલી ગયો અને ત્યારથી આર્યનની યાત્રા શરૂ થઈ. આજે પણ આર્યન ભગત જે સ્થિતિમાં છે, તેની પાછળ હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે.’
આ જ ઘટના આર્યન ભગતને આજે પણ યાદ છે. દિવ્ય ભાસ્કર સમક્ષ આ કિસ્સો યાદ કરતા આર્યન ભગતે જણાવ્યું કે, ‘મારી ગુરુજી સાથે ગુરુપૂર્ણિમાના દિવસે જ મુલાકાત થઈ હતી. એમણે કહ્યું, તારે સાળંગપુરમાં હનુમાનજીની સેવા કરવાની છે અને બધા લોકોને સત્સંગ આપવાનું છે.’
આર્યન ધરાજિયાથી આર્યન ભગત બનવાની કહાની
ચારેક વર્ષ પહેલાં બનેલી આ ઘટના બાદ આર્યન ધરાજિયાનો અધ્યાત્મ પ્રત્યેનો લગાવ વધતો ગયો. ધીરે ધીરે આર્યનની ધર્મ પ્રત્યેની સમજ પણ વધવા લાગી કારણકે તે કલાકોના કલાકો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે રહેતો હતો.
કોઈ પણ મુદ્દાને સાંભળવાની, સમજવાની અને ત્યાર બાદ એ મુદ્દે સુવ્યવસ્થિત રીતે વક્તવ્ય આપવાની આર્યનને સમજણ મળવા લાગી અને આવી સંગતની અસરને કારણે જ આર્યન ધરાજીયા નામની ઓળખ સમજદારીપૂર્વક સત્સંગ આપનાર આર્યન ભગત તરીકેની બની ગઈ અને શરૂ થયો જીવનનો સૌથી નવો પડાવ. આજે આર્યન ભગતને તેમના પિતા પણ ભગતજી કહીને બોલાવે છે.
આર્યનના શબ્દો લોકોમાં જોશ ભરી દે છે
આજના સમયમાં આર્યન ભગતને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અનેક સામાજિક સંસ્થાઓ જ્યારે કોઈ સત્કાર્ય માટે ડાયરાનું આયોજન કરે, કોઈ જગ્યાએ સત્સંગ હોય, ગુજરાતના ખ્યાતનામ કથાકારો કથા હોય તો આર્યન ભગતને જરૂરથી આમંત્રણ આપવામાં આવે છે. જેમાં આર્યન ભગતની થોડા સમયની હાજરી અને 10થી 20 મિનિટનું પ્રવચન લોકોમાં એક નવો જોશ અને ઉત્સાહ ભરી દે છે.
આર્યને જણાવ્યું, ખ્યાતનામ કલાકાર, કથાકાર તેમને શું કહે છે
આર્યન ભગતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ‘અત્યારસુધીમાં મેં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, દેવાયત ખવડ, મોરારિબાપુ, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતના ઘણા મહાનુભાવો સાથે સ્ટેજ પર હાજરી આપી છે.’ દિવ્ય ભાસ્કરે જ્યારે આર્યનને પૂછ્યું કે, તમારે સ્ટેજ પર કલાકારો કે કથાકાર સાથે શું વાતચીત થતી હોય છે, તો આર્યન ભગતે જણાવ્યું, ‘એ લોકો મને કહે છે કે આર્યન તમે તો ખૂબ મોટા વ્યક્તિ બની ગયા છો. એટલે હું કહું છે કે ભગવાનની કૃપાથી હું આગળ વધી રહ્યો છું. મારા પર ભગવાનની કૃપા ન હોત તો આવું બધુ શક્ય ન હતું. આજે હું જે બધુ બોલી રહ્યો છું.
જે પણ શિખુ છું એ મારા ગુરુ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીની કૃપા છે. જેમની પાસેથી મે આ બધી વિદ્યા પ્રાપ્ત કરી છે. મારે મહિનામાં વિસેક દિવસનો અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમોમાં હાજરી આપવીની હોય જ છે. ઘણીવાર તો એવું પણ થાય છે કે આરામ કરવાનો પણ સમય મળતો નથી.’
