Gujarat : 64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં
Gujarat : ગૌરવવંતા ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ…મુંબઈથી અલગ થયા બાદ પહેલી મે 1960માં થઈ હતી સ્થાપના..અલગ રાજ્ય માટે અનેક મહાપુરુષોએ 4 વર્ષ સુધી ચલાવી હતી મહાગુજરાતની ચળવળ.
Gujarat : આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. આ 64 વર્ષમાં ગુજરાતે અનેક ચડતી પડતીઓ જોઈ છે. અને પોતાની મહેનતથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. પહેલી મે, 1960 ના રોજ દ્વિભાષી મુંબઈમાંથી આપણું ગુજરાત અલગ થયું હતું. આપણને અલગ ગુજરાત મળ્યું એનાં ચાર વર્ષ સુધી ઈન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાપુરુષોએ અલગ ગુજરાત માટે લડત ચલાવી હતી.
Gujarat : ત્યારે છેક આપણને અલગ ગુજરાત મળ્યું. અલગ રાજ્યની રચના પછી અનેક દુષ્કાળ જોયા, મોરબીની મચ્છુ હોનારત જોઈ, કચ્છનો ભૂકંપ જોયો અને તોફાનો પણ જોયાં. પરંતુ ગુજરાતીઓના બુલંદ ઈરાદા સામે ગુજરાત અડગ રહ્યું. આપણું ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને હવે મોડલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે.
Gujarat : એટલું જ નહીં હવે તો દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં છે ત્યારે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ ગુજરાતીઓને ઝી 24 કલાક તરફથી ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે જ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતના નાગરિકોને આ દિવ્ય દિવસની શુભકામનાઓ પાઠવી છે.
પીએમ મોદી ગુજરાત સ્થાપના દિન નિમિત્ત ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!
આ પણ વાંચો : HEALTH TIPS : ઉનાળામાં તરબૂચ કરતા પણ બેસ્ટ છે આ ફળ, ગરમીમાં શરીર માટે કહેવાય છે ‘અમૃતફળ’..
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભકામનાઓ
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના. ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે.
આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.
અમિત શાહની શુભકામનાઓ
ગુજરાત સ્થાપના દિને દેશના ગુહમંત્રી અમિત શાહે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું કે, સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.
આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. સ્થાપના દિવસ પર ગુજરાતની બહેનો અને ભાઈઓની સર્વોચ્ચ પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભકામનાઓ વ્યક્ત કરું છું.