Surat પોલીસની સરાહનીય કામગીરી: ન સાંભળતા બાળકનું કાનનું 18 લાખનું ઓપરેશન શ્રમિક પરિવારને મફતમાં કરાવી આપ્યુ, પરિવાર ગદગદ…
Surat પોલીસે ફરી એક વખત માનવતા મહેકાવી છે. જન્મથી શ્રવણ શક્તિ નહીં ધરાવતા બાળકના ચહેરા પર પોલીસે મુસ્કાન લાવવાનું કામ કરી બતાવ્યું છે. પશુપાલકનો દીકરો સાંભળતો થાય તે માટે સુરત પોલીસે ઓપરેશન રાજવીર ચલાવ્યું હતું અને પોલીસે એનજીઓની મદદથી જન્મથી સાંભળી નહીં શકતા બાળકના મસ્તકમાં ઇમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરાવવામાં આવી હતી. ઓપરેશન સફળ થયું અને રાજવીર નામનો બાળક સાંભળતો થયો છે. જોગાનુજોગ પોલીસ સંભારણા દિવસના રોજ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સ્લમ વિસ્તારમાં જઈને રૂબરૂ તપાસ કરી:
Surat માં દરેક પોલીસ સ્ટેશનમાં ‘શી ટીમ’ કાર્યરત છે અને આ શી ટીમનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી એડમીન છે અને સુપર વિઝન કરે છે. આ ગ્રુપમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીએ ધૂળેટીના તહેવાર આસપાસ એક મેસેજ કર્યો હતો કે, તમારા વિસ્તારમાં જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હોય તેવા પાંચ વર્ષથી નાની ઉમરના બાળકો કે જેમના માતા પિતા આર્થિક રીતે સંપ્પન ન હોય તેવા પરિવારની માહિતી મને મોકલવી.
આ મેસેજ રાંદેર પોલીસ મથકના શી ટીમના સભ્ય એવા લોકરક્ષક દયાબેને વાંચ્યો હતો અને મેસેજ બાદ તેઓએ પોતાના વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં જઈને રૂબરૂ તપાસ કરી હતી. તેઓને એક પરીવાર વિશે ભાળ મળી હતી અને તેની માહિતી ડીસીપી રૂપલ સોલંકીને આપી હતી.
એક બાળકના કાનના ઓપરેશનની કિંમત 18 લાખ રૂપિયા:
મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા જિલ્લાના વાગડ ગામના વતની અને હાલમાં Surat ના ઝઘડિયા ચોકડી પાસે કાનાભાઈ ભરવાડ તેમની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરત શહેરમાં વસવાટ કરે છે. કાનાભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને સંતાનમાં 4 બાળકો છે.
જે પૈકી તેઓને ત્યાં સાતેક વર્ષ પહેલાં દીકરી કોમલનો જન્મ થયો હતો. આ દીકરી જન્મ બાદ માતા પિતાના બોલાવવા પર કોઈ પ્રતિભાવ આપતી ન હોય તેની તપાસ કરાવતા તે જન્મથી સાંભળતી ન હોવાનું જાણવા મળ્યું હતું. જયારે તેઓનો 3 વર્ષીય દીકરો રાજવીર પણ તેઓની દીકરીની જેમ સાંભળતો ન હોવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
તેઓએ બંને બાળકોની સારવાર માટે તપાસ કરાવી હતી પરંતુ એક બાળકના કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થાય તેમ બધેથી જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આખરે બધું નસીબના ભરોસે છોડી દીધું હતું.
ડીસીપીએ પીઆઈનો સંર્પક કરીને કન્સેપ્ટ સમજાવ્યો
હવે આ પરિવારને ક્યાં ખ્યાલ હતો કે, વર્ષ 2023ના વર્ષ તેમના પરિવાર માટે આનંદનો ઉત્સવ થઈને આવશે અને તેમાં નિમિત બનશે. લોકરક્ષક દયાબેનના મેસેજ બાદ ડીસીપી રૂપલ સોલંકીએ રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાનો સંર્પક કરીને સમગ્ર કન્સેપ્ટ સમજાવ્યો હતો અને તેઓએ Surat શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સુદીપ હોસ્પિટલ કે જ્યાં આ પ્રકારના બાળકોની સારવારમાં માહિર છે તેના માનવતાવાદી ડો. પ્રયત્નકુમાર અને ટીમનો સંર્પક કર્યો હતો.
આ પણ વાંચો : Porbandarમાં બાળકીના ઈનામ મામલે ગરબા આયોજકોએ કરી પિતાની હત્યા..
સારવારની બધી વિગતો મેળવી તથા ખર્ચની માહિતી મેળવી હતી જેમાં એક કાનની સારવાર માટે નાનુ એવું ઈઅર મશીન 6 લાખ 50 હજાર, ડોક્ટરના ઓપરેશનની ફી દોઢ લાખ, બાળકને દસેક દિવસ હોસ્પિટલમાં દાખલ રહે તેનો અંદાજીત ખર્ચ 1 લાખ, સિટી સ્કેન અને બીજા બધા રીપોર્ટ બધું મળીને અંદાજીત 10 લાખની આસપાસ એક કાનની સારવારનો ખર્ચ થાય તેમ હતો.