આર્યનના કાર્યક્રમની ફી બાબતે પિતાએ શું કહ્યું?
આર્યન ભગતના પિતાનું કહેવું છે કે, ‘હું ક્યારેય આર્યન સાથે સ્ટેજ પર જતો નથી. હું એક બાજુ ખુણામાં બેસી જાઉં છું. અમારા પર હરિપ્રસાદ સ્વામીની કૃપા છે એટલે એમની આજ્ઞામાં રહીને અમે કામ કરીએ છીએ. અત્યારે સુધી અમે કોઈ પણ જગ્યાએથી આર્યન ભગતની હાજરી કે કાર્યક્રમ બદલ ફી લીધી નથી. જે પણ કાર્યક્રમમાં આમંત્રણ મળે, ભલે પછી એ નાના હોય કે મોટા, અમારા માટે શક્ય હોય એટલા બધા પ્રસંગમાં અમે જઈએ છીએ. કોઈ ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ હોય, કોઈ આશ્રમ બનતો હોય તે માટે કાર્યક્રમ થતો હોય, કે પછી કથા મારફતે કોઈને લાભ થતો હોય તો એવા કાર્યક્રમોમાં અમે જઈએ છીએ.
અમે એ બાબતે વધારે ઉંડા ઉતરતા નથી, કોઈ જગ્યાએ ભગતજી (આર્યન ભગત) જવાની હા પાડે તો અમે લઈને જતા રહીએ છીએ. હાલના સમયમાં તો ગામડે-ગામડે કથા થઈ રહી છે. એટલે ભગતજી ઘરે સમય નથી આપતા એટલો બહાર સમય આપે છે. અમને એ વાતની ખુશી છે કે તેમની પાછળ અન્ય નાના છોકરાઓને પણ પ્રેરણા મળે છે. એટલે અમે પણ આ બાબતે તેમને રોક-ટોક નથી કરતા.’
આર્યનને મોટા થઈને શું બનવું છે?
આમ તો આર્યનની ઉંમર ભલે છ વર્ષની હોય પરંતુ જાહેર મંચથી ઘણી વખત ખૂબ ગંભીર વાત એકદમ સરળતાથી કહી દે છે. એટલે દિવ્ય ભાસ્કરે આર્યનને પૂછ્યું કે તમારે મોટા થઈને શું બનવાની ઈચ્છા છે?
આ સવાલનો ખૂબ જ ધૈર્ય પૂર્વક જવાબ આપતા આર્યને કહ્યું કે, ‘મારી ઈચ્છા મોટા થઈને સાધુ બનવાની છે. હું અત્યારથી જ કહેતો હોઉં છું કે લોકોએ ભક્તિ કરવી જોઈએ અને વ્યસન છોડી દેવું જોઈએ. તમારા માટે નહીં પરંતુ તમારા પરિવાર માટે વ્યસન છોડી દેવું જોઈએ.’
દીકરાના ભવિષ્ય અંગે પિતા શું વિચારે છે?
આર્યનના ભવિષ્ય અંગે તેમના પિતાને સવાલ કર્યો તો તેમણે જણાવ્યું કે, ‘અમે આર્યન ભગતને બધી જ છૂટ આપી છે, સંસારમાં રહેવું હોય તોપણ વાંધો નથી. અમે તેમને ધર્મના કામે મૂક્યા છે. અમે એવું નથી કહ્યું કે તમે ઘરે રહો કે બહાર રહો કે સંત બનો. તમને જે પણ ઈચ્છા થાય એમ કરવાની છૂટ છે.’
આર્યનનું બાળપણ અન્ય બાળકો કરતાં અલગ છે!
