વિધવા પુત્રવધુંના માતા-પિતા બની સાસુ સસરાએ બીજા લગ્ન કરાવતા સર્જાયા ભાવિક દ્રશ્યો.., કન્યાદાનથી સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ.. જોવો ફોટાઓ…
હાલ ઘણા પરિવારોમાં સાસુ-વહુ કે સસરા-પુત્રવધૂના સંબંધોમાં કડવાશ જોવા મળે છે. સંપત્તિ કે કોઈને કોઈ રીતે હંમેશા વિવાદ અને ઝગડા ચાલતાં રહે છે. જોકે અમુક એવા પણ પરિવારો છે જ્યાં માનવતાની મહેક આજે પણ મહેકી રહી છે. એવું લાગે કે આવા લોકોના લીધે જ હજી દુનિયા ટકી રહી છે. આવો જ એક કિસ્સો અંદાજે દોઢ વર્ષ પહેલાં સામે આવ્યો હતો, જે જોઈને ભલભલા લોકોની આંખોમાં સુખના આંસુ આવી ગયા હતા.
વાત થઈ રહી છે ગોંડલના મોવિયા ગામની. અહીં જુવાનજોધ પુત્રનું અવસાન થતાં એક ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે ખેડૂતે પુત્રના મોત બાદ વિધવા બનેલી પુત્રવધૂને પિયર મોકલી દેવાના બદલે તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા. જ્યારે જેઠ-જેઠાણીએ કન્યાદાન કર્યું હતું. એટલું જ નહીં રંગેચંગે લગ્ન કરવા ઉપરાંત લાખો રૂપિયાનો કરિયાવર પણ આપ્યો હતો.
આજથી અંદાજે અઢીયેક વર્ષ પહેલાનો બનાવ છે. મોવિયા ગામમાં રહેતા ચંદુભાઈ કાલરિયા અને રસિલાબેનના નાના પુત્ર 29 વર્ષિય અમિતનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. અમિત ગામમાં જ મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. અમિત તેની પાછળ જુવાનજોધ પત્ની અને બે નાનકડા ફુલ જેવા બાળકોને મૂકીને ચાલ્યો હતો. પુત્રના અકાળે મૃત્યુથી આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
એક તો આટલું લાંબુ જીવન એકલા પસાર કરવું અને ઉપરથી બે બાળકોનો ઉછેર આ બધી જ જવાબદારી તેમની પુત્રવધુ આરતીબેનના માથે આવી પડી હતી. જોકે આરતીબેન પર આવી પડેલા દુ:ખમાં તેના સસરિયાએ સાથ આપ્યો હતો. સાસુ-સસરા નહોતા ઇચ્છતા કે તેમના મૃત દીકરાની વહુ આખું જીવન દુઃખ અને પિડામાં વ્યતિત કરે અને માટે જ તેમણે જરા પણ મોડું કર્યા વગર તેણીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.
આપણા સામાજીક નિયમો પ્રમાણે પતિના મૃત્યુ બાદ પત્ની સંતાનો સાથે સાસરીમાં જ એકલવાયું જીવન પસાર કરે છે અથવા તો પોતાને પિયર સંતાનોને લઈને ચાલી જાય છે અને ત્યાં કદાચ તેના માતા-પિતા તેના બીજા લગ્ન કરાવે છે. પણ અહીં માતાપિતાની જવાબાદરી આરતીબેનના સાસુ-સસરાએ નિભાવી અને તેણી માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી અને છેવટે તેમણે અમરેલી જિલ્લાના સૂર્ય પ્રતાપગઢ ગામમાંથી મૂરતિયો શોધી કાઢ્યો હતો અને મહેશ સોળિયા સાથે તેણીના લગ્ન નક્કી કર્યા હતા. બાદમાં તેણીને ધામધૂમથી સાસરે વળાવી દીધી.
માતા-પિતાની ફરજ સાસુ-સસરાએ નિભાવી હતી. જ્યારે કન્યાદાનની ફરજ મોટા ભાઈ-ભાભી એટલે કે આરતીબેનના જેઠ-જેઠાણીએ પૂર્ણ કરી હતી. એટલું જ નહીં રીવાજ પ્રમાણે કરિયાવરમાં જે સ્ત્રીધન આપવાનું હોય તે બધું જ આપ્યું હતું. વિદાઈ વખતની વેળાનું દ્રશ્ય જોઈને ભલભલાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે આ આંસુ ખુશીના અને ગર્વના હતાં.
આજના સ્વાર્થી યુગમાં પણ આવા દીલદાર લોકો હોઈ શકે ? મોવિયા ગામના ચંદુભાઈ કાલરિયા અને તેમના પત્ની રસિલાબેન આખા ગામનું ગૌરવ બની ગયા છે. લોકો તેમના વખાણ કરતાં થાકતા નથી. સમાજમાં થતી આવી જ શુભ ઘટનાઓ આપણામાં માનવતાની આશા જગાવી રાખે છે. આપણને ખાતરી કરાવે છે કે માનવતા હજુ મરીપરવારી નથી. માણસ આજે પણ એકબીજાનો ખ્યાલ રાખે છે.