ડોકટરે પણ ઓપરેશન ફી લેવાની ના કહી
અહીં ડીસીપી રૂપલ સોલંકીએ પોતાની દુરદંશી તથા અનુભવ આધારે માનવતાવાદી અભિગમ માટે સંકલન કરવાનું ચાલુ કર્યું હતું અને મુંબઈની શ્રવ્ય નામની એનજીઓનો સંર્પક કર્યો હતો. પરિવારના અમુક પુરાવાના આધીન તેમજ ટ્રસ્ટના નિયમો મુજબ મશીન માટે રાજી કર્યા હતા. ડોકટર પણ પોલીસના આ માનવતાભર્યા અભિગમમાં સાથ આપી પોતાની ઓપરેશન ફી લેવાની ના કહી દીધી હતી.
પોલીસે બાળક માટે પરિવારની જેમ ભૂમિકા ભજવી
આમ ડીસીપી રૂપલ સોલંકી, રાંદેર પી આઈ અતુલ સોનારા, ડીસીપી ઝોન-5 અતુલ બારોટ, લોક રક્ષક દયાબેન, અ.પો.કો.નયનાબેન, વું. લોકરક્ષક અસ્મીતાબેન તેમજ પીએસઆઈ બી,એસ પરમાર સહિતની ટીમ બનાવી રાજકુંવર જેવો દેખાતો રાજવીર સાંભળતો થાય તે માટે ઓપરેશન રાજવીરની તૈયારી ચાલુ કરી દીધી હતી.
અહીં એક મુસ્બિત હતી કે આ પરિવાર પાસે આધાર કાર્ડ પણ હતું નહી જેથી રાંદેર પીઆઈએ તાત્કાલિક કાર્યવાહી કરાવી જરૂરી ઓળખના પુરાવા કઢાવવા મદદ પણ કરી હતી. આ બાદ ડે ટુ ડે સારવાર, જરૂરી રીપોર્ટ, દવાદારૂના નાના મોટા ખર્ચ, જવું આવતું તે સમગ્ર મામલે રાંદેર પીઆઈ તથા ટીમે રાજવીર માટે એક પરિવારની જેમ ભૂમિકા ભજવી હતી.
દીકરાની સારવાર થતા પરિવારની આંખમાં હર્ષના આંસુ:
આખરે તા. 15-10-2023ના રોજ રાજવીરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાજવીરના મસ્તકમાં ઇમ્પ્લાટેનશનની જટિલ સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહ્યું હતું. જોગાનુજોગ ગત તા. 21 ઓક્ટોબર 2023ના રોજ વહેલી સવારે શહીદ થયેલા પોલીસોની યાદમાં પોલીસ સંભારણા દિવસે શહીદોને સલામી અપાઈ રહી હતી તે જ દિવસે રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવામાં આવી હતી. વ્હાલસોયો દીકરાની સારવાર થઈ જતા પરિવારની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
હવે બાળકનું ઓપરેશન સફળ રહ્યું છે:
આ અંગે ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી શી ટીમનું એક ગ્રુપ છે. જેમાં આખા શહેરના બધા જ પોલીસ સ્ટેશના શી ટીમના અધિકારીઓ તેમાં છે. હું ડોક્ટર પાસે મારી દીકરીને બતાવવા ગયી હતી. આ દરમિયાન જાણ થઇ હતી કે, આવા ઓપરેશનમાં સરકાર તરફથી કાનનું મશીન વિના મુલ્યે આપવામાં આવે છે જેથી મેં ગ્રુપમાં મેસેજ કર્યો હતો.
આથી રાંદેર પોલીસ મથકના લોકરક્ષક દયાબેનના ધ્યાને આ બાળક આવ્યો હતો. જેથી આ બાળકને ડોક્ટર પાસે અમે લઇ ગયા હતા અને તેની સંપૂર્ણ તપાસ કરી હતી. તમામ રીપોર્ટ કરવામાં આવ્યા હતા. અંદાજીત 6 મહિના જેટલો સમય લાગ્યો હતો અને બાદમાં શ્રવ્ય નામની એનજીઓએ અમારી મદદ કરી હતી. હવે બાળકનું ઓપરેશન સફળ રહ્યું છે.
દીકરાના ઓપરેશન માટે પોલીસે ખુબ જ મહેનત કરી:
બાળકના પરિવારે જણાવ્યું હતું કે, પોલીસની ટીમ ઘરે આવીને પૂછપરછ કરી હતી અને બાળકને હોસ્પિટલ લઇ જઈને તમામ રીપોર્ટ કરાવીને સારવાર કરાવી હતી. બાદમાં દીકરાનું ઓપરેશન કરાવ્યું હતું. દીકરાના ઓપરેશન અંગે રાંદેર પોલીસે ખુબ જ મહેનત કરી છે. દીકરાનું ઓપરેશન થઇ ગયું છે, બાળક હવે સાંભળશે, બોલશે અમે ખુબ જ ખુશ છીએ. અમે પોલીસનો ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
more article : Suratમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બની તૈયાર, 1000 જેટલાં વેપારીઓએ ઓફિસોમાં મુક્યા કુંભ ઘડા