પહેલા ધોરણમાં ભણતા આર્યનનાં અન્ય બાળકોની જેમ મિત્રો પણ છે. જો કે અન્ય બાળકોની કરતા આર્યનનું ધ્યાન રમત-ગમત તેમજ ગેજેટ્સમાં ખૂબ ઓછું છે. આર્યન પાસે મોબાઈલ છે પરંતુ તેમનું કહેવું છે કે, ‘હું મોબાઈલ કે ટીવી પર ભગવાનની ભક્તિના કાર્યક્રમ અને ગુરુજીની કથા જ જોઉં છું. અન્ય કોઈ બાબતમાં મને રસ નથી પડતો.’ આર્યનની આ જ વાતને આગળ વધરતા તેમના પિતા મહેન્દ્રભાઈએ કહ્યું કે, ‘હરિપ્રકાશ અથાણાવાળા તેમના ગુરુ છે, તેમણે જ આર્યન ભગતને વાક છટા શિખવાડી છે. જ્યારે પણ સમય મળે ત્યારે કાર્ટૂન કે અન્ય વીડિયો જોવાને બદલે આર્યન ભગત યુટ્યૂબ પર ધાર્મિક વીડિયો જુઓ છે, આ ઉપરાંત તેમના ગુરુ હરિપ્રકાશ સ્વામી સાથે જ રહેતા હોય છે.’
સવારે 5 વાગે ઊઠવાનું, દોઢ-બે કલાક પૂજાપાઠ, હવન
જો કે અન્ય બાળકોની માફત આર્યન ભગતની દિનચર્યા સામાન્ય રહેતી નથી. આર્યનના પિતાએ આપેલી માહિતી મુજબ દરરોજ સવારે 5 વાગ્યા પહેલા આર્યન ભગત ઉઠી જાય છે. સવારમાં નાહી-ધોઈને તરત જ પૂજાપાઠ કરે છે, જે દોઢથી બે કલાક સુધી ચાલે છે. ત્યાર બાદ દરરોજ હવન કરવામાં આવે છે. હવન પછી તે ભોજન લે છે, ત્યાર બાદ સ્કૂલનું હોમવર્ક કરે છે. સાડા અગિયાર વાગ્યે આર્યન ભગત શાળાએ જતા રહે છે, જ્યાંથી સાંજના 6 વાગે ઘરે આવે છે. 6 વાગ્યે આવ્યા બાદ ફરીથી ઠાકોરજીની સેવાપૂજા કરે છે. જો રજાનો દિવસ હોય તો સતત આખો દિવસ બાળ ગોપાલ, સ્વામીનારાયણ ભગવાન અને ગુરુ હરિપ્રકાશસ્વામીનું રટણ કરે છે. આર્યનના કેટલાક મિત્રો પણ અમારા ઘરે આવે છે, ત્યારે પણ તેઓ ધૂન-કિર્તન કરે છે.
આર્યનને શાળામાંથી આ ખાસ બાબતે છૂટ મળી છે
આર્યન ભગત બોટાદમાં જિનિયસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણે છે. આર્યનના પિતાએ કહ્યું કે, ‘દોઢ વર્ષની ઉંમર પછી આર્યન ભગતે પેન્ટ-શર્ટ પહેર્યા નથી, તેઓ સાધુની માફત કેસરીયો જ ધારણ કરી લીધો છે. એટલે જ્યારે અમે તેમને ભણવા માટે બેસાડ્યા ત્યારે શાળામાં આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે શાળા તરફથી કહેવામાં આવ્યું કે અમને કોઈ વાંધો નથી, આર્યન ભગત તે ઈચ્છે એવા કપડામાં આવી શકે છે.’ આ મુદ્દે આર્યને કહ્યું, ‘હું સ્કૂલમાં આવા જ વસ્ત્ર પહેરીના જાઉ છું. મારા પર ભગવાનની જ એવી કૃપા થઈ કે શાળામાંથી મને કહેવામાં આવ્યું કે તમે યુનિફોર્મ પહેરીને ન આવતા.’
હાલના સમયે આર્યન બુટ-ચપ્પલ પહેરવાને બદલે ચાખડી પહેરે છે. આર્યને આશ્ચર્યજનક રીતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘મને ભગવાને જે સુઝાડ્યું એ રીતે કામ હું કરુ છું. મને બૂટ કે ચપ્પલ પહેરવાની ઈચ્છા જ નથી થતી, મને ચાખડી પહેરવી ગમે છે એટલે હું એ પહેરું છું.’
