માતાજીની રમેલથી શરૂ કરીને આજે કરોડો રૂપિયાના પ્રોગ્રામ સુધી ગમન સાંથલની અદ્ભુત સફર…
આપણા ગુજરાતમાં હાલના સમયમાં ગુજરાતી કલાકારની લોકપ્રિયતા બૉલીવુડના હીરો હીરોઇન જેવી જ છે. ભલે પછી તે કિંજલ દવે હોય ગીતાબેન રબારી હોય કે કિર્તીદાન ગઢવી કે માયાભાઇ આહીર હોય.
આ જ કલાકારની સૂચિમાં એક નામ “ગમન સાંથલ” પણ છે જે ગુજરાતમાં ભુવાજી નામથી ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યા હશે.
થોડા વર્ષો પેહલા યુવાનો હિન્દી ગીત સાંભળતા પણ હવેના આ નવા કલાકારોના લીધે યુવાનો પણ આપણા ગુજરાતી ગીત સાંભળતા થયા છે. અને આ બદલાવ લાવામા ભુવાજીનો એક મોટો હાથ છે, ભુવાજીના ગીત આવતા જ સોશિઅલ મીડિયામાં વાયરલ થઇ જાય છે તેમજ યુવાનો આ ગીતને વારંવાર સાંભળે પણ છે.
ગમન સાંથલનું મૂળ નામ ગમન રબારી છે. ગમનના ગામનું નામ સાંથલ છે. ભુવાજીને એવું હતું કે મારૂ ગામ મારા નામથી અને હું મારા ગામના નામથી ઓળખાવ તેથી તેણે પોતાનું નામ ગમન સાંથલ રાખ્યું હતું. અને હવે આ નામ દેશ વિદેશમાં પ્રખ્યાત થઇ ચૂક્યું છે.
ગમન સાંથલના જીવન વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. ઘણા લોકો નથી ખબર કે ભુવાજી આ મુકામ પર કેવી રીતે પહોંચ્યા. તો આવો તમને જણાવી દઈએ કે ગમન સાંથલએ ગાવાની શરૂઆત પોતાની સ્કુલ છોડીને કરી હતી. ભુવાજીએ ઘરની પરિસ્થિતિના લીધે 8 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો.
ભુવાજીએ ગાવાની શરૂઆત રમેલ(માતાજી નો માંડવો)થી કરી હતી. રમેલની અંદર ભુવાજી રેગડી કરતા હતા ત્યારે લોકો તેને કહ્યું હતું કે તારો અવાજ સારો છે. ત્યારબાદ ધીમે ધીમે માતાજીના હાલરિયા ગાતા થયા ત્યારથી ભુવાજીનું સપનું ગુજરાતમાં પ્રખ્યાત થવાનું હતું.
2010માં પહેલી વાર ભુવાજીએ એક સાથે 50,000 લોકોની સામે જ સ્ટેજ પર ગાયું હતું. લાખ્યાધરામાં લાખણેચી માતાજી જે ભુવાજીના કુળદેવી માતા છે ત્યાં એક પ્રોગ્રામમાં ગમન સાંથલને ગાવાનો મોકો મળ્યો હતો. ત્યાં એક સાથે આટલૂ બધું પબ્લિક જોઈ ભુવાજી ને ડર હતો. તેમને નહતું ગાવું છતાં તેમના જોડે લોકોએ ગવડાવ્યું હતું.
ગમન સાંથલ આ મુકામ પર પહોંચવાનો શ્રેય તેમના મિત્રો, તેમના સસરા અને તેમના માતા અને પરિવારને આપે છે. ભુવાજીનું પ્રિય ગીત “મને માવતર મળે તો અંબેમાં મળજો” છે જે ગીત ગાવા માટે ફાલ્ગુની પાઠક એ પણ અભિનંદન અને પ્રશંષા કરી હતી.
ગમન સાંથલના મહેસાણાના એક પ્રોગ્રામમાં જયારે લોકોએ ગમન સાંથલનો જય જયકાર બોલાવ્યો હતો. ત્યારે ભુવાજીની આંખ ભીની થઇ ગઈ હતી અને ત્યારે તેમને લાગ્યું હતું કે તેને પોતાના પરિવારનું નામ ખુબ જ રોશન કરી દીધું છે.
ગમન સાંથલ આજે એટલા લોકપ્રિય છે કે તેના ગીતોને સોશિયલ મીડિયા પર 5 કરોડથી પણ વધુ વખત લોકો સાંભળી ચુક્યા છે અને તેમના બધા ગીતોને કરોડો વ્યુસ મળે છે.