ગોંડલ ના રાજવી પરિવાર પાસે છે અદભુત જૂની કાર નો ખજાનો… જુઓ તસવીરો
લક્ઝુરીયસ કારનો શોખ કોને ન હોય? ગુજરાતમાં નાના બિઝનેસમેનોથી માંડીને રાજવી પરિવારના લોકોમાં વિન્ટેજ અને લક્ઝુરીયસ કારનો શોખ જાણીતો છે. આજના યુવાનોને પણ લક્ઝુરીયસ કારનો જબરો ચસ્કો હોય છે. એવી જ રીતે એક સમયમાં રાજા-મહારાજાઓએ ઉપયોગમાં લીધેલી ઘણી કારો આજે વિન્ટેજની કેટેગરીમાં આવે છે.
ગોંડલના રાજવી પરિવારનો વિન્ટેજ અને ક્લાસિક કારનું કલેક્શન દુનિયાભરમાં જાણીતુ છે. પહેલાથી કાર રેસનો શોખ ધરાવતા ગોંડલ સ્ટેટના રાજવીઓ અનેક વિશ્વકક્ષાની રેસોમાં મેડલો મેળવી ચુક્યાં છે. ગોંડલના યુવરાજ સાહેબ હિમાંશુસિંહજીને પણ પોતાના વડવાઓની જેમ ક્લાસિક અને વિન્ટેજ કારનો જબરો શોખ છે. હાલ તેની પાસે 1907થી માંડીને આજના લેટેસ્ટ મોડેલની આશરે 60 જેટલી કારનો કાફલો છે.
ગોંડલના રાજવી પરિવારનું કાર કલેક્શન દેશ-વિદેશમાં જાણીતુ છે. રાજવી પરિવારના કાર કલેક્શનમાં વર્ષ 1907થી માંડીને આજના સમયના લેટેસ્ટ મોડેલ સામેલ છે. જેમાં મર્સિડિઝ, રોલ્સ રોય્સ, ગ્લેમ્બલર, બેલાશ, કેડીલક્સ, લીમો કેટીલક્સ, ફોર્મ્યુલા રેસીંગકાર સહિતની 60 જેટલી કારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વર્ષ 1958ની જર્મનીની 300SL પણ ચાલુ કન્ડીશનમાં છે. સાથોસાથ ગોંડલના રાજવી પરિવારની કેટલીક કારો હિન્દી ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે.ગોંડલ યુવરાજ હિમાંશુસિંહજીએ ફ્રાંસ ખાતે યોજાયેલી મર્સિડિઝ કાર રેસમાં પ્રથમ નંબરે જીત મેળવી હતી. ગોંડલ સ્ટેટ સમયનો રોયલ રેલવેનો એક કોચ પણ લોકો માટે પેલેસમાં રાખવામાં આવ્યો છે.
દિલ્હીમાં વર્ષ 2015માં વિશ્વ કક્ષાની અને રોયલ ગણાતી વિન્ટેજ કારની પાંચમી ઇન્ટરનેશનલ વિન્ટેજ કાર રેલી અને કોન્કોરસ શો-2015નું લાલ કિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં વિશ્વભરની અનેક વિન્ટેજકારના માલિકોએ ભાગ લીધો હતો.
આ રેલીમાં ગોંડલના રાજવી પરિવારની બે વિન્ટેજ કાર પ્રથમ ક્રમે આવી હતી અને ગોંડલના રાજવીને ટ્રોફી આપી તેમને નવાજવામાં આવ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી વિન્ટેજ કાર રેલીમાં ગોંડલની 1955નું મોડલ ગણાતી કેડોલેક લીમોજીન પ્રથમ ક્રમે આવી હતી.
તો લાલકિલ્લાથી ગુડગાંવ સુધીની રેલીમાં 1960નું મોડલ બ્યુક ઇલેક્ટ્રા પણ પ્રથમ ક્રમાંકે આવી હતી. ગોંડલના હાલના રાજવી જ્યોતિન્દ્રસિંહ પાસે 35 વિન્ટેજ કારનું કલેક્શન છે. મહારાજાનો વારસો નિભાવતા યુવરાજ હિમાંશુસિંહ પણ વિશ્વકક્ષાની વિન્ટેજ કાર રેલીમાં વિજેતા થયા છે.
સ્વીડનના બર્ફિલા મેદાનમાં 170 કિમીની ઝડપે દોડી રહેલી રેસિંગ કારને જોઇ ત્યાં હાજર લોકો જોતાં રહી ગયા. આ કાર દોડાવનાર હતા ગોંડલના યુવરાજ, વર્ષ 2018માં વોલ ઓફ ફ્રેમ નોંધાવનાર યુવરાજ હિમાંશુસિંહજીએ ભારતનું ગૌરવ વધાર્યું હતું. એન્ટિક કાર કલેક્શન માટે જાણીતા અને વિશ્વની કાર રેસમાં અનેક મેડલ, ટ્રોફી મેળવનાર ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહે સ્વીડનના બર્ફિલા મેદાન પર 170 કિમીની ઝડપે પ્રથમ ભારતીય તરીકે કાર દોડાવી વોલ ઓફ ફેમમાં એન્ટ્રી મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ હતું.
સ્વીડનમાં પ્રતિ વર્ષે આર્ટિક સર્કલ પાસે માઇનસ 40 ડિગ્રીમાં બરફ પર તેજ ગતિમાં કાર દોડાવવા માટે દેશ-વિદેશમાંથી કાર ચાલકો ભાગ લે છે. આ સ્પર્ધામાં સર્વોચ્ચ અને નોંધપાત્ર દેખાવ કરનાર કારચાલકને નામ વિશ્વની વોલ ઓફ ફ્રેમમાં અંકિત કરવામાં આવે છે.ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહ વર્ષ 2018માં સૌથી ઝડપી ગતિ 170 કિમીની ઝડપે કાર ચલાવનાર પ્રથમ ભારતીય તરીકે વોલ ઓફ ફેમમાં નામ અંકિત કરાવી સિદ્ધિ હાંસલ કરી હતી.તેઓએ સ્વીડનમાં બર્ફિલા મેદાન પર E ક્લાસ 63 મર્સિડિઝ કાર સડસડાટ દોડાવી સૌને અચંબિત કરી નાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગોંડના રાજવી પરિવાર પાસે વિન્ટેજ કારનો અદ્વિતિય અને અલભ્ય સંગ્રહ આજે ચાહકો જોવા આવે છે.યુવરાજ હિમાંશુસિંહના પિતા મહારાજા જ્યોતિન્દ્રસિંહે પણ અનેક કાર રેસ સ્પર્ધામાં સિદ્ધિઓ મેળવી છે, ત્યારે યુવરાજે પણ આ સિદ્ધિ બદલ ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યુ છે.આ સિદ્ધિ બદલ યુવરાજને દેશ-વિદેશમાંથી પણ શુભેચ્છાઓ મળી રહી છે.આજે પણ ગોંડલના રાજવી પરિવાર પાસે મહારાજા ભગવતસિંહજીના રાજવી કાળથી લઇને અત્યાર સુધીની એન્ટીક ચીજવસ્તુઓનો ઐતિહાસિક સંગ્રહ મ્યુઝિયમના મહેલમાં લોકો જોવા માટે આવે છે.