આર્યનના વર્ગખંડનો શું માહોલ હોય છે?
આર્યન ભગતને સ્કૂલ તેમજ મિત્રે અંગે સવાલ કર્યો તો કહ્યું, ‘જ્યારે શિક્ષક વર્ગખંડમાં ન હોય ત્યારે હું ભગવાને ક્યાં અને કેવા ચમત્કાર કર્યા હતા તેની વાતો કરવા માંડુ છું. મારા મિત્રો મારી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. હું જ્યારે ભગવાનના ચમત્કારની વાતો કરું ત્યારે શિક્ષક મને આર્યન ભગત કહે છે, પરંતુ જ્યારે ભણાવતા હોય ત્યારે ફક્ત આર્યન કહીને બોલાવે છે.’
દિવ્ય ભાસ્કરે સાથે વાત કરતા આર્યન ભગતે ઘણા દાવા કર્યા, જેમાં તેમણે કહ્યું કે, ‘મને સપનામાં જ ભગવાન દર્શન આપીને કહી જાય કે તારે આજે દિવસની આવી રીતે શરૂઆત કરવાની, એટલે હું એ રીતે શરૂઆત કરું છું.’
‘લોકો મહેણાં મારે છે’ એ બાબતે આર્યનના પિતાએ શું કહ્યું?
આર્યન ભગતની ઉંમર, તેની દિનચર્યા તેમજ ધર્મ પ્રત્યેનો લગાવને જોતાં સ્વાભાવિક છે કે કેટલાક લોકોના મનમાં સવાલ ઊભો થતો હોય કે એક બાળકને રમવાની ઉંમરે આવી રીતે અધ્યાત્મ તરફ વધુ પડતો આગળ વધારવું કેટલું યોગ્ય છે?, આ જ મુદ્દે જ્યારે દિવ્ય ભાસ્કરે પણ આર્યન ભગતના પિતાને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, ‘હા… લોકો તરફથી ઘણા ઇશ્યુ આવે છે કે છોકરાને આટલી ઉંમરે આધ્યાત્મ તરફ કેમ વાળી દીધો, હજુ તો રમવાની ઉંમર છે, પરંતુ અમે એ તરફ ધ્યાન નથી આપતા. કારણકે આપણે સાચા માર્ગે ચાલીએ છીએ એટલે આવા બધા પ્રશ્નો તો ઉઠવાના જ છે. અમને ભગવાનમાં શ્રદ્ધા છે અને ગુરુજીની કૃપા છે એટલે વિશ્વાસ છે કે કોઈ મુશ્કેલી નહીં આવે. ગુરુજીએ જે કહ્યું એ ભગતે અપેક્ષા મુજબ કરી દીધું, એટલે એ કૃપાથી જ અમે આ જગ્યાએ પહોંચ્યા છીએ. આજે જે પણ પ્રસિદ્ધિ મળી છે, લોકચાહના મળી રહી છે, તેની પાછળ હરિપ્રસાદ સ્વામીની જ કૃપા છે.’
આર્યનના પિતાએ અન્ય માતા-પિતાને શું અપીલ કરી
મહેન્દ્રભાઈએ કહ્યું કે, ‘તમારા બાળકને ભગવાને જે પણ આપ્યુ છે, તેના માટે છૂટછાટ આપો. કોઈ સારા કામ માટે તેને રોકો નહીં. જો સત્યના માર્ગે જાય તો તેને સહકાર આપવો જ જોઈએ. એવી મારી ભલામણ છે.’
ઘણા નેતા, આગેવાનો સાથે આર્યનની મુલાકાત થઈ ચૂકી છે
આર્યન ભગતે નજીકના ભૂતકાળમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, એ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમજ ઘણા ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ જાહેર કાર્યક્રમોમાં આર્યન ભગતને મળી ચુક્યા છે. આર્યનના પિતાએ જણાવ્યું, ‘થોડા સમય પહેલાં જ હરિપ્રસાદ સ્વામી સાથે વાત થઈ છે અને અમે આવનારા દિવસોમાં જ વડાપ્રધાન મોદીને મળવા માટે દિલ્હી જવાના છીએ.’