અમદાવાદમાં કડિયા કામ કરતાં વ્યક્તિની દિકરી ધોરણ-૧૦ માં ૯૭.૭૭% લાવી, દિવસ-રાત મહેનત કરીને દિકરીએ ગુજરાતમાં પોતાના માં-બાપનું નામ રોશન કર્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જીએસઈબી ૧૦ નું પરિણામ ૨૦૨૩ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યનાં અમદાવાદમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ ૯૭.૭૭% મેળવીને પોતાનાં માતા-પિતાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે દિકરીએ બે રૂમના મકાનમાં રહીને સખત મહેનત કરી સારું પરિણામ મેળવ્યુ છે.
હવે આ દિકરી યુપીએસસી પાસ કરીને સાયન્સ ગ્રુપ લઈને ડોક્ટર બનવા માંગે છે. હર્ષિતા સાંકરિયા અમદાવાદ શહેરનાં વસ્ત્રાલ વિસ્તારમાં પોતાનાં માતા-પિતા સાથે રહે છે. હર્ષિતા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તેની માતા ઘર કામ કરે છે જ્યારે તેના પિતા કડિયાનું કામ કરે છે. હર્ષિતાનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. માતા-પિતાએ તેમની પુત્રીને શિક્ષિત કરવામાં કોઈ કસર છોડી નથી.
હર્ષિતા પણ બે રૂમના ઘરમાં મોટી થઈ છે. અભ્યાસ દરમિયાન તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રિત કરીને આજે સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ ૧૦ નું પરિણામ ૬૪.૬૨ ટકા આવ્યું છે. જો ગુજરાત રાજ્યનાં વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધુ ૭૬.૪૫ ટકા પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે.
જ્યારે સૌથી ઓછું ૪૦.૭૫ ટકા પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. અમદાવાદ શહેરનું ૬૪.૧૮ ટકા પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૬૫.૨૨ ટકા, રાજકોટ જિલ્લાનું પરિણામ ૭૨.૭૪ ટકા આવ્યું છે. વડોદરા જિલ્લાનું પરિણામ ૬૨.૨૪ ટકા, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૯૨ ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે સૌથી ઓછું ૧૧.૯૪ ટકા પરિણામ નર્મદાનાં ઉતાવળી સેન્ટરનું આવ્યું છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨ કરતાં આ વર્ષે ૦.૫૬ ટકા ઓછું પરિણામ આવ્યું છે. તમે WWW GSEB.ORG પર ધોરણ ૧૦ નું પરિણામ ચેક કરી શકો છો. ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ૭ લાખ ૪૧ હજાર ૪૧૧ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં, જેમાંથી ૭ લાખ ૩૪ હજાર ૮૯૮ